રાજકોટ શહેરમાં વધુ બે સગીરાના અપહરણની ઘટના સામે આવી છે. શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ભગવતીપરા વિસ્તારમાંથી 13 વર્ષની સગીરાનું લગ્નની લાલચ આપી બદકામ કરવા ઇરાદે અફતાબ સમા નામનો શખસ અપહરણ કરી ગયાની ફરિયાદ નોંધાઈ છે. જ્યારે બીજા બનાવમાં આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હરીપર ગામ રોડ પર 16 વર્ષની સગીરાનું કોઈ અજાણ્યો શખસ અપહરણ કરી ગયાની ફરિયાદ નોંધાતા પોલીસે બન્ને બનાવમાં ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
13 વર્ષની સગીરા કેટરિંગમાં જાવ છું કહી ઘરેથી નીકળી ગઈ
પ્રથમ બનાવમાં 13 વર્ષીય સગીરાની માતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા પતિ કડિયાકામ કરે છે. મારે સંતાનમા ચાર દીકરી અને ત્રણ દીકરા છે. ગત 18 જાન્યુઆરીના રોજ બપોરના આસરે અઢી વાગ્યાની આસપાસ હું અને મારી દીકરી ઘરે હાજર હતા. આ સમયે નાની દીકરી પણ ઘરે હતી અને તેણે અમને કહ્યું કે, હું મારી બહેનપણીની સાથે કેટરિંગના કામે બહાર જાવ છું. ત્યારબાદ રાત્રિના બારેક વાગ્યાની આસપાસ દીકરી ઘરે આવી નહીં. જેથી અમે તેની બહેનપણીને ફોન કરીને પૂછ્યું હતું કે, મારી દીકરી તારી સાથે છે? તો તેણીએ કહ્યું કે, હાલમા ફંક્શન ચાલુ છે અને અમે બન્ને સાથે છીએ. અમારે ઘરે અવતા થોડીવાર લાગશે તેમ કહેલ.
સગીરાએ બહેનપણીને ઘરે જાણ કરવાની ના પાડી હતી
ત્યારબાદ મોડી રાત થવા છતાં મારી દીકરી ઘરે આવી નહીં. આથી અમે તેની બહેનપણીના ઘરે ગયા હતા. તેને દીકરી વિશે પૂછતા કહ્યું કે, તમારી દીકરી મારી સાથે તમારી ઘરેથી આવેલ ત્યારે તેણે મને કહ્યું કે, તું મારા ઘરે ખોટું બોલજે કે આપણે કેટરિંગમાં જવાનું છે. જેથી હું તમારા ઘરે આવેલ ત્યારે ખોટું બોલેલ હતી કે અમે કેટરિંગમાં કામે જઈએ છીએ. હકિકતમા તમારી દીકરીએ મને ઘરે વાત કરવાની ના પાડી હતી. અમે બંન્ને તમારા ઘરેથી નીકળીને પારેવડી ચોક ખાતે પહોચેલ ત્યારે મને કહ્યું કે, તું મને અહીંયા ઉતારી દે મારે બહાર જવું છે. તેમ કહીને તે મારી બાઇક પરથી નીચે ઉતરી ગયેલી અને બાદમાં હું મારા ઘરે જતી રહી હતી.
મારી દીકરી આફતાબ સાથે ફોનમાં વાત કરતી
મને ઘરે જાણ કરવાની ના પાડી હતી. એટલે મેં તમને રાત્રે ખોટું કહ્યું કે, અમે કેટરિંગમાં છીએ. તેણે જણાવ્યું હતું કે, મારી દીકરી પાસે એક નાનો કી-પેડવાળો ફોન હતો અને તે કોઇ આફતાબ સમા સાથે ફોન ઉપર અવારનવાર વાતો કરતી હતી. જેથી અમે દીકરીના મોબાઇલ ઉપર ફોન કરતા તેનો ફોન બંધ આવતો હતો. જેથી અમે બીજા દિવસે મોરબી લીલાપર ખાતે આવાસના ક્વાટર ખાતે અમારી રીતે તપાસ કરવા માટે ગયા હતા. ત્યાં અમને જાણવા મળ્યું કે, મારી દીકરી જે આફતાબની સાથે ફોનમા વાત કરતી હતી. તેનું નામ આફતાબ હાજીભાઇ સમા છે.
આફતાબની માતા હયાત નથી
આફતાબ પણ તેના ઘરે હાજર નહોતો અને તેનુ મકાન બંધ હાલતમાં હતું. બાદમાં આફતાબના માસી નશીમબેનને મળ્યા હતા. તેઓ મોરબી રહે છે અને આ આફતાબની માતા હયાત નથી. તેના પિતા હાજીભાઇ જે જેલમા છે. જેથી આ નશીમબેનને અમે જણાવ્યું કે, આફતાબ મારી દીકરીને ભગાડીને લઇ ગયો હોઇ અને હાલ સુધી અમારા ઘરે પરત મૂકી ગયો નથી. તમે શોધી આપો તો તેઓએ જણાવ્યું કે, મને પણ ખબર નથી. જેથી આફતાબ સામે ફરિયાદ નોંધાવી છીએ.
16 વર્ષની કિશોરીનું અજાણ્યા શખસે અપહરણ કર્યું
જ્યારે બીજા બનાવમાં 16 વર્ષની સગીરાના પિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું ખેતમજૂરીનું કામ કરૂ છું. મારે સંતાનમાં ત્રણ દીકરા તથા બે દીકરી છે. અમે બઘા હરિપર ગામ રોડ ઉપર રહીએ છીએ. મારી દીકરી સરધાર આનંદનગર સરકારી સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરે છે. ગઈકાલ 23 જાન્યુઆરીના દિવસે 11 વાગ્યાના આસપાસ હું ખેતરમાં કામ કરતો હતો અને મારી 16 વર્ષની દીકરી મારી પત્નીને સ્કૂલએ જવાનું કહીને વાડીએથી નીકળ્યા હતા. બાદમાં સાંજના 5 વાગ્યે સ્કૂલ છૂટેલ પરંતુ મારી દીકરી ઘરે આવી નહીં. જેથી મારી પત્નીએ મને વાત કરી કે, સ્કુલે જવાનું કહીને ગયા બાદ ઘરે આવી નથી.
દીકરી મળી આવતી ન હોવાથી ફરિયાદ નોંધાવી
આથી અમે મારી રીતે આજુબાજુમાં તપાસ કરતા મારી દીકરી જોવામાં આવેલ નહીં. જેથી અમે બધાએ મારી દીકરી બાબતે આજુબાજુની વાડી વિસ્તાર તથા ગામમાં તથા અમારા મૂળ ગામ તથા સગાવાલામાં તપાસ કરતા મારી દીકરી બાબતે કંઈ જાણવા મળ્યું ન હતું. અમે બધા ઘરના સભ્યો આજદિન સુધી અમારી રીતે અમારા સગા વ્હાલાઓમાં તથા અન્ય જગ્યાએ તપાસ કરતા દીકરી બાબતે કંઈ જાણવા મળ્યું ન હોય અને મારી દીકરી મળી આવતી ન હોય જેથી હું ફરિયાદ આપતા જણાવું છું કે, મારી દીકરીનું કોઈ અજાણ્યો શખ્સ અપહરણ કરી લઇ ગયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.