શિક્ષક બન્યો શેતાન:રાજકોટની ખાનગી શાળામાં 4 વિદ્યાર્થીને ઢોર માર માર્યો, ડરના માર્યા વિદ્યાર્થીઓ બેસી ગયા તો ચપ્પલ ઉગામ્યું

રાજકોટ18 દિવસ પહેલા

રાજકોટ શહેરમાં વધુ એક શિક્ષકે વિદ્યાર્થીને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી અમથીબા વિદ્યાલયમાં શિક્ષક દ્વારા 4 વિદ્યાર્થીને ઢોર માર મારવામાં આવ્યો હતો. તેના મારના કારણે જ્યારે વિદ્યાર્થીઓ ડરના માર્યા બેન્ચ પર બેસી ગયા ત્યારે પણ શિક્ષકે ચપ્પલ વડે વિદ્યાર્થીને માર્યા હતા. જે સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. આ મામલે વાલીઓમાં રોષની લાગણી જોવા મળી હતી.

વિદ્યાર્થીઓએ માતા-પિતાને જાણ કરી
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી અમથીબા વિદ્યાલયમાં આજે સવારે 10:22 વાગ્યે શાંતિભાઇ કનેરીયા નામના શિક્ષકે વર્ગખંડમાં આવી અચાનક 4 જેટલા વિદ્યાર્થીને બેન્ચ પરથી ઉભા કર્યા હતા. જે બાદ શિક્ષકે વિદ્યાર્થીઓને ગાલમાં તેમજ પીઠમાં તમાચા માર્યા હતા. આથી વિદ્યાર્થીઓ ડરીને બેન્ચ પર બેસી ગયા હતા. છતાં એટલાથી સંતોષ ન થતા ફરી શિક્ષક હાથમાં પોતાનું ચપ્પલ લઇને બેન્ચ પર બેસેલા વિદ્યાર્થીઓને ચપ્પલથી માર મારે છે. આ મુદ્દે વિદ્યાર્થીઓએ પોતાના માતા-પિતાને સમગ્ર બનાવની જાણ કરી હતી.

સ્કૂલ સંચાલકે શિક્ષક સામે કાર્યવાહી કરવા ખાતરી આપી
​​​​​​​
આ ઘટના બાદ વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો અને શાળા સંચાલકને રજૂઆત કરી હતી. શિક્ષક વિરુદ્ધ રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જો કે, સામાન્ય બાબતમાં આટલું બેરહેમીથી માર મારવો તે કેટલા અંશે વ્યાજબી છે? એ સવાલ વાલીઓના મનમાં ઉઠી રહ્યો છે. આ અંગે દિવ્ય ભાસ્કર દ્વારા શાળાના સંચાલક અજય પટેલનો સંપર્ક કરતા તેમણે એવી હૈયા ધારણા આપી હતી કે, આજે જે ઘટના બની તે ગેર વ્યાજબી છે અને શિક્ષક સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.