શહેરમાં બાઇક ચોરીની તાત્કાલિક ફરિયાદ ન નોંધવાની પોલીસની બેધારી નીતિને કારણે વાહન ઉઠાવગીરો બેફામ બન્યા છે. શહેરના બજરંગવાડી પાસે ઉગતાપોરના મેલડી માતાના મંદિર પાછળ આવેલા અવાવરુ કૂવા પાસે ત્રણ શખ્સ શંકાસ્પદ બાઇક લઇ ગયા બાદ તેના સ્પેરપાર્ટસ કાઢતા હોવાની ગાંધીગ્રામ પોલીસને માહિતી મળી હતી. જે માહિતીના આધારે પીએસઆઇ જે.જી.રાણા સહિતની ટીમ તુરંત ત્યાં દોડી જઇ મોચીનગર-1માં આવેલા સંજયનગર-1માં રહેતા વાહિદ ઓસમાણ હાલા અને બે તરુણ વયના શખ્સને સકંજામાં લીધા હતા.
પોલીસને જોઇ ગેંગેંફેંફેં થવા લાગતા પોલીસે ત્રણેય શખ્સની આકરી પૂછપરછ કરતા વટાણા વેરી દીધા હતા. પોલીસે એક બાઇક મળી કુલ રૂ.66 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. વિશેષ પૂછપરછ કરતા ત્રિપુટી બજરંગવાડી પાસે બગીચામાં આવતા લોકોના બાઇક ચોરી કરતા હતા અને કૂવા પાસે લઇ જઇ તેમાંથી સ્પેરપાર્ટસ અલગ કરી તે વેચી નાંખતા હતા. બાઇકનું એન્જિન નજીક રાખી દેતા હતા. જ્યારે બાઇકની ચેસિસ સહિતનો સામાન કૂવામાં ફેંકી દેતા હોવાની કેફિયત આપી છે.
ત્રિપુટીએ આવી રીતે છેલ્લા દોઢ માસમાં ચાર બાઇક ચોરી કર્યાની કબૂલાત આપી છે. કબૂલાત બાદ પોલીસે ફાયરબ્રિગેડની મદદથી કૂવામાં ફેંકી દીધેલો સામાન કબજે કર્યો છે. બાળ આરોપીને બાળ અદાલત હવાલે કરી વાહિદ હાલાની વિશેષ પૂછપરછ હાથ ધરી છે. જોકે, ચાર બાઇક ચોરીની કબૂલાતમાં વાહનચોરીની એક જ ફરિયાદ પોલીસમાં નોંધાતા તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.