રાજકોટમાં વધુ એક વિદ્યાર્થીને ઢોર માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. શહેરના મવડી વિસ્તારમાં બાપસીતારાંમ ચોક પાસે આવેલી આરધના સ્કૂલ સંચાલિત લક્ષ્ય સ્કૂલમાં સાંજે ટ્યુશનમાં ગયેલા ન્યુ પપૈયાંવાડીના વિદ્યાર્થીને નજીવી બાબતે શિક્ષકે સ્ટમ્પ વડે ઢોરમાર મારી ધમકી આપી હતી. ઈજાગ્રસ્ત ધોળકિયા સ્કૂલના વિદ્યાર્થીને શરીરે દુખાવો ઊપડતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બનાવ અંગે તાલુકા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
લઘુશંકા માટે શિક્ષક પાસે રજા માંગી
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના ગુરુપ્રસાદ ચોક પાસે આવેલી ન્યુ પપૈયાંવાડીમાં રહેતો એલ.જી.ધોળકિયા સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ સાંજે મવડી ચોકડી પાસે બાપાસીતારામ ચોકમાં આવેલી આરધના સ્કૂલ સંચાલિત લક્ષ્ય સ્કૂલમાં સાંજે ચાલતા ટ્યુશનમાં ગયો હતો. જ્યા રાત્રિના 8 વાગ્યે વિદ્યાર્થીને લઘુશંકા લાગતાં શિક્ષક મયંક પાસે રજા માંગી હતી. બે થી ત્રણ વખત રજા માંગવા છતાં શિક્ષક મયંકે કોઈ જવાબ નહીં આપતા વિદ્યાર્થી જોરથી હાંકલ નાખી હતી. જેથી સ્કૂલના અન્ય વિદ્યાર્થીઓ ખડખડાટ હંસી પડતાં ઉશ્કેરાયેલા શિક્ષકે અન્ય રૂમમાં લઇ જય સ્ટમ્પ વડે વિદ્યાર્થીને ઢોરમાર માર્યો હતો.
પ્રિન્સિપાલે CCTV ફૂટેજ સગેવગે કરી દીધા
10થી 15 જેટલા સ્ટેમ્પ મારતા વિદ્યાર્થી આડે રાખેલું પાટિયું પણ તૂટી ગયું હતું. ઇજા સાથે ઘરે પહોચેલા વિદ્યાર્થીએ તેના માતા-પિતાને વાત કરી રાજકોટ સિવિલ હોસ્પીટલમાં સારવાર મેળવી હતી. વિદ્યાર્થીને સ્ટમ્પ વડે માર મારનાર શિક્ષક મયંક આજે ગેરહાજર રહ્યો હતો. સમગ્ર બનવા અંગે વિદ્યાર્થીના માતપિતાએ પ્રિન્સિપાલને રજૂઆત કરી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધવવા તજવીજ હાથ ધરી છે. તો બીજી બાજુ શિક્ષક મયંકને બચાવવા પ્રિન્સિપાલે CCTV ફૂટેજ સગેવગે કરી દીધાનો વાલીએ આક્ષેપ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.