ભાસ્કર વિશેષ:8 વર્ષમાં 85611 મહિલાને જીવન જીવવાનો નવો રાહ બતાવાયો

રાજકોટ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રાજકોટ જિલ્લામાં અભયમની ટીમ લગ્નજીવનથી પીડિત મહિલાઓની વહારે આવી

રાજકોટમાં 181 મહિલા અભયમ દ્વારા 8 વર્ષમાં 85611 જેટલી મહિલાઓનું સફળ કાઉન્સેલિંગ કરી તેમને જીવનની નવી રાહ દેખાડી છે. મહિલાઓને ઘરેલુ હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસા તેમજ મુશ્કેલીના સમયે તાત્કાલિક બચાવ તેમજ યોગ્ય સલાહ માર્ગદર્શન મળી રહે તેવા હેતુ સાથે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2015માં 181 અભયમ મહિલા હેલ્પલાઇનની શરૂઆત કરવામાં આવી હતી. મહિલાઓ સાથે થતી ઘરેલુ હિંસા, દુર્વ્યવહાર કે છેડતી જેવી ઘટનાઓમાં તાત્કાલિક પીડિત મહિલાઓની વહારે આવી મહિલા હેલ્પલાઇન દ્વારા મદદ કરવામાં આવે છે. રાજ્યમાં 108ની જેમ જ અભયમ હેલ્પલાઈન પણ 24 કલાક કાર્યરત છે.

અભયમની ટીમ દ્વારા પહેલા ફોન ઉપર જરૂરી માહિતી, માર્ગદર્શન આપવામાં આવે છે ઉપરાંત જરૂર જણાય તો ઘટનાસ્થળે પહોંચીને પણ પીડિત મહિલાઓનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે રાજ્યમાં 181 અભયમ મહિલા હેલ્પલાઇનને 8 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. આ 8 વર્ષ દરમિયાન રાજકોટની ટીમ દ્વારા જિલ્લામાં 85611 મહિલાને જરૂરિયાત મુજબ કાઉન્સેલિંગ કરાયું હતું. જ્યારે તાત્કાલિક પરિસ્થિતિમાં ઘટનાસ્થળ ઉપર પહોંચીને અભયમની ટીમે 20876 મહિલાને મદદ પૂરી પાડી હતી.

આ ઉપરાંત છેલ્લા એક વર્ષમાં 3035 પીડિત મહિલાને ઘટનાસ્થળ ઉપર જ મદદ પહોંચાડવામાં આવી હતી. જેમાં 1927 કિસ્સામાં સફળ કાઉન્સેલિંગ કરી સ્થળ ઉપર જ સમાધાનકારી નિરાકરણ લાવવામાં આવ્યું હતું. જ્યારે અન્ય 1108 કિસ્સામાં પીડિતાને ગંભીર પ્રકારની સમસ્યા જણાતા મહિલાઓને આગળની કાર્યવાહી માટે જે-તે પોલીસ સ્ટેશન, મહિલા સહાયતા કેન્દ્ર, સખી વન સ્ટોપ સેન્ટર વગેરે સંસ્થાઓ સુધી લઇ જઈ કામગીરી કરવામાં આવી છે.

આ સ્થિતિમાં પીડિત મહિલાઓને મળે છે મદદ
181 અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા મહિલા સાથે થતી હિંસા જેમ કે, શારીરિક, જાતીય, માનસિક, કાર્યના સ્થળે વગેરે બાબતે, શારીરિક તેમજ માનસિક આરોગ્યને લગતી સેવાઓ, લગ્નજીવન તેમજ અન્ય સંબંધોના વિખવાદો, જાતીય તેમજ બાળ જન્મને લગતી બાબતો, કાનૂની જોગવાઈઓની પ્રાથમિક માહિતી

કટોકટીના સમયે મોબાઈલથી મળશે સહયોગ
પીડિત મહિલાઓને તાત્કાલિક મદદ મળી રહે તે માટે 181 અભયમ મહિલા હેલ્પલાઇનની અદ્યતન એપ્લિકેશન પણ શરૂ કરવામાં આવી છે. જેમાં સ્માર્ટ ફોનમાં પેનિક બટન દ્વારા તાત્કાલિક હેલ્પલાઇનની મદદ મળી શકશે. આ ઉપરાંત કટોકટીના સમયમાં મોબાઈલ શેકિંગ દ્વારા ફોન કર્યા વગર મદદ મળશે. એપમાં 181 બટન દબાવતાની સાથે મુશ્કેલીની સ્થિતિમાં મહિલાના 5 સગા સંબંધી કે મિત્રોને ઓટોમેટિક મેસેજ મળી જશે. જ્યારે મહિલા ઘટનાસ્થળના ફોટો અને વીડિયો એપ્લિકેશન દ્વારા અપલોડ કરી પુરાવા તરીકે હેલ્પલાઇન સેન્ટરમાં મોકલી શકશે.

અન્ય સમાચારો પણ છે...