ધોરાજી બેઠક પર ભાજપનું સસ્પેન્સ:રાજકોટની 8માંથી 7 બેઠકમાં 4 નવા ચહેરા, 3 રિપીટ, 10 પાસથી લઈ એન્જિનિયર-ડોક્ટરને મળી ટિકિટ

રાજકોટ3 મહિનો પહેલા

ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં રાજકોટ જિલ્લાની 8 બેઠકો પૈકી ધોરાજીને બાદ કરતા 7 બેઠક પર ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. જેમાંથી 4 બેઠક પર ‘નો રિપીટ’ એટલે કે નવા ચહેરાને ઉતારવામાં આવ્યા છે. બીજી તરફ 3 બેઠક પર રિપીટ થિયરી અપનાવવામાં આવી છે. જો કે ધોરાજી બેઠક પર ઉમેદવાર કોણ તેને લઈ હજુ પણ સસ્પેન્સ રાખવામાં આવ્યું છે. કારણ કે, આ બેઠક પર હજી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા નથી. 7માં ઉમેદવારમાં કોઈ 10 પાસ, કોઈ એન્જિનિયર તો કોઈ ડોક્ટર છે.

આ રહ્યા રાજકોટની 7 બેઠકના ઉમેદવારો

બેઠકઉમેદવારનું નામરિપીટ/નવો ચહેરો
રાજકોટ પૂર્વઉદય કાનગડનવો ચહેરો
રાજકોટ પશ્ચિમડો.દર્શિતા શાહનવો ચહેરો
રાજકોટ દક્ષિણરમેશ ટીલાળાનવો ચહેરો
રાજકોટ ગ્રામ્યભાનુબેન બાબરીયાનવો ચહેરો
જસદણકુંવરજી બાવળીયારિપીટ
જેતપુરજયેશ રાદડિયારિપીટ
ગોંડલગીતાબા જાડેજારિપીટ

2017માં 8માંથી 7 બેઠક પર ભાજપને જીત મળી હતી
સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટ શહેર અને જિલ્લામાં કુલ 8 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં આ 8 બેઠકો પૈકી 7 બેઠક પર ભાજપને જીત મળી હતી. જ્યારે એકમાત્ર ધોરાજી બેઠક પર કોંગ્રેસના લલિત વસોયાએ જીત હાસિલ કરી ધારાસભ્ય બન્યા હતા. આજે ભાજપે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી તેમાં ધોરાજીને બાદ કરતા તમામ 7 બેઠકો પર ઉમેદવાર જાહેર કરી 4 બેઠક પર ‘નો રિપીટ’ અને 3 બેઠક પર રિપીટ થિયરી અપનાવવામાં આવી છે.

ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા ભાજપમાં જોડાવાની ચર્ચા (ફાઈલ તસવીર)
ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા ભાજપમાં જોડાવાની ચર્ચા (ફાઈલ તસવીર)

ધોરાજીમાં વસોયા ભાજપમાં જોડાઈ તેવી ચર્ચા
ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લાની એકમાત્ર ધોરાજી બેઠક પર ઉમેદવારનું નામ જાહેર ન થતા લલિત વસોયા ભાજપમાં જોડાશે તેવા સમીકરણો ચર્ચાઈ રહ્યા છે. જો કે તેની સામે લલિત વસોયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ માત્ર અફવા છે, હું આગામી 14 નવેમ્બરે કોંગ્રેસ પક્ષમાંથી ધોરાજીના ઉમેદવાર તરીકે મારી ઉમેદવારી નોંધાવીશ.

રાજકોટ દક્ષિણ બેઠક પરના ભાજપના ઉમેદવાર રમેશ ટીલાળા.
રાજકોટ દક્ષિણ બેઠક પરના ભાજપના ઉમેદવાર રમેશ ટીલાળા.

ટીલાળા ખેતી કરતા કરતા ઉદ્યોગ સ્થાપ્યો ને સફળ રહ્યા
રમેશ ટીલાળાનો જન્મ રાજકોટ જિલ્લાના શાપર ગામ ખાતે 15 જાન્યુઆરી 1964ના રોજ થયો હતો. 10 ધોરણ પાસ રમેશ ટીલાળા પ્રથમ ખેતરમાં ખેતી કરતા હતા અને ખેતી કરતા કરતા તેઓને ઉદ્યોગ સ્થાપવાનો વિચાર આવ્યો હતો. આ વિચારની શરૂઆત તેમને ટેક્સટાઇલના ઉદ્યોગથી કરી હતી. ટેક્સટાઇલ ઉદ્યોગમાં સફળતા મળ્યા બાદ તેઓ એક બાદ એક નવા ઉદ્યોગની સ્થાપના કરતા ગયા અને આજે તેઓ રાજકોટ અને આણંદમાં મળી કુલ 7 ઇન્ડસ્ટ્રી ધરાવે છે.

રાજકોટ ગ્રામ્ય બેઠક પર ભાનુબેન બાબરીયાને ટિકિટ અપાઈ.
રાજકોટ ગ્રામ્ય બેઠક પર ભાનુબેન બાબરીયાને ટિકિટ અપાઈ.

સસરા ધારાસભ્ય હતા અને વહુને મળ્યો ફાયદો
રાજકોટ ગ્રામ્ય બેઠક પર ભાનુબેન બાબરીયાને ટિકિટ આપવામાં આવી છે. તેઓ રાજકોટ કોર્પોરેશનના વોર્ડ ન.1ના કોર્પોરેટર છે. રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક પરથી બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેમના સસરા માધુભાઈ બાબરીયા પણ પૂર્વ ધારાસભ્ય છે. ભાનુબેને એક વર્ષ પહેલા મનપાની ચૂંટણીમાં પોતાની પાસે 3.29 કરોડની ફિક્સ ડિપોઝીટ અને 24 લાખનું સોનુ હોવાનું સોગંદનામું દર્શાવ્યું હતું.

તાજેતરમાં જામકંડોરણામાં યોજાયેલી સભામાં જયેશ રાદડિયાના માતાએ નરેન્દ્ર મોદી સમક્ષ દીકરાને લઈ ચિંતા વ્યક્ત કરી હતી.
તાજેતરમાં જામકંડોરણામાં યોજાયેલી સભામાં જયેશ રાદડિયાના માતાએ નરેન્દ્ર મોદી સમક્ષ દીકરાને લઈ ચિંતા વ્યક્ત કરી હતી.

જેતપુરમાં વિઠ્ઠલભાઈની જેમ જયેશ રાદડિયાનો દબદબો
જેતપુર બેઠક પર જયેશ રાદડિયાને ટિકિટ આપવામાં આવી છે. જયેશ રાદડિયાએ બીઇ સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. અભ્યાસકાળ દરમિયાન જીએસ હતા. પત્ની મિતલબેન અને બે સંતાનોમાં પુત્ર માહિક અને પુત્રી ક્રિષ્ના છે. જેતપુર વિધાનસભાની છેલ્લે યોજાયેલી વિધાનસભાની ચૂંટણી માટે એફિડેવીટમાં 26.34 કરોડની મિલકત દર્શાવી હતી રાજકીય કારકિર્દીની શરૂઆત 2009થી 2012 સુધી ધોરાજીના ધારાસભ્ય, રાજકોટ ડિસ્ટ્રીક્ટ કો.ઓપરેટીવ બેંકના ડીરેક્ટર અને ત્યારબાદ ચેરમેન બન્યા જે હાલ ચાલુ છે. 2013થી જેતપુરના ધારાસભ્ય તરીકે તેઓ હાલ ચાલુ છે. રાજ્યકક્ષાના પાણી, પુરવઠા અને પ્રવાસન મંત્રી તરીકે , કેબિનેટ મંત્રી તરીકે રહી ચૂક્યા છે. તેમજ રાજકોટથી લઇ જામકંડોરણાની પાટીદારની અલગ અલગ નવ જેટલી સંસ્થાઓમાં પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે.

રાજકોટની પશ્ચિમ બેઠક પરથી દર્શિતા શાહને ટિકિટ અપાઈ.
રાજકોટની પશ્ચિમ બેઠક પરથી દર્શિતા શાહને ટિકિટ અપાઈ.

હાઈપ્રોફાઈલ બેઠક પર દર્શિતા શાહ ડોક્ટર છે
રાજકોટની હાઇપ્રોફાઈલ બેઠક રાજકોટ પશ્ચિમ બેઠક પર ડો.દર્શિતા શાહને ટિકિટ આપવામાં આવી છે. તેઓએ MBBS પછી MD (પેથોલોજી) કર્યું છે. હાલ તેઓ ન્યુબર્ગ સુપ્રાટેક લેબોરેટરીમાં સિનિયર કન્સલટન્ટ પેથોલોજીસ્ટ તરીકે ફરજ બજાવે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂર્વ પ્રાંત સંઘચાલક સ્વ. ડો.પી.વી.દોશી (પપ્પાજી)ના પૌત્રી અને ડો. પ્રફુલભાઈ દોશીના પુત્રી છે. તેમજ વોર્ડ નં.2માં સતત બીજી ટર્મથી કોર્પોરેટર તરીકે કાર્યરત છે. હાલ ડેપ્યુટી મેયર તરીકે કાર્યરત છે.

અન્ય સમાચારો પણ છે...