તાલાલા ગીર પંથકની મીઠી મધુરી ખુશ્બુદાર કેસર કેરીની સુવાસ દેશમાં જ નહીં પરંતુ, વિદેશની ધરતી પર પણ પ્રસરી રહી હોય તાલાલાના મેંગો પેક હાઉસમાંથી છેલ્લા છ વર્ષમાં યુકે, યુએસ, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, મલેશિયા, દુબઇ, ઇટલી અને કતાર સહિતના દેશોમાં 2100 ટન કેરીની નિકાસ થઇ ચૂકી છે. વિદેશીઓને ભારતના ગીરની રસપ્રચૂર કેસર કેરીનો ચટકો એટલી હદે લાગ્યો છે કે આપણા મૂળ ભાવ કરતા ચાર ગણી ઊંચી કિંમત ચૂકવીને પણ વિદેશીઓ પરંપરાગત કેસર કેરીનો સ્વાદ માણી રહ્યાં છે.
દેશવિદેશમાં જે પંથકની કેરી પ્રખ્યાત છે તેવા તાલાલા ગીર માર્કેટયાર્ડના સેક્રેટરી હરસુખભાઇ જારસાણિયાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, આ સાલ ગ્લોબલ વોર્મિંગ ઇફેક્ટ વચ્ચે કેસર કેરીના પાકનું ચિત્ર અસ્પષ્ટ દેખાઇ રહ્યું છે. સ્વાદના શોખીનો સારી ક્વોલિટી બેઝ કેરીનો હજુ પણ તે ઇંતઝાર કરી રહ્યા છે. દરમિયાન વિદેશની ધરતી પર એક્સપોર્ટ થતી કેરીની ડિમાન્ડ ખાસ્સી જોવા મળી રહી છે. તાલાલા એપીએમસી ખાતે નિયમબધ્ધ કેરીની સફળ નિકાસ માટે ખાસ મેંગો પેકહાઉસ પ્લાન્ટ કાર્યરત કરાયો છે. જેમાંથી 2016થી કેરીની યુકે, યુએસ, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, મલેશિયા, દુબઇ, ઇટલી અને કતાર સહિતના દેશોમાં ધૂમ નિકાસ થઇ રહી છે. આપણી કેરીની સૌથી વધુ નિકાસ યુકે થતી હોય છે. ચાલુ વર્ષે ગીર પંથકમાં કેસર કેરીનો પાક પ્રમાણમાં ઓછો મનાઇ રહ્યો છે તેમ છતાં વિદેશ ખાતે નિકાસકાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે.
મેંગો પેકહાઉસના સૂત્રોએ જણાવ્યું હતું કે, અદ્યતન પેકહાઉસમાં ગ્રેડિંગ, વોશિંગ, હોટ વોટર અને પ્રિ-કુલિંગ, રાઇપનિંગ સહિતની ત્રણ દિવસની પ્રક્રિયા બાદ કેરી વિદેશ નિકાસ માટે તૈયાર થતી હોય છે. એક ડઝન (12 નંગ) કેરીના ત્રણ ત્રણ કિલોના બોક્સ તૈયાર કરી તેની નિકાસ થતી હોય છે. 2016થી અત્યાર સુધીમાં વિદેશની ધરતી પર 2100 ટન જેટલી કેરીની નિકાસ પૂર્ણ થઇ છે. તાજેતરમાં જ કેસર કેરીના 1100 બોક્સ યુકે (ઇંગ્લેન્ડ) મોકલવામાં આવ્યા હતા.
યુકેમાં પહોંચ્યા બાદ એરલાઇન્સ, ટ્રાન્સપોર્ટેશન સહિતના ખર્ચને કારણે ગીરની કેરીનું 3 કિલોનું એક ડઝન કેરીનું બોક્સ ત્યાં 18 પાઉન્ડ કરતા પણ વધુ ભાવમાં એટલે કે, ભારતીય બજાર મુજબ રૂ.1764 કે તેથી પણ ઊંચા ભાવે વેચાશે. તે બોક્સના અહીં રૂ. 630 આસપાસ ભાવ ગણી શકાય. તાલાલા મેંગો પેક હાઉસમાંથી આ વર્ષે અત્યાર સુધીમાં છ વખતમાં 3350 બોક્સ એટલે કે અંદાજે 12 ટન કેરી વિદેશ રવાના થઇ ચૂકી છે.
વિદેશ એક્સપોર્ટ થયેલી કેસર કેરીનો ગ્રાફ
વર્ષ | દેશ | ટન |
2016 | યુકે | 218 |
2017 | યુકે, યુએસ, ઓસ્ટ્રેલિયા | 450 |
2018 | યુકે, યુએસ | 965 |
2019 | યુકે | 170 |
2020 | યુકે | 140 |
2021 | યુકે, સિંગાપોર, મલેશિયા, દુબઇ, ઇટલી | 142 |
2022 (અત્યાર સુધી) | યુકે, કતાર | 12 |
(નોંધ : તાલાલા મેંગો પેકહાઉસ દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ) |
લંડનમાં મોસ્કોની કેરી ઉપલબ્ધ, પરંતુ ગીરની કેરીની ડિમાન્ડ
ભારતમાંથી કેસર કેરીની સૌથી વધુ નિકાસ યુકે સ્થિત દેશોમાં થાય છે. તાલાલા પેકહાઉસના દીપકભાઇએ જણાવ્યું હતું કે, ખાસ કરીને લંડનમાં વસતા મૂળ ભારતીય લોકોમાં આપણી પરંપરાગત કેસર કેરીના સ્વાદનો જોરદાર ચટકો જોવા મળી રહ્યો છે. યુકેમાં મોસ્કોની કેરી પણ ઉપલબ્ધ હોય છે પરંતુ આપણી કેસર કેરીની ડિમાન્ડ સ્વાદરસિકોમાં વિશેષ રીતે અકબંધ છે.
ત્રણ દિવસની પ્રોસેસ, લેબ ટેસ્ટિંગ બાદ નિકાસની મંજૂરી મળે
કેરીની નિકાસ સાથે જોડાયેલા વ્યવસાયિકોએ જણાવ્યું હતું કે, વિદેશમાં કેરીની નિકાસ પહેલાં ત્રણ દિવસની શોર્ટિંગ, ગ્રેડિંગ, વોશિંગ, હોટ વોટર, પ્રિ-કુલિંગ, રાઇપનિંગ અને પેકિંગ સહિતની પ્રોસેસ થયા બાદ લેબ ટેસ્ટિંગ, હોર્ટિકલ્ચર અધિકારી દ્વારા પાસ કરાયા બાદ વિદેશની ધરતી પણ કેરીની નિકાસ શક્ય બનતી હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.