રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા ગેરકાયદે બાયોડીઝલના વેચાણ કે સંગ્રહ પર કડક કાર્યવાહી કરવા સૂચના આપવા છતાં આજે પણ રાજકોટમાં રાત્રિ દરમિયાન બાયોડીઝલના ગેરકાયદે પમ્પ પોલીસની મીઠી નજર હેઠળ ચાલી રહ્યાં છે. આ અંગે રાજકોટ રેન્જ IG સંદિપસિંઘે Divya Bhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા 25 દિવસ દરમિયાન રાજકોટ રેન્જના 5 જિલ્લામાં 120થી વધુ ટીમ બનાવી 1100 જેટલી રેડ કરવામાં આવી હતી. જોકે આ દરમિયાન માત્ર 27 જગ્યા પર જ ફરિયાદ નોંધી 35 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેમજ દોઢ લાખ લીટર બાયોડીઝલનો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસે આટલેથી સંતોષ માની લીધો હોય તેવો ઘાટ સર્જાયો છે. આ રેડની તપાસનો રેલો ગાંધીનગર સુધી પહોંચી શકે છે.
બાયોડીઝલના મૂળ સુધી પહોંચવા કડક કાર્યવાહીઃ રેન્જ IG
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, 27 ફરિયાદ પૈકી સૌથી વધુ ફરિયાદ રાજકોટ જિલ્લામાં નોંધાઇ છે. આ ઉપરાંત તમામ 5 જિલ્લામાં ફરિયાદ દાખલ કરી રાત્રિ દરમિયાન ચેકિંગ કરી અંતરિયાળ વિસ્તારમા પણ ચેકિંગ અને દરોડા કરવા સૂચના આપવામાં આવી છે. ગેરકાયદેસર બાયોડીઝલના મૂળ સુધી પહોંચવા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમજ ઊંડાણપૂર્વક તપાસ કરી મૂળ સુધી પહોંચવા અન્ય રાજ્યો સુધી પણ તપાસ ચલાવવામાં આવી રહી છે. જેના માટે આગામી સપ્તાહ દરમિયાન તપાસમાં ફોલોઅપ ખુદ રેન્જ આઇજી દ્વારા લેવામાં આવશે.
રાત્રિ દરમિયાન છાને ખૂણે ગેરકાયદે બાયોડીઝલનું વેચાણ શરૂ
રાજ્ય સરકારની સૂચના બાદ 18 જુલાઈ બાદ રાજકોટ રેન્જ આઇજી સંદિપસિંઘની સૂચના હેઠળ રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર અને દ્વારકા સહિત કુલ 5 જિલ્લામાં 120 જેટલી ટીમ બનાવી બાયોડીઝલના ગેરકાયદેસર વેચાણ અને સંગ્રહ પર કડક કાર્યવાહી કરવા શરૂઆત કરવામાં આવી હતી. જોકે આ સમયે બાયોડીઝલના ગેરકાયદેસર પંપ ચલાવતા લોકોમાં ફફડાટ જરૂર જોવા મળ્યો હતો. પરંતુ આજે 25 દિવસ બાદ ફરી રાત્રિ દરમિયાન છાને ખૂણે પોલીસની મીઠી નજર હેઠળ ગેરકાયદે બાયોડીઝલનું વેચાણ શરૂ થઇ ચૂક્યું છે.
પોલીસે 27 ફરિયાદ નોંધી સંતોષ માની લીધો
ઉલ્લેખનીય છે કે, રાજકોટ રેન્જમાં કરેલી કાર્યવાહીમાં રાજકોટ જિલ્લાના ગોંડલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાજપના નેતા પ્રફુલભાઇ ઉર્ફે બાવભાઇ ટોળિયાની પણ સંડોવણી સામે આવતા ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે 1100 રેડ કરી માત્ર 27માં ફરિયાદ નોંધી સંતોષ માનતી રાજકોટ રેન્જ પોલીસ રાજ્ય સરકારના ગૃહ વિભાગને પણ ગણકારતી ન હોય તે રીતે રાજકોટ શહેર પોલીસની હદ વિસ્તારમાં ચાલતા બાયોડીઝલના ગેરકાયદે હાટડાઓ પર ક્યારે રોક લગાવી શકશે તે જોવું મહત્વનું રહેશે.
10 બાય 10ની સાઇઝની જગ્યાવાળી ઓરડીમાં વેચાણ
રાજકોટની ચારે દિશામાં પોલીસની મીઠી નજર હેઠળ ગેરકાયદે બાયોડીઝલના પંપ ચાલતા હોવાની માહિતી સામે આવી હતી. આથી Divya Bhaskarએ સ્ટિંગ ઓપરેશન કર્યું હતું. જેમાં પોલીસની મીઠી નજર હેઠળ જિલ્લામાં બાયોડીઝલનો વેપલો બેરોકટોક ચાલતો નજરે પડ્યો હતો. 10 બાય 10ની સાઇઝની જગ્યાવાળી ઓરડી બનાવી તેમાં બાયોડીઝલનો ગેરકાયદે વેપાર ધમધમી રહ્યો છે. જેમાં રાજકોટમાં રોજનું લાખો લીટર બાયોડીઝલ ગેરકાયદેસર રીતે વેચવામાં આવી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.