આ છે નવાં લક્ષણો:અશક્તિ, તાવ, ગળું પકડાવું, 3 દિવસમાં ઝાડા થવા, ઓક્સિજન લેવલ ઝડપથી ઘટવું, કોરોનાની 15 દિવસની અસર હવે માત્ર 3 દિવસમાં

જિજ્ઞેશ કોટેચા અને દેવેન ચિત્તે2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દેશમાં સૌથી વધુ ઓટોપ્સી કરનાર ડો.હેતલ ક્યાડા સહિત ત્રણ તબીબો સાથે દિવ્ય ભાસ્કરની એક્સક્લૂઝિવ વાતચીત
  • અમુક લોકો ઘરે પોતાની રીતે જ સારવાર કરતા હોવાથી મૃત્યુઆંક વધી રહ્યો છે

રાજકોટ સહિત ગુજરાતમાં કોરોનાની બીજી લહેર અતિતીવ્ર છે. દરરોજ હવે 10 હજાર કેસ આવવા લાગ્યા છે અને 100 જેટલા દર્દી મોતને ભટી રહ્યા છે તેમજ ગુજરાતમાં ક્યાંય બેડ પણ ખાલી નથી. જોકે નવા સ્ટ્રેનમાં લક્ષણો બદલાયાં હોવાથી લોકો કોરોનાને ઓળખી શકવામાં થાપ ખાય રહ્યા છે, જેને પગલે DivyaBhaskarએ નવાં લક્ષણો અંગે જાણવા કોરોના એક્સપર્ટ તબીબો સાથે વાતચીત કરી હતી.

નવી લહેરની તીવ્રતા ખૂબ જ વધુ
કોરોનાનાં નવાં લક્ષણો અંગે ભારતમાં સૌથી વધુ ઓટોપ્સી કરનાર રાજકોટ સિવિલ હોસ્પિટલના ડો.હેતલ ક્યાડાએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તાવ આવવો, અશક્તિ લાગવી, ગળું પકડાય જવું, 2થી 3 દિવસમાં દર્દીને ઝાડા થઇ જવા અને ઓક્સિજન લેવલ ઝડપથી નીચે સરકી જવું જેવાં નવાં લક્ષણો જોવા મળી રહ્યાં છે. કોરોનાની નવી લહેરની તીવ્રતા ખૂબ જ વધુ છે. પહેલાં આ વાયરસ 15 દિવસમાં બોડીમાં અસર કરતો હતો, પરંતુ હવે માત્ર 3 દિવસમાં શરીરના અવયવોને નુકસાન પહોંચાડવાનું શરૂ કરી દે છે.

લક્ષણો દેખાય તો તાત્કાલિક રિપોર્ટ કરાવી લેવો જોઇએ
ડો.ક્યાડાએ વધુમાં જણાવ્યું હતું કે આ વાયરસ શરીરમાં ઝડપથી ફેલાય છે. એની સ્પીડ વધી છે. કોઇને પણ આવાં લક્ષણો દેખાય તો તાત્કાલિક રિપોર્ટ કરાવી લેવો જોઇએ. મૃત્યુઆંક વધી રહ્યો છે, એ પાછળનું કારણ આપતાં તેમણે જણાવ્યું હતું કે લોકો કોરોના વધુ ફેલાય ગયા બાદ સારવારમાં આવે છે અને અમુક લોકો પોતાની રીતે ઘરે સારવાર કરવા લાગે છે. ડોક્ટરની સલાહ મુજબ, રેમડેસિવિર ઇન્જેક્શનનો ઉપયોગ કરવો જોઇએ.

અમુક લક્ષણોને લીધે હાર્ટ-અટેક-પેરાલિસિસની શક્યતા વધી જાય છે
સિનર્જી હોસ્પિટલના સિનિયર ડોક્ટર જયેશ ડોબરિયાએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હવેનો કોરોના સમય આપતો નથી, કોરોનાનું ઇન્ફેક્શન પ્રમાણ ફાસ્ટ થઇ ગયું છે. અનેક કેસમાં ફેફસાંની બંને સાઇડ ન્યુમોનિયાનું પ્રમાણ વધી રહ્યું છે તેમજ શરીરમાં પ્લેટલેટ ઘટી જવા જેવી સમસ્યા પણ સામે આવી રહી છે. ડેંગ્યુ જેવાં લક્ષણો જોવા મળી રહ્યાં છે. આ સિવાય આંખમાં ખંજવાળ આવવી અને ચામડીમાં ફોલ્લા પડી જવા જેવાં લક્ષણો પણ જોવા મળે છે. અમુક લક્ષણોના લીધે હાર્ટ-અટેક અને પેરાલિસિસની શક્યતા વધી જાય છે.

10 ટકા દર્દીને રેમડેસિવિર ઇન્જેક્શનની જરૂર ઊભી થાય છે
ડોક્ટર ડોબરિયાએ વધુમાં જણાવ્યું હતું કે પહેલાં કરતાં હવેનો જે કોરોના છે એના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. હવેના કોરોનાનો વાઇરલ લોડ વધુ છે. એટલું નહીં, પરંતુ તેની શરીરમાં સ્પ્રેડ થવાની ક્ષમતા પણ વધી ગઇ છે. એકદમ ઝડપથી ઇન્ફેક્શન થાય છે અને ફેફસાં સુધી પહોંચી જાય છે. ન્યુમોનિયા થતાં વાર લાગતી નથી.

એક તરફ દર્દીની સંખ્યામાં પણ વધારો થાય છે અને ખાસ તો કો-મોર્બિડિટીના દર્દીઓને વધુ અસર થાય છે, જેમાં રેમડેસિવિર ઇન્જેક્શનની જરૂરિયાત ઊભી થાય છે. આવા દર્દીને ઓછામાં ઓછાં 6 ઇન્જેક્શન આપવાં પડે છે. જો દર્દીને વાઇરલ ઇન્ફેક્શન વધુ હોય તો 10 ઇન્જેક્શન સુધીનો કોર્સ કરવો પડે છે, જેથી કરીને હાલ 10 ટકા દર્દીને આવા ઇન્જેક્શનની જરૂર ઊભી થાય છે અને ઇન્જેક્શનની માગ વધે છે.

એક વ્યક્તિ 10-15ને ચેપ લગાડી શકે છે
જ્યારે સુરતના ડોક્ટર પ્રતીક સાવજે જણાવ્યું હતું કે આજે એક વ્યક્તિ અન્ય 10થી 15 વ્યક્તિઓને સંક્રમિત કરી શકે છે, જેના પરથી આપણે અંદાજ લગાવી શકાય કે આ સંક્રમણનો પ્રભાવ એટલો વ્યાપક અને જોખમી છે. આ કમરમાં દુખાવો, આંખમાં બળતરા અને અશક્તિ જેવાં નવાં લક્ષણો દેખાઈ આવ્યાં છે. કોરોના સંક્રમણની ચેન તોડવા લોકડાઉન ખૂબ જરૂરી છે. સમયસર લોકડાઉન નહીં કરીએ તો સંક્રમણનો વ્યાપ વધતો અટકાવવો એ આપણા સૌના માટે પડકારરૂપ બની જશે. અત્યારે આપણી હેલ્થકેર સિસ્ટમ ભાંગી પડવાના આરે આવીને ઊભી છે, જે આપણા માટે સૌથી મોટો ચિંતાનો વિષય છે.