રાજકોટમાં પ્રેમિકાને છરીના 29 ઘા મારી હત્યા કર્યાના ગુનામાં સાવરકુંડલાના ભાવેશ દેગડાને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. વર્ષ 2016માં રાજકોટની કોઠારીયા કોલોનીમાં બનાવ બન્યો હતો. મૃતક ભાવિકા પ્રેમ સંબંધ રાખવા તૈયાર ન હોય એમ.જી. હોસ્ટેલમાં રહેતો ભાવેશ દબાણ કરતો હતો. કોર્ટે આરોપીને રૂ.1 લાખનો દંડ પણ ફટકાર્યો છે અને આ રકમ મૃતક દીકરીના માતા-પિતાને વળતર પેટે ચૂકવી દેવા હુકમ કર્યો છે.
ભાવેશે ભાવિકાને આ રીતે મોતને ઘાટ ઉતારી હતી
આ કેસની વિગત મુજબ મૃતક ભાવિકાબેન છગનભાઇ દાફડા (ઉં.વ.20) સાથે મૂળ સાવરકુંડલાના હાથસણી અને બનાવ વખતે રાજકોટની એમ.જી. હોસ્ટેલમાં રહેતા ભાવેશ હીરા દેંગડા (ઉં.વ.27)ને પ્રેમસંબંધ હતો. જે ભાવિકાએ તોડી નાખવા છતાં સંબંધ રાખવા ભાવેશ દબાણ કરતો હતો. 22/11/16ના રોજ સાંજે સાડા સાતેક વાગ્યા આસપાસ 80 ફૂટ રોડ, નટેશ્વર મહાદેવ મંદિરની સામે, કોઠારીયા કોલોની ક્વાર્ટર નં. 425ની સામે રોડ ઉપર આરોપીએ ભાવિકાને ફોન કરી બોલાવી પ્રેમ સબંધ ચાલુ રાખવા વાતચીત કરી દબાણ કરેલ. પરંતુ ભાવિકા આ પ્રેમસંબંધ ચાલુ રાખવા ના પાડતા આરોપી ભાવેશે ઉશ્કેરાઇ જઇ ભાવિકાને શરીરે પેટમાં, છાતીના ભાગે, ગળાના ભાગે, વાંસાના ભાગે, મોઢા ઉપર બન્ને હાથ તથા પગમાં છરીના 29 જેટલા ઘા મારી હત્યા નિપજાવી હતી.
ભાવિકાની બહેને ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી
ભાવિકાની બહેન પારૂલ છગનભાઇ દાફડાએ ફરિયાદ આપતા ભકિતનગર પોલીસે આરોપીની ધરપકડ કરી PI વી.કે.ગઢવીએ આરોપી વિરૂદ્ધ પુરાવાઓ એકત્રીત કરી સેસન્સ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કર્યું હતું. જે કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ તરૂણભાઇ માથુરે કુલ 30 જેટલા સાહેદો તપાસેલ અને આશરે 83 જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા. જે ધ્યાને લઇ રાજકોટના એડિશનલ સેશન્સ જજ બી.ડી.પટેલ આરોપી ભાવેશને IPC કલમ 302 તથા જીપી એક્ટની કલમ 135 મુજબના ગુનામાં તક્સીરવાન ઠેરવી ભાવેશને આજીવન કેદની સજા અને રૂ. 1,00,000નો દંડ ફટકાર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.