પાટીદારો ધર્મસંકટમાં:સૌરાષ્ટ્ર-કચ્છની 54 પૈકી 16 બેઠક પર ભાજપ-કોંગ્રેસ-AAPના પાટીદાર ઉમેદવાર, પટેલ V/s પટેલનો રસાકસીભર્યો જંગ

રાજકોટ3 મહિનો પહેલા

વિધાનસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે. પ્રથમ તબક્કાની તમામ બેઠકના ઉમેદવારોનાં નામ જાહેર થઈ ગયાં છે અને તેમણે પોતાની ઉમેદવારી પણ નોંધાવી દીધી છે. હવે મતદાન આડે 12 દિવસ જ બાકી હોવાથી તમામ ઉમેદવારો પ્રજા પાસે મત માગી જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. દરેક રાજકીય પાર્ટી માટે સૌરાષ્ટ્ર રાજકારણનું એપી સેન્ટર રહ્યું છે અને એમાં પણ પાટીદાર સમાજ કોની સાથે રહેશે એ દરેક રાજકીય પાર્ટી માટે કોયડો બન્યો છે. ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠક પૈકી 16 બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને AAPએ પાટીદારો પર ફોકસ કરીને પાટીદાર ઉમેદવાર જ ઉતાર્યા છે. આ 16 બેઠક પર પાટીદાર સામે પાટીદાર વચ્ચે જંગ જામશે અને રસાકસીભર્યો જંગ ખેલાશે

2017માં પાટીદારોએ પાવર દેખાડ્યો હતો
વિધાનસભાની ચૂંટણીનું બ્યૂગલ વાગી ગયું છે. આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મેદાને છે. સૌરાષ્ટ્રમાં દરેક રાજકીય પક્ષોની નજર પાટીદાર મતદારો પર રહેલી છે. વર્ષ 2017માં પાટીદાર મતદારોએ કોંગ્રેસને સાથ આપ્યો હતો, જેને કારણે સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠક પૈકી 30 બેઠક કોંગ્રેસને, જ્યારે 23 બેઠક ભાજપને ફાળે ગઈ હતી. આ વખતે પાટીદારોને પોતાની સાથે રાખવા માટે દરેક રાજકીય પક્ષો પાટીદાર પ્રભુત્વ ધરાવતી બેઠકો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ વખતે 16 બેઠક એવી છે, જેમાં ભાજપ-કોંગ્રેસ અથવા આપના પાટીદાર નેતાઓ આમને-સામને છે.

રાજકોટ દક્ષિણ બેઠક પર ખરાખરીનો ખેલ થશે
આ બેઠકોમાં કેટલીક બેઠકો ખૂબ જ રસપ્રદ છે. રાજકોટ દક્ષિણ બેઠક પર ભાજપે ખોડલધામના પૂર્વ ટ્રસ્ટી રમેશ ટીલાળાને મેદાને ઊતર્યા છે તો કોંગ્રેસે હિતેશ વોરા અને AAPએ શિવલાલ બારસિયાને ટિકિટ આપી છે. આ બેઠક પર પાટીદારોનું પ્રભુત્વ વધારે હોવાથી પાટીદારોના મતો ત્રણેય પાર્ટીના ઉમેદવારોમાં ડિવાઇડ થઈ જશે. જ્યારે અન્ય જ્ઞાતિની મતો નિર્ણાયક સાબિત થઈ શકે છે. અમરેલી જિલ્લામાં કોંગ્રેસના પરેશ ધાનાણી સામે મજબૂત ઉમેદવાર તરીકે ભાજપ તરફથી કૌશિક વેકરિયા છે જે યુવા ચહેરો છે. જોકે પરેશ ધાનાણીનું વર્ચસ્વ વર્ષોથી હોવાથી અહીં પાટીદારો તેમના તરફ ઝૂકે છે કે નહીં એ પરિણામના દિવસે જ ખબર પડશે.

પાટીદારોની ધાર્મિક સંસ્થાઓએ ટિકિટ માટે લોમ્બિંગ કર્યું હતું
2017માં પાટીદાર અનામત આંદોલનની જોરદાર અસર સૌરાષ્ટ્રમાં રહી હતી, જેને કારણે ગ્રામ્ય વિસ્તારનો પાટીદાર સમાજ ભાજપથી નારાજ થયો હતો. આ કારણે જ ભાજપે અમરેલી, જૂનાગઢ, મોરબી અને જામનગર જિલ્લામાં બેઠકો ગુમાવી પડી હતી. પાટીદારોની ધાર્મિક સંસ્થા ખોડલધામ અને સિદસર પણ દરેક રાજકીય પાર્ટીઓમાંથી પાટીદારોને વધારે ટિકિટ મળે એવા પ્રયત્ન કરતી નજરે પડી હતી. જોકે પ્રચારમાં આ સંસ્થાઓ નહીં જોડાવાની પણ જાહેરાત કરી છે. ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે જાહેરાત કરી છે કે ખોડલધામ એકપણ રાજકીય પાર્ટીનો પ્રચાર નહીં કરે.

પાટીદારો કોને પોતાના વોટ આપે છે એ જોવું રહ્યું
સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજની જનસંખ્યા નોંધપાત્ર છે. ગ્રામ્ય વિસ્તારોમાં પાટીદારો જેની સાથે રહે તે પાર્ટીને સીધો જ ફાયદો થાય છે અને એટલા માટે જ ભાજપ હોય, કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી. દરેક પાટીદારને રીઝવવાના પ્રયત્નો કરી રહ્યા છે. કેટલીક એવી પણ સીટો છે જ્યાં ભાજપ, કોંગ્રેસે પાટીદાર ચહેરાઓને સ્થાન આપ્યું છે, જેની સામે ઓબીસી કે અન્ય જ્ઞાતિના ઉમેદવાર મેદાને છે. પાટીદાર પ્રભુત્વ ધરાવતી સીટો પણ દરેક રાજકીય પાર્ટીઓએ પાટીદારોને ટિકિટ તો આપી છે, હવે તેની જીતનો આધાર ઉમેદવારની વ્યક્તિગત તાકાત પર રહેલો છે. ત્યારે આ વખતની ચૂંટણીમાં પાટીદારો કોને પોતાના વોટથી આશીર્વાદ આપે છે એ આગામી પરિણામ જ કહેશે.

અન્ય સમાચારો પણ છે...