ભાસ્કર એક્સક્લૂઝિવ:10 વર્ષમાં ખેતરમાં રાસાયણિક દવાનો વપરાશ 30% વધ્યો, ફળદ્રુપતા 20% ઘટી

રાજકોટ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • શાકભાજી, કઠોળના પાકમાં કેમિકલના પ્રમાણમાં પણ વધારો
  • એક્સપર્ટ્સનાં તારણો...જમીનમાં કૃષિ માટે જરૂરી ઓર્ગેનિક કાર્બન ઘટતા વિદેશી ખાતરના ડોઝ આપવા પડે છે, તેથી પાકને માઠી અસર

ખેતી ક્ષેત્રે છેલ્લાં દસ વર્ષમાં આવેલા ફેરફારને કારણે જમીનની ફળદ્રુપતા એકંદરે 20 ટકા ઘટી છે, સામે ખેડૂતો દ્વારા પ્રવર્તમાન આબોહવાની પરિસ્થિતિ વચ્ચે સફળ ખેતીની લહાયમાં નાછૂટકે ખેતરમાં ખેતપેદાશો પર વિલાયતી દવા, રાસાયણિક ખાતરો વાપરવાનું પ્રમાણ અંદાજે 30 ટકા વધ્યું છે.

ટોચના કૃષિ નિષ્ણાતો એવો પણ દાવો કરી રહ્યા છે કે, રાસાયણિક ખેતીના વધતા પ્રમાણ વચ્ચે સૌથી મોટી ચોંકાવનારી બાબત એ છે કે, વિલાયતી ખાતર અને ઝેરી કેમિકલયુક્ત ખેતીના ઓવરડોઝને કારણે જમીનનું સ્તર વૈજ્ઞાનિક સ્તરે ભુસ્તરીય દૃષ્ટિએ એસિડિક બની રહ્યું હોઇ, તે જમીનમાંથી ઉત્પાદીત મગફળી, શાકભાજી, ફળફળાદી સહિતના પાકોમાં કેટલાક અંશે કેમિકલના અવશેષો ભળી રહ્યા છે અને આ પ્રકારના પાક આરોગવાને કારણે લોકોમાં અસાદ્ય રોગ થવાનું જોખમ અનેક અંશે વધી ગયું છે!

ટોચના તબીબો ખેતરમાંથી 24 કલાકની અંદર શરીરમાં પ્રવેશતા દવાવાળા-કેમિલથી પાકેલા શાકભાજી સહિતના પાકોમાં એકંદરે લાંબા ગાળે કેન્સર થાય તેવું કાર્સિનોજેનિક એસિડનો પણ ભાગ હોવાનો ભય વ્યક્ત કરી મેડિકલ સાયન્સને કેન્દ્ર સ્થાને રાખીને લોકોને આ પ્રકારના પાકોથી દૂર રહેવા અથવા તો આવા ઝેરી તત્વોથી પાકેલા ખેતઉત્પાદકોને મીનરલ વોટર અથવા તો ઝેરી તત્વો દૂર થાય તે પદ્ધતિથી ચોખ્ખા કરી ખાવાની સલાહ આપી રહ્યા છે.

ભાસ્કરે એક્સપર્ટ્સ પાસે અભ્યાસ કરાવ્યો - વિદેશી ખાતર, ઝેરી કેમિકલના ઓવરડોઝથી જમીન એસિડિક બની, ફળદ્રુપતા ઘટી, જમીનનો PH 7થી ઘટી 3%, કાર્બન રેશિયો 1.5થી ઘટી 0.60 % થયો

બે વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું, સારો નફો મેળવું છું !
જામનગર જિલ્લાના દડિયા ગામે 19 વીઘામાં ખેતી કરુ છું. રાસાયણિક ખેતી કરતો હતો, પરંતુ તેમાં કોઇ ખાસ નફો મળતો નહતો, અને વિલાયતી તત્વોને આધારે પાકતી ખેતપેદાશો પણ લોકઆરોગ્ય પર ખતરો સર્જશે તેવી ભીતિ વચ્ચે મે છેલ્લા બે વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવી છે. હળદર, મરચા તેમજ સિઝનમાં કપાસ, મગફળી અને અડદ જેવા પાક લઉ છું. પરંપરાગત ખેતીમાં ખર્ચ ઘટ્યો છે. હાલ યાર્ડમાં મગના પ્રતિ મણના રૂ.1200 છે જેની સામે મારા મગ રૂ.100 વધુ ભાવે વેચાય છે. - ભાવેશ નંદા ખેડુત, ગામ- દડિયા, જિલ્લો, જામનગર

કાર્સિનોજેનિકથી લાંબાગાળે કેન્સર જેવા રોગનો ખતરો
ખેતીમાં રાસાયણિક ખાતર-દવાઓનો ઉપયોગ વધ્યો છે ત્યારે આ પ્રકારની ખેતીથી ઉત્પાદિત શાકભાજી, ફળફળાદી સામાન્ય રીતે ખેતરમાંથી બહાર કાઢ્યા બાદ 24 કલાકની અંદર શરીરમાં પ્રવેશતા હોય છે, આવા કેમિકલયુક્ત ઉત્પાદનોથી લાંબા ગાળે કેન્સરની બીમારી થઈ શકે છે તથા આંતરડા, લીવર, કિડનીને નુકસાન પહોંચી શકે છે. શરીરમાં કોઇ પણ કાર્સિનોજેનિક કેમિકલ પ્રવેશતું હોય ત્યારે ધીમા ઝેરની જેમ શરીરમાં ફેલાઈ અસાધ્ય રોગોનું કારણ બની શકે છે. -ડો.અર્ચિત રાઠોડ, એમ.ડી. ક્રિટીટલ કેર સ્પેશ્યલ

એસિડિક જમીનના પાકથી અસાધ્ય રોગોનો ખતરો
ખેતીમાં રાસાયણિક ખાતરના અતિરેકથી જમીનનો PH (સેન્દ્રીયતા પ્રમાણ) જે પહેલા 6 થી 7 ટકા હતો તે ઘટી 3 થી 4 ટકા થઇ ગયો છે, તો કાર્બન રેશિયો કે જે પહેલા 1.5 ટકા સુધીનો હતો તે ઘટી 0.60-0.70 ટકાએ પહોંચી ગયો છે. ખેડૂતો પાકમાં ઉત્તમ પરિણામની આશાએ રાસાયણિક પદાર્થો તરફ ઢળ્યા છે ત્યારે ખેતી આધારિત જમીન એક તબક્કે એસીડિક બની રહી હોઇ, ઉત્પાદીત પાક લોકઆરોગ્ય પર અસાદ્ય રોગોનો ખતરો ઊભો કરે તેવી દહેશત અનેકગણી વધી છે. - ડો. ડી.એમ.જેઠવા એન્ટોમોલોજિસ્ટ, રાજકોટ

10 વર્ષમાં જમીનની ફળદ્રુપતા એકંદરે 20% સુધી ઘટી
ગુજરાતમાં નાઇટ્રોજનની અછતવાળો વિસ્તાર 72 ટકા છે, જમીનમાં અંદર રહેલું ઓર્ગેનિક કાર્બન ઘટી રહ્યું છે. હાલ ખેડૂતો દ્વારા ખેતીમાં એક નો એક પાક લેવો (મોનોક્રોપિંગ), ગ્લોબલ વોર્મિંગ વચ્ચે રાસાયણિક ખાતર, દવાઓનો ઉપયોગ વધવો, સેન્દ્રિય-જૈવિક ખાતરનો ઉપયોગ ઘટવો સહિતના કારણોએ જમીનની ફળદ્રુપતા એકંદરે ઘટી છે. છેલ્લા દસ વર્ષમાં અંદાજે 20 ટકા ફળદ્રુપતા ઘટી છે. ખેડૂતો જમીનની ફળદ્રુપતા વધારવા સેન્દ્રીય-જૈવિક ખાતરનો ઉપયોગ વધારે તે જરૂરી છે.’’ - ડો.એસ.જી.સાવલિયા કૃષિ રસાયણ તજજ્ઞ, રાજકોટ

જમીનમાં ધારાધોરણ મુજબ ખાતર-દવાનું પ્રમાણ ખોરવાયું
​​​​​​​પહેલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી જ કરતા. ત્યારે ટેક્નોલોજી નહોતી એટલે ઉત્પાદન ઓછું મળતું હતું. 1965માં હરિત ક્રાંતિ આવી પ્રથમ ઘઉં, ચોખામાં હાઇબ્રિડ જાતો આવી, ખેતીના રોગ માટે દવાઓ અસ્તિત્વમાં આવી. જમીન સંલગ્ન ધારાધોરણ મુજબ દરેક પાક માટે ખાતર તેમજ દવા છાંટવાનું ચોક્કસ પ્રમાણ નક્કી કરાયું છે. પણ હવે બદલતી પરિસ્થિતિ મુજબ ખેડૂતો દ્વારા કરાતા રાસાયણિક પદાર્થોના ઓવરડોઝને કારણે જમીનની રોગ પ્રતિકારકતા તેમજ ફર્ટિલિટી ઘટી ગઇ છે. - ડો.જીવરાજ ચૌધરી (કૃષિ તજજ્ઞ, કૃષિ યુનિ., તરઘડિયા)

અન્ય સમાચારો પણ છે...