મેઘતાંડવ:લોધિકામાં 10 કલાકમાં અધધ..18 ઇંચ વરસાદ ખાબક્યો, કમરડૂબ પાણીમાં PSIએ વૃદ્ધાને તેડી જીવ બચાવ્યો, દેવગામ બેટમાં ફેરવાયું

રાજકોટએક મહિનો પહેલા
લોધિકાના PSIએ વૃદ્ધાને બચાવ્યા.
  • લોધિકાના બાલાજી પુલ પર કમરડૂબ પાણીમાં વૃદ્ધા ફસાતા પોલીસે રેસ્કયૂ કર્યું હતું

મેઘરાજાએ આજે રાજકોટ જિલ્લામાં તાંડવ મચાવ્યું છે. રાજકોટ જિલ્લામાં સૌથી વધુ વરસાદ લોધિકા તાલુકામાં નોંધાયો છે. સવારના છ વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધીમાં સાંબાલાધાર 18 ઇંચ વરસાદ ખાબકતા અનેક ગામો બેટમાં ફેરવાયા છે. લોધિકાના ગ્રામ્ય વિસ્તારોમાં પૂરના પાણી ધસી આવ્યા છે. ગામડાઓમાં 5-5 ફૂટ પાણી ભરાતા ગ્રામજનો હેરાન પરેશાન બની ગયા છે. પૂરગ્રસ્ત વિસ્તારમાં PSIના માનવતા દૃશ્યો પણ સામે આવ્યા છે. PSIએ એક વૃદ્ધાનું કમરડૂબ પાણીમાં રેસ્ક્યૂ કરી જીવ બચાવ્યો છે.

લોધિકાનું દેવગામ જળબંબાકાર.
લોધિકાનું દેવગામ જળબંબાકાર.

લોધિકાના બાલાજી પુલ પર વૃદ્ધા ફસાયા હતા
રાજકોટ જિલ્લામાં અનરાધાર અવિરત વરસાદના કારણે ઠેર ઠેર પૂર જેવી સ્થિતિ વચ્ચે લોધિકાના બાલાજી પુલ પર પાણીમાં ફસાયેલા વૃદ્ધાનું રેસ્ક્યુ કરી લોધિકા PSI કે.કે. જાડેજાએ પોલીસની ખરી ફરજનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. કમર ડૂબ પાણીમાં વૃદ્ધાને ઉચકી સલામત સ્થલે ખસેડાયા છે. વૃદ્ધાએ પણ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો અને પોલીસ ટીમને આશીર્વાદ આપ્યા હતા.

ગામમાં 5 ફૂટ સુધી પાણી ભરાયા.
ગામમાં 5 ફૂટ સુધી પાણી ભરાયા.

દેવગામ બેટમાં ફેરવાયું
લોધિકાનું દેવગામ બેટમાં ફેરવાયું છે. ગામમાં જવાના તમામ રસ્તાઓ બંધ થતા સંપર્ક વિહોણું બન્યું છે. ગામમાં ચારેબાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. તેમજ હાજરો વીઘા જમીનનું ધોવાણ થયું છે. ખેતરો દરિયામાં પરિવર્તિત થયા હોય તેવા દૃશ્યો જોવા મળી રહ્યાં છે.

ગ્રામજનો કફોડી સ્થિતિમાં.
ગ્રામજનો કફોડી સ્થિતિમાં.

ગોંડલના કોલીથડની સિવિલ હોસ્પિટલમાં પાણી ઘૂસ્યા
ગોંડલના કોલીથડની સિવિલ હોસ્પિટલમાં પાણી ઘૂસ્યા છે. આથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ગામને જોડતો મુખ્યપુલ પણ ધરાશાયી થયો છે. ગામમાં અનેક વૃક્ષો પણ ધારાશાયી થઇ છે. કોલીથડ ગામમાં હાલ વીજળી ગૂલ છે.

ગોંડલના કોલીથડ ગામમાં જળબંબાકાર.
ગોંડલના કોલીથડ ગામમાં જળબંબાકાર.

ગોંડલ શહેરમાં 250 નાગરિકોનું સ્થળાંતર કરવામાં આવ્યું
ગોંડલ શહેરમાં 250 નાગરિકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, જ્યારે ખીરસરા ગામે ફસાયેલી ગાડીમાં 3 વ્યક્તિઓ હતા. જે પૈકી એક વ્યક્તિ બચી ગયેલ છે અને અન્ય 2ની શોધખોળ ચાલુ છે. દર કલાકે પ્રાંત અધિકારીઓ અને મામલતદારો કલેક્ટરના સંપર્કમાં રહીને પરિસ્થિતિનો અહેવાલ મોકલી રહ્યા છે. બપોરે 3 વાગ્યા સુધીમાં લોધિકામાં 2, રાજકોટ શહેરમાં 1 અને ઉપલેટામાં 1 મળીને કુલ 4 મૃત્યુ નોંધાયા છે. જ્યારે રાહત-બચાવની કામગીરી માટે એનડીઆરએફ, તરવૈયા, એરફોર્સ સહિતની ટીમ રવાના કરવામાં આવી છે.

કોલિથડની સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાયા.
કોલિથડની સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાયા.

ભાદર ડેમના 7 દરવાજા 7 ફૂટ ખોલવામાં આવ્યા
ભાદર ડેમના 7 દરવાજા 7 ફૂટ ખોલવામાં આવ્યા છે, જ્યારે આજી-3 અને ન્યારી-2 ડેમના દરવાજાઓ ઓવરફ્લોને કારણે ખોલવામાં આવશે. કાગદડી ગામે એક કારમાં ફસાયેલા 4
વ્યક્તિઓ પૈકી ત્રણ વ્યક્તિઓને બચાવી લેવામાં આવ્યા છે. કોટડાસાંગાણી તાલુકાના હડમતાળા-રાજગઢ માર્ગ ભારે વરસાદને કારણે ધોવાઇ જવા પામ્યો છે અને પાડવી ગામનો રસ્તો બંધ થયો છે. રાજકોટ-અમદાવાદ હાઇવે પરનું નાળું ધોવાઇ જતા જીવાપર ગામનો રસ્તો બંધ થયો છે. લોધિકા તાલુકાના વાજડી-ચાંદલી રસ્તો બંધ થયો છે. લક્ષ્મીઇંટાળા ગામે એક મકાન પડી ગયું છે. ભારે વરસાદને કારણે પડધરી-જામનગર હાઈવે બંધ છે. ગોંડલ તાલુકાના વોરાકોટડા ગામે કોઝવેને કારણે રસ્તો બંધ થયો છે.

અન્ય સમાચારો પણ છે...