રાજકોટ જિલ્લાની ગ્રામ પંચાયતની કચેરીમાં રેવન્યુ રેકોર્ડ, હકકપત્રકની મેન્યુઅલ નોંધ સહિતના મહત્વપૂર્ણ દસ્તાવેજો ગાયબ ઘટના પ્રકાશમાં આવી છે. જેના પગલે સનસનાટી મચી જવા પામી છે.
રેવન્યુ તલાટીએ તપાસ કરતા દસ્તાવેજો મળ્યા જ નહીં
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટના વાવડી ખાતે આવેલ ગ્રામ પંચાયતની કચેરી એટલે કે હાલની વોર્ડ ઓફીસના બિલ્ડીંગમાં રેવન્યુ રેકોર્ડ તેમજ હકકપત્રકની મેન્યુઅલ નોંધ સહિતના મહત્વપૂર્ણ દસ્તાવેજો કબાટમાં રાખવામાં આવેલ હતા. આ જુની પંચાયત કચેરીમાં વાવડીના રેવન્યુ તલાટી મનીષ ગીધવાણી ગત તા.7 માર્ચના તપાસ કરવા જતા આ કબાટમાં રેવન્યુ રેકર્ડના સાધનીક કાગળો અને દસ્તાવેજો મળી આવેલ ન હતા. જેથી તેઓએ આ બાબતે આ વોર્ડ કચેરીએ મહાનગરપાલિકાના સ્ટાફને આ અંગે પૂછપરછ કરેલ હતી. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટાફને આ અંગેની કોઈ જાણ ન હોવાનું ખુલ્યુ હતું.
પોલીસે તપાસ હાથ ધરી
જે બાદ આ વાવડીની જુની પંચાયત કચેરી અને હાલની વોર્ડ ઓફીસ માંથી રેવન્યુ રેકર્ડ ગુમ થયાની નોંધ કરી પોલીસને આ અંગેની જાણ કરતા પીએસઆઈ ચાવડા દ્વારા આ પ્રકરણમાં તપાસ શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વાવડીનો રાજકોટ મહાનગરપાલિકામાં સમાવેશ થયા બાદ વાવડી ગ્રામ પંચાયતની ઓફીસ નીકળી જતા તેના સ્થાને મહાનગરપાલિકાની વોર્ડ ઓફીસ કાર્યરત બની છે. મનપાની આ વોર્ડ ઓફીસમાં રખાયેલા કબાટમાં વાવડીનું જુનું રેવન્યુ રેકર્ડ રાખવામાં આવેલ હતું જે ગુમ થતા ખળભળાટ મચી જવા પામી હતી. આ પ્રકરણમાં બેદરકારી કોની? તેવો પ્રશ્ન ઉઠવા પામેલ છે. જો કે, આ પ્રકરણમાં પોલીસે તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.