સફળતા:રોગપ્રતિકારક શક્તિ જ બની જાય છે દુશ્મનઃ સિવિલમાં જીબીએસથી પીડાતા ચાર બાળકને 90 દિવસમાં રોગમુક્ત કરાયા

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટની કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં ગુલિયન બારે સિન્ડ્રોમ નામના ઘાતક અને અસામાન્ય રોગથી પીડાતા 4 બાળકોને સાજા કરીને રોગમુક્ત કર્યાનું પીડિયાટ્રિક વિભાગના હેડ ડો. પંકજ બૂચ જણાવે છે.  આ રોગની શરૂઆત વાઇરલ ઈન્ફેક્શનથી થાય છે જેની સામે લડવા રોગપ્રતિકારક શક્તિ જન્મે છે પણ રોગનો નાશ કરવાને બદલે તે શરીર પર જ હુમલો કરવા લાગે છે. શરૂઆત પગથી થાય છે પછી શરીર લકવાગ્રસ્ત બને છે અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને વેન્ટિલેટરની જરૂર પડે છે.

તબીબ જણાવે છે કે, આ રોગમાંથી બહાર લાવવા એટલે મોતના મુખમાંથી બહાર લાવવા સમાન છે. ઈમ્યુનો ગ્લોબલ થેરાપી જેવી ટ્રીટમેન્ટ કરાય છે અને રોગપ્રતિકારક શક્તિને ઘટાડવા ઈમ્યુનોગ્લોબ્યુલિન નામનું  1 લાખની કિંમતનું ઈન્જેક્શન અપાય છે. બાળકના રોજ બેવાર એબીજી ટેસ્ટ કરવાના હોય છે અને વેન્ટિલેટર દ્વારા અપાતા ઓક્સિજન અને કાર્બનડાયોકસાઈડનું પણ પ્રમાણ માપવામાં આવે છે. આ ઉપરાંત અન્ય સારવાર પણ આપવી પડે છે. બાળક સ્વસ્થ થાય ત્યારબાદ પણ ફિઝિયોથેરાપી આપવી પડે છે. 

લોકડાઉન દરમિયાન બાળકોના વિભાગમાં તમામ સારવાર ચાલુ રખાઈ હતી તેથી દર્દીઓની સંખ્યા પણ વધુ હતી. આ દરમિયાન જ માંગરોળના પરિવારની ત્રણ વર્ષની દીકરી, માળિયામિંયાણા તેમજ દાહોદના પરિવાર સહિત 5 બાળકો આ રોગ સાથે આવ્યા હતા જેમની 90 દિવસ સુધી સારવાર કરી રોગમુક્ત બનાવીને ડિસ્ચાર્જ કરાયાનું ડો.પંકજ બૂચે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...