આપઘાત:હું આર્થિક ભીંસથી પગલું ભરું છું, સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી યુવાનનો આપઘાત

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સહકારનગરના યુવાને ત્રિશૂલ ચોક પાસે આવેલી ઓફિસમાં જ ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધંુ
  • બે દિવસ પહેલા ઝેરી દવા પી લેનાર પ્રિન્ટિંગ પ્રેસના ધંધાર્થીએ સારવાર દરમિયાન દમ તોડ્યો

શહેરમાં વધુ એક યુવાને આર્થિક ભીંસથી જિંદગી ટૂંકાવ્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જ્યારે બે દિવસ પહેલા દેણું થઇ જવાથી ઝેરી દવા પી લેનાર યુવાને ચાલુ સારવારમાં દમ તોડ્યો છે. ત્રિશૂલ ચોક પાસે આવેલી વાત્સલ્ય એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ નામની ઓફિસમાં ગુરુવારે બપોરે યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા ભક્તિનગર પોલીસમથકના હેડ કોન્સ.આર.વી.ગઢાદરા સહિતનો સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયો હતો.

તપાસનીશ અધિકારીના જણાવ્યા મુજબ, આપઘાત કરી લેનાર યુવાન સહકારનગર-4માં રહેતો નિકુંજ રજનીકાંતભાઇ કાચા હોવાનું અને તેને આપઘાત કરતા પૂર્વે લખેલી સ્યૂસાઇડ નોટમાં પોતે આર્થિક ભીંસથી કંટાળીને પગલું ભરી રહ્યો હોવાનું લખ્યું છે. આ ઉપરાંત નિકુંજે સોશિયલ મીડિયામાં પણ પોતે આપઘાત કરતો હોવાનો મેસેજ પોસ્ટ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

મૃતક નિકુંજ બે ભાઇમાં નાનો હતો. તેના લગ્ન થયા હતા, પરંતુ પત્ની સાથે મનમેળ નહિ થતા છૂટાછેડા થઇ ગયા હતા. તે છૂટક વેપાર કરવા તેને લોન પણ લીધી હતી, પરંતુ મહામારીને કારણે ધંધા સરખા ચાલતા ન હોય હપ્તા ભરવામાં અસફળ રહેતા તેને નોટિસ પણ મળી હોવાનું પરિવારની પૂછપરછમાં જાણવા મળ્યું છે.

ધંધામાં દેણું થઇ જતા બે દિવસ પહેલા ઝેરી દવા પી લેનાર ભગવતીપરાના બુરહાન શબ્બીરભાઇ ભારમલ નામના યુવાને ગુરુવારે ચાલુ સારવારમાં દમ તોડ્યો છે. વિજય પ્લોટમાં પ્રિન્ટિંગ પ્રેસ ધરાવતા બુરહાને ધંધાના કામે છેલ્લા એક વર્ષમાં અલગ અલગ વ્યક્તિઓ પાસેથી ઉછીના તેમજ વ્યાજે રૂપિયા લીધા હતા. જેને કારણે તેને રૂ.20 લાખનું દેણું થઇ ગયું હતું. અને વ્યાજનું ચક્ર ફરતું હોય કંટાળીને બે દિવસ પહેલા ઝેરી દવા પી લીધી હતી. જેની સારવારમાં આજે બુરહાને દમ તોડ્યો છે. કોઇ વ્યાજખોરની હેરાનગતિ હતી કે કેમ તે અંગે પોલીસે પરિવારજનોની પૂછપરછ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...