ભાસ્કર ઈમ્પૅક્ટ:મનપાના ફ્લેટમાં ગેરકાયદે કબજો કરનારાઓ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરાશે

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભાસ્કરના અહેવાલ બાદ મેયરે ચેકિંગનો આદેશ કર્યો, કમિશનરે તપાસ ડીએમસીને સોંપી
  • G વિંગમાં જે ફ્લેટ હજુ ફાળવ્યા નથી તેમાં રહેતા લોકોને ‘મામા’ અને ‘રાણા’એ સચેત કરી દેતા ભાગી ગયા

રાજકોટના ઉપલાકાંઠે સંતકબીર રોડ પર આવેલી ગોકુલનગર આવાસ યોજનામાં મનપાની માલિકીના ફ્લેટના તાળાં તોડીને ભાડે આપવાનું કૌભાંડ ચાલતું હોવાનો પર્દાફાશ દિવ્ય ભાસ્કરે કર્યો હતો. જે પ્રસિદ્ધ થતાં જ મેયર પ્રદીપ ડવે તુરંત જ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને ચેકિંગ કરવા આદેશ કર્યો હતો.

ટીમ પહોંચતા જ ગેરકાયદે ફ્લેટ ભાડે આપવામાં સંડોવાયેલા મામા નામના શખ્સ અને તેનો વહીવટદાર રાણો સક્રિય થયા હતા અને ભાડૂઆતોને જાણ કરતા તે બધા ફ્લેટને તાળાં મારીને ફરાર થઈ ગયા હતા. મનપાએ આ ગંભીર મામલે એન્ટિ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવાનો નિર્ણય લેતા એક એક ફ્લેટ પર કબજો કરનારા તમામને જેલના સળિયા ગણવાનો વારો આવશે.

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એ.આર. સિંઘ અને તેમની ટીમ સવારે જ ગોકુલનગર પહોંચતા અફરાતફરી મચી હતી. લોકો કાર્યવાહીમાં વચ્ચે ન આવે તે માટે પોલીસ બંદોબસ્ત પણ સાથે જ હતો. જી વિંગના ત્રીજા માળે જ્યાં મનપાના કબજાના 4 ફ્લેટ હતા ત્યાં પહોંચતા જ દરવાજે તોરણ બાંધેલા હતા પણ ફ્લેટમાં તાળાં હતા તેથી કબજો કર્યાનું સાબિત થયું હતું. આ અંગે મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું કે, ‘તપાસ ડીએમસીને સોંપાઈ છે તેમાં મનપાના ફ્લેટમાં કબજો કોણે કર્યો છે તે રિપોર્ટ આપશે એટલે કબજો કરવા બદલ એન્ટિ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદની કાર્યવાહી કરાશે.’

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એ. આર. સિંઘે જણાવ્યું હતું કે, દિવસમાં બે વખત ચેકિંગ કર્યું હતું અને હવે સમયાંતરે ચેકિંગ કરીને મનપાની મિલકતો પર ગેરકાયદે કબજો કરનારાઓને શોધી કાઢવામાં આવશે. ચેકિંગ દરમિયાન જે ફ્લેટ ફાળવેલા છે અને તેમાં શંકા લાગી તેમને પણ નોટિસ આપી દીધી છે.

બધા ફ્લેટની ફાળવણી કરવા સૂચના આપી છે : રૈયાણી
જે આવાસ યોજનામાં કૌભાંડ થયું તે રાજ્યમંત્રી અરવિંદ રૈયાણીનો વિસ્તાર છે, તેમણે જણાવ્યું હતું કે, ‘ગોકુલનગરમાં આવાસ ખાલી છે ત્યાં આ પ્રકારે કબજો થાય તે યોગ્ય નથી તેથી તુરંત જ કમિશનરને ફોન કરીને વિગત માગી હતી અને કડક સૂચના આપી છે કે, જે પણ ફ્લેટ ખાલી છે તેનો ઝડપથી ડ્રો કરીને જે ખાલી છે તે બધા ફ્લેટ ફાળવી દેવાય જેથી લાભાર્થીઓને આવાસ મળી રહે’

શેહ શરમ રાખ્યા વગર કાર્યવાહી થશે : મેયર
મેયર પ્રદીપ ડવે આ મામલે કાર્યવાહી કરવા આદેશ કર્યા બાદ કહ્યું હતું કે, ‘આવાસ ગરીબો માટે બનાવ્યા છે અને તેના પર કબજો થાય તો તે ગંભીર બાબત છે તેથી જે પણ આ કૃત્યમાં સંડોવાયેલા હશે તેને સામે લાવીને કોઇપણ શેહ શરમ રાખ્યા વગર કાર્યવાહી થશે. આવાસને લઈને જે લોકો ઘણા સમયથી રજૂઆત કરી રહ્યા છે તેમને પણ બોલાવીને સાંભળ્યા છે અને હવે જે ખરેખર પાત્રતા ધરાવે છે તેમને ફ્લેટ ફાળવી દેવાશે. ગેરકાયદે ફાળવેલા હશે તો તેને રદ કરી દેવાશે’.