કોરોના સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે, સમગ્ર દેશમાં લોકોમાં ફફડાટ છે, સરકાર નિયંત્રણ અને પ્રતિબંધ લગાવી શક્ય તેટલા પ્રયાસ કરી રહી છે, પરંતુ તમામ સ્થળે તંત્ર પર જ આધાર નહીં રાખી શકાય, કટોકટીના આ સમયમાં આપણી પણ એટલી જ ફરજ છે, રાજકોટની ભાગોળે આવેલા આજી ડેમ વિસ્તારમાં દર રવિવારે રવિવારી બજાર ભરાઇ છે, આ બજારમાં લોકો ધક્કે ચડે છે, પગ મુકવાની પણ જગ્યા હોતી નથી, બે દિવસ પૂર્વે જ રાજ્ય સરકારે નવી ગાઇડલાઇન બહાર પાડી છે, જેમાં કોઇપણ ધંધાકીય સ્થળે ભીડ ન કરવા સૂચના આપવામાં આવી છે અને તંત્રને આવા સ્થળ પર વોચ રાખવા સૂચના આપવામાં આવી છે, પરંતુ તા.9ને રવિવારે આજી ડેમ પાસે ભરાયેલી બજારમાં જે દૃશ્ય હતા તે જોઇને એવું જ લાગે કે આ સ્થળે લોકમેળાનું આયોજન થયું છે, કોરોનાનો ખતરો ટળી ગયો છે, અને સબસલામત છે, લોકો ખરીદીમાં તલ્લીન બન્યા હતા, શું પોતાની જિંદગી અને પરિવારની સલામતીથી વિશેષ ખરીદીનું મહત્ત્વ છે?, શું આ બજારમાંથી આજે ખરીદી ન કરી હોત તો રોજિંદા જીવન પર તેની માઠી અસર થવાની હતી?, આ બજારમાં લોકોની ભીડ વચ્ચેથી ઘરે જવાથી પરિવારના સભ્યોને કોરોના સંક્રમિત થઇ શકશે તેવો સહેજ પણ વિચાર લોકોને નહીં આવ્યો હોય? આવા અનેક સવાલો ઉઠ્યા હતા.
પોલીસ કે મનપાના એકપણ કર્મીએ સ્થિતિ નથી જોઈ
પોલીસ અને મહાનગરપાલિકા તંત્ર પણ રવિવારી બજારથી વાકેફ છે, પરંતુ આ બંને તંત્રનો એકપણ કર્મચારી આ બજારની આજની સ્થિતિ જોવા ફરક્યો નહોતો, જો આ બધું આમ જ ચાલશે તો કોરોના સામેનો જંગ કેવી રીતે જીતી શકીશું, સ્વયંની જવાબદારી સમજવામાં મોડું તો થયું જ છે પરંતુ હજુ પણ નહીં જાગીએ તો ક્યારે જાગીશું?.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.