મનોવિજ્ઞાન ભવનની માતા-પિતાને ચેતવણી:તમે પણ બાળકો સામે ઝઘડો છો, તો ભવિષ્યમાં બાળક ડીપ્રેશનનો શિકાર બની શકે છે

રાજકોટ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

જ્યારે બાળકોને ઉછેરવાની વાત આવે છે, ત્યારે તેના વિશેની એક વાસ્તવિકતા એ છે કે દરેક પરિવારની પેરેન્ટિંગ શૈલીમાં ઘણી વિવિધતા હોય છે. માતાપિતાની પેરેન્ટિંગ સ્ટાઇલમાં ઘણી સમાનતાઓ છે સાથે અસમાનતા પણ છે. માતાપિતાના વર્તનની ઘણી અસરો બાળકના વિકાસ સાથે વ્યક્તિત્વ, આત્મગૌરવ, માનસિક સ્વાસ્થ્ય પર પડે છે. જો વધુ લાડ કરવામાં આવે તો પણ બાળક પાંગળું બની શકે છે અને જો બાળકની સામે માતા-પિતા સતત ઝઘડ્યા કરે તો બાળક ડીપ્રેશનનો શિકાર બની શકે છે. આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની જાડેજા ઉર્વીશાબાએ અધ્યાપક ડો. ધારા આર.દોશીના માર્ગદર્શનમાં 1170 લોકોના મંતવ્યો જાણ્યા જેમાં ચોંકવનારું તારણ સામે આવ્યું હતું.

લોકો પર થયેલા સર્વેના તારણો

  • 98.8%ના મતે માતા-પિતાના અતિશય લાડથી બાળક પરાવલંબી બની જાય છે
  • 75.6% મતે વધુ પડતા લાડથી બાળકોમાં આત્મ વિશ્વાસ ઓછો થાય છે.
  • 91.5%ના મતે માતા-પિતાના ઝઘડાથી બાળકની ક્ષમતા કુંઠિત થઇ જાય છે
  • 67.1%ના મતે બાળકની અતિશય સાર સંભાળ તેના પર ખરાબ અસર પડે છે
  • 81.7%ના મતે સતત લાડ કોડથી બાળકને ભવિષ્યમાં કામ કરવામાં તકલીફ પડે છે
  • 91.5%ના મતે સતત લાડ કોડ બાળકને પાંગળા બનાવી દે છે
  • 92.7%ના મતે માતા-પિતા ઝઘડામાં વ્યસ્ત રહે છે, જેથી બાળક આ સહન કરી શકતો નથી
  • 84.1%ના મતે વધુ પડતી સવલતો બાળકની સર્જનાત્મક શૈલીને અટકાવી દે છે
  • 78%ના મતે વધુ પડતા સુરક્ષિત વાતાવરણમાં બાળકની નિર્ણયશક્તિ નબળી બને છે

આ સાથે બાળકો પાસેથી પણ માહિતી મેળવવામાં આવી કે માતા-પિતાની કઈ બાબતની અસરો તેમના પર થાય છે. તેમાં 630 વિદ્યાર્થીઓ જેમાં 400 છોકરીઓ અને 230 છોકરાઓ પાસેથી માહિતી મેળવવામાં આવી જેમાં જોવા મળ્યું કે માતા પિતાના વર્તનની બાળકો પર ઘણી અસરો જોવા મળે છે.માતા-પિતાના ઓવર પેરેન્ટિંગ અથવા તો સતત ઝઘડાને કારણે 36% બાળકોને ભવિષ્યમાં ડીપ્રેશન અને ચીડિયાપણું થવાની શક્યતાઓ રહેલી છે.

બાળકો પર થયેલા સર્વેના તારણો

  • માતા પિતાના વ્યસનની અસર 45.54% બાળકોમાં જોવા મળી
  • અન્ય બાળકો સાથેની તુલના 81.20% બાળકોને પસંદ નથી
  • માતા-પિતાના ઝઘડાથી 72% બાળકોમાં ઉદ્ધતાઈ જોવા મળે છે
  • માતા-પિતા માનસિક નબળા હોય તો 50%થી વધુ બાળકો પર તેની અસર હોય છે

બાળકને સમજવા જરૂરી છે
દરેક નિર્ણય જ્યારે માતા પિતા લેતા હોય ત્યારે તેવા બાળકોની નિર્ણય શક્તિમાં ઘણી વખત અભાવ જોવા મળે છે. ટેકનોલોજીના યુગમાં અને લગભગ દંપતિઓ ને જ્યારે એક કે બે બાળક હોય છે ત્યારે અતિશય લાડ, પ્રેમ, કાળજી બાળકને ક્યાંક પાંગળા બનાવી દે છે. સમય ક્યારેય એક સરખો કે દરેક પરિસ્થિતિ ક્યારેય એક સરખી નથી રહેવાની ત્યારે માતા પિતાની ઉછેર કરવાની રીતની બાળક ના ભવિષ્ય પર ઘણી અસર કરી શકે છે.

માનસિક અને વર્તન વિકૃતિઓ
લડાઈ અને વાદ-વિવાદની અને ઓવર પેરેન્ટિંગની મન પર ઊંડી અસર પડે છે અને તે ધીમે ધીમે અંદરથી લાગણીઓનો નાશ કરે છે. તેની ઊંડી અસર બાળકોમાં વધુ જોવા મળે છે, કારણ કે તેમનામાં સમાયોજન કરવાની ક્ષમતા હોતી નથી. જે બાળકો લડાઈના વાતાવરણમાં મોટા થાય છે તેઓને વ્યવહારિક સમસ્યાઓ થવાની શક્યતા વધુ હોય છે. જે બાળકોને ઓવર પેરેન્ટિંગ પ્રાપ્ત થાય તેનામાં સમાયોજન વિકૃતિ થવાની શક્યતા વધુ હોય છે. વધુ ગંભીર કિસ્સાઓમાં, તેઓ અટેન્શન ડેફિસિટ હાયપરએક્ટિવિટી ડિસઓર્ડર (ADHD), ડિપ્રેશન, ઓબ્સેસિવ-કમ્પલ્સિવ ડિસઓર્ડર (OCD) જેવી માનસિક વિકૃતિઓનો શિકાર બની શકે છે. આ ઉપરાંત એવું પણ જોવામાં આવ્યું છે કે આવા વાતાવરણમાં મોટા થતા બાળકોમાં પાછળથી ડ્રગ્સની આદત પડવાની શક્યતા વધુ હોય છે.