તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરી વાવણી કરવી પડશે:સાત દી’માં વરસાદ ન પડે તો જિલ્લામાં 4.60 લાખ હેક્ટર વાવેતર પર ખતરો

રાજકોટ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મૂરઝાતી મોલાત જોઈ જીવ બાળતા ખેડૂતો
  • સૌરાષ્ટ્રમાં ખેડૂતોએ મગફળીનું સૌથી વધુ વાવેતર કર્યું, કપાસ બીજા નંબરે

સૌરાષ્ટ્રભરમાં વરસાદી વિરામથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. વાવણી બાદ ઉનાળા જેવો આકરો તડકો નીકળતા માંડ માંડ ઉગેલી મોલાત પણ મૂરઝાવા લાગી છે. રાજકોટ જિલ્લાના 4.60 લાખ હેક્ટર વાવેતર વિસ્તાર પર સંકટ તોળાઈ રહ્યું છે. જો અઠવાડિયામાં વરસાદ નહીં થાય તો ખેડૂતોએ વાવેલ મોટાભાગનો પાક નિષ્ફળ જવાતી ભીતિ છે.ખેડૂતો માટે એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ થઈ છે. એક તરફ બિયારણ ખાતર અને દવાના ભાવ સતત વધી રહ્યા છે.

તેની વચ્ચે હવે મેઘરાજાએ ધરતીપુત્રોને મુસીબતમાં મૂકી દીધા છે.વાવણી બાદ વરસાદ ન વરસતાં ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ છે. કેટલાક ખેડૂતોનું કપાસનું બિયારણ તો નિષ્ફળ ગયું છે, પરંતુ હવે જે વિસ્તારમાં બિયારણ ઊગી ગયું છે તેના પર પણ સંકટ છે. રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં 4.60 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. જેમાં આ વર્ષે સૌથી વધુ મગફળીનું વાવેતર થયું છે. જ્યારે બીજા નંબરે કપાસનું વાવેતર છે. ત્યારે વરસાદ વિના આ વાવેતર હવે નિષ્ફળ જવાની ભીતિ છે. સૌથી વધુ ખતરો હાલ કપાસના પાક પર છે.

બીજી વાવણી કરવા પૈસા ક્યાંથી લાવીશું?
પહેલા વરસાદે વાવણી કરીને હાલ પછતાવાનો વારો આ‌વ્યો છે. વાવણી બાદ એક પણ વરસાદ વરસ્યો નથી. ઉગેલો પાક હવે વરસાદ નહીં થાય તો ફેલ જશે. ખેડૂતો પહેલી વાવણી પણ માંડ કરી શક્યા છે. તેની વચ્ચે જો હવે બીજીવાર વાવણી કરવાની ફરજ પડશે તો ફરી બિયારણ-ખાતરના પૈસા ક્યાંથી લાવવા તે સૌથી મોટો સવાલ છે. > રસિકભાઈ તરસાણા, ખેડૂત

વીઘા દીઠ 3 હજારથી વધુનો ખર્ચ કર્યો
પાણીની સગવડતા હતી તેવા ખેડૂતોએ આગોતરી વાવણી કરી નાખી હતી, પરંતુ હાલ કૂવા કે બોરમાં પાણી ખૂટી પડતા આગોતરા વાવેતરમાં પાણીની અછત સર્જાઈ છે. જો વરસાદ ન વરસે તો કપાસ ફેલ જાય તેમ છે. બિયારણ, ખાતર, દવા અને મજૂરી ખર્ચ ગણીએ તો હાલ વીઘા દીઠ 3 હજારથી વધુનો ખર્ચ થઈ ચૂક્યો છે. મોટાભાગના ખેડૂતોની આ સ્થિતિ છે.> અશ્વિનભાઈ પટેલ, ખેડૂત

અન્ય સમાચારો પણ છે...