ભાસ્કર એક્સક્લુઝિવ:રાજકોટમાં એક ખાનગી શાળામાં અનોખી પરીક્ષા લેવાઈ, વિદ્યાર્થી અખબારનું મહત્ત્વ સમજે એટલે સમાચારોમાંથી 50 ગુણની પરીક્ષા લીધી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષકોએ કહ્યું, સ્પર્ધાત્મક પરીક્ષામાં કરન્ટ અફેર્સ સહિતના વિષયની તૈયારી માટે વર્તમાનપત્ર નિયમિત વાંચવા જરૂરી છે

રાજકોટની એક ખાનગી શાળામાં ગુરુવારે એક એનોખી પરીક્ષા લેવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓને છેલ્લા એક સપ્તાહના અખબાર વાંચીને આવવા જણાવાયું હતું અને તેમાંથી વૈકલ્પિક પ્રશ્નો આધારિત 50 માર્કની પરીક્ષા લેવામાં આવી હતી. શાળા સંચાલકો અને શિક્ષકોએ કહ્યું કે, વિદ્યાર્થીઓને જીવનમાં વર્તમાનપત્રોનું મહત્ત્વ સમજાવવા શાળા દ્વારા વર્તમાનપત્રોમાં આવતા છેલ્લા એક અઠવાડિયાના કરન્ટ અફેર્સમાંથી 50 ગુણની વૈકલ્પિક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના 145થી વધુ વિદ્યાર્થીએ ઉત્સાહભેર આ પરીક્ષામાં ભાગ લીધો હતો અને નિર્ધારિત સમય દરમિયાન પ્રશ્નોના જવાબ આપ્યા હતા.

વૈકલ્પિક પ્રકારના 50 પ્રશ્ન સાથેનું પ્રશ્નપત્ર તૈયાર કરાયું
વિદ્યાર્થીઓ વર્તમાનપત્રનું જીવનમાં મહત્ત્વ સમજે અને નિયમિત વર્તમાનપત્ર વાંચતા થાય તે માટે શહેરની ધોળકિયા સ્કૂલ દ્વારા ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓ માટે એક ટેસ્ટ લેવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓને 25 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી જુદા જુદા વર્તમાનપત્રો વાંચીને આવવા જણાવાયું હતું. અઠવાડિયાના વર્તમાનપત્રોમાંથી શિક્ષકોએ વૈકલ્પિક પ્રકારના 50 પ્રશ્ન સાથેનું પ્રશ્નપત્ર તૈયાર કર્યું હતું.

50 પ્રશ્નના જવાબ આપવા માટે 1 કલાકનો સમય
જુદી જુદી ઘટનાઓ આધારિત 50 પ્રશ્નના જવાબ આપવા માટે 1 કલાકનો સમય નિશ્ચિત કરાયો હતો. વિદ્યાર્થીઓએ રસપૂર્વક પરીક્ષા અપાઈ હતી. શાળાના શિક્ષકોએ વર્તમાનપત્રનું મહત્ત્વ સમજાવતા કહ્યું હતું કે, વિદ્યાર્થીઓને ભવિષ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવામાં કરન્ટ અફેર્સ સહિતના વિષયોની માહિતીઓ વર્તમાનપત્ર થકી મળી શકે છે જેથી વિદ્યાર્થીઓએ નિયમિત રીતે વર્તમાનપત્રોનું વાંચન કરવું જોઈએ.

હવે તંત્રી લેખમાંથી પ્રશ્નો કાઢી પરીક્ષા લેવાશે
શાળાના શિક્ષકોએ કહ્યું હતું કે, ગુરુવારે એક અઠવાડિયાના વર્તમાનપત્રોમાંથી પ્રશ્નો કાઢીને લેવાયેલી પરીક્ષા સફળ રહી હતી, વિદ્યાર્થીઓ સારી તૈયારી કરીને આવ્યા હતા. હવે આગામી દિવસોમાં વિદ્યાર્થીઓને ‘તંત્રી લેખ વર્તમાનપત્રનું હૃદય છે’ તેવું સમજાવાશે અને જુદા જુદા વર્તમાનપત્રોના તંત્રી લેખમાંથી પ્રશ્નો તૈયાર કરીને ધો.11 કોમર્સના 1400થી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે.

બિઝનેસ, GDP, અર્થતંત્રના સમાચારો સમજાવાશે
વર્તમાનપત્રોમાં હાલ બિઝનેસના સમાચારો, GDP, અર્થતંત્ર સહિતના જુદા જુદા વિષયોના સમાચાર પ્રકાશિત થઇ રહ્યાં છે જે ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓ અત્યારથી સમજે તો ભવિષ્યમાં ફાયદો થઇ શકે તેમ હોવાથી શાળામાં નિયમિત રીતે વર્તમાનપત્રોમાં આવતા અને કોમર્સના વિદ્યાર્થીઓને ઉપયોગી સમાચારોને શિક્ષકો વિશેષ રીતે સમજાવે છે.

અન્ય સમાચારો પણ છે...