તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • If The Student Is Absent In The Periodical unit Test Or Has Got Zero Mark, The Board Of Education Will Also Give Him Full 33 Marks In Std.

વિદ્યાર્થીઓને રાહત:જે વિદ્યાર્થી સામયિક-એકમ કસોટીમાં ગેરહાજર રહ્યા હશે કે ઝીરો માર્ક મળ્યા હશે, તો તેને પણ શિક્ષણબોર્ડ ધોરણ 10માં પૂરા 33 કૃપાગુણ આપશે

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • ધોરણ 10ની માર્કશીટ અંગે વાલી અને વિદ્યાર્થીઓને મૂંઝવતા દરેક સવાલોના ‘દિવ્ય ભાસ્કરે’ એક્સપર્ટ પાસેથી જવાબ મેળવ્યા
  • વિદ્યાર્થીઓના લિવિંગ સર્ટિફિકેટમાં માસ પ્રમોશન નહીં લખાય, ધો.10ની માર્કશીટ કે સર્ટિફિકેટમાં લખાય શકે છે
  • શાળાઓ માનીતા વિદ્યાર્થીઓને વધુ માર્ક ન આપે તે માટે શિક્ષણબોર્ડ નજર રાખશે, જરૂર પડ્યે પુરાવા માગશે

ધોરણ 10ની બોર્ડની પરીક્ષા લેવાઈ નથી પરંતુ શિક્ષણબોર્ડે જે પદ્ધતિ પ્રમાણે માર્ક મૂકવાની જાહેરાત કરી છે તેમાં પણ ઘણા વાલીઓને કેટલાક પ્રશ્નો મૂંઝવી રહ્યા છે. ‘દિવ્ય ભાસ્કરે’ વાલીઓ પાસેથી એવા તમામ પ્રશ્નો લઇને તેના જવાબો શિક્ષણબોર્ડની પરિણામ બનાવનારી કમિટીમાં સ્થાન પામેલા સભ્ય જતિન ભરાડ અને રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી પાસેથી મેળવ્યા છે અને વાલીઓના દરેક પ્રશ્નોનું સમાધાન કર્યું છે.

જેમાં સામયિક કસોટી કે એકમ કસોટીમાં બાળક ગેરહાજર રહ્યું હોય તો? અથવા તે પરીક્ષામાં બાળકને ઝીરો માર્ક મળ્યા હોય તો? વિદ્યાર્થીને પાસ કેવી રીતે કરાશે? જેના જવાબમાં એક્સપર્ટે કહ્યું હતું કે, કોઈ પરીક્ષામાં બાળક ગેરહાજર રહ્યું હોય કે ઝીરો માર્ક મળ્યા હોય તેમ છતાં શિક્ષણબોર્ડ 33 માર્ક સુધી કૃપાગુણ આપી તે વિદ્યાર્થીને પાસ કરશે.

એક્સપર્ટ ટીમ; જતિન ભરાડ,ધો.10નું પરિણામ બનાવનારી કમિટીના સભ્ય, બી.એસ.કૈલા, જિલ્લા શિક્ષણાધિકારી, રાજકોટ (ડાબેથી)
એક્સપર્ટ ટીમ; જતિન ભરાડ,ધો.10નું પરિણામ બનાવનારી કમિટીના સભ્ય, બી.એસ.કૈલા, જિલ્લા શિક્ષણાધિકારી, રાજકોટ (ડાબેથી)

​​​​સામયિક કે એકમ કસોટીમાં વિદ્યાર્થી ગેરહાજર રહ્યો હોય તો?
જે પરીક્ષામાં વિદ્યાર્થી ગેરહાજર હોય તે પરીક્ષામાં તેના માર્ક ઝીરો ગણી સ્કૂલે મોકલવાના. ત્યારબાદ બોર્ડ ખૂટતા માર્ક કૃપાગુણ તરીકે મૂકી પાસ કરે. દા.ત તમામ પરીક્ષામાં ઝીરો માર્ક આવ્યા હોય તો 80માંથી 0+26 ગુણ અપાય.

શાળા કક્ષાની પરીક્ષામાં નાપાસ થયા હોય તે વિદ્યાર્થીને કેવી રીતે માર્ક અપાશે?
શાળા કક્ષાએ લેવાયેલી કસોટીમાંથી વિદ્યાર્થીને જેટલા માર્ક મળ્યા હશે તેમાં ખૂટતા માર્ક ઉમેરી પાસ કરાશે. જેમકે 80માંથી મિનિમમ 26 મેળવવાના હોય અને 10 મળ્યા હોય તો બાકીના 16 માર્ક કૃપાગુણ આપી પાસ કરાશે.

સ્કૂલ ઇન્ટર્નલ માર્કમાં ઝીરો આપી શકે? મિનિમમ કેટલા માર્ક આપી શકે?
ઇન્ટર્નલમાં ઝીરો માર્ક આપવાની કોઈ જોગવાઈ નથી, બાળકના વર્તન, હાજરી સહિતની જુદી જુદી બાબતોમાં ઓછામાં ઓછા 5 માર્ક તો આપી જ શકે.

પરીક્ષાના 80 અને ઇન્ટર્નલ 20માંથી પાસ થવા કેટલા માર્ક મેળવવા પડે?
સામયિક અને એકમ કસોટીના 80 માર્કમાંથી વિદ્યાર્થીએ ઓછામાં ઓછા 26 ગુણ અને ઇન્ટર્નલમાં ઓછામાં ઓછા 7 ગુણ લેવા પડે જેથી 33 માર્કે પાસ થઇ શકે.

શિક્ષણબોર્ડ વધુમાં વધુ કેટલા કૃપાગુણ આપી શકે?
શિક્ષણબોર્ડ વિદ્યાર્થીને મળેલા માર્કમાં ખૂટતા માર્ક કૃપાગુણ તરીકે આપી શકે. ધારો કે કોઈ વિદ્યાર્થીને કસોટી અને ઇન્ટર્નલ બંનેમાં ઝીરો ગુણ હોય તો પૂરા 33 કૃપા તરીકે આપી પાસ કરી શકે છે.

સ્કૂલના LCમાં માસ પ્રમોશન લખેલું હશે?
લિવિંગ સર્ટિફિકેટમાં ક્યારેય માસ પ્રમોશન લખેલું નહીં હોય. ધો.10ની માર્કશીટમાં કે બોર્ડના સર્ટિફિકેટમાં માસ પ્રમોશન લખાય શકે છે, જેનો આખરી નિર્ણય બોર્ડ લેશે.

ધો.10માં 35% હોય અને ડિપ્લોમામાં 45% ફરજિયાત માગે તો?
ધો.10 પછીના અભ્યાસક્રમ માટે દરેક શૈક્ષણિક સંસ્થાનું પોતાનું મેરિટ હોય છે પરંતુ ધો.10 પછી પોલિટેક્નિક કે ડિપ્લોમામાં પણ ઓછા ટકા મેળવનાર વિદ્યાર્થી પ્રવેશ લઇ શકે તે માટે જે-તે સંસ્થા જ ટકાવારીના નિયમોમાં ફેરફાર કરી શકે છે.

માર્ક મૂકવાની સત્તા સ્કૂલને છે, માનીતા વિદ્યાર્થીઓના વધુ માર્ક મૂકે તો?
દરેક શાળાએ લીધેલી પરીક્ષામાં વિદ્યાર્થીએ મેળવેલા જ ગુણ ઓનલાઈન અપલોડ કરવાના છે. છતાં શિક્ષણબોર્ડ સ્કૂલના માર્ક પર નજર રાખી રહ્યું છે, શંકાસ્પદ કે વધુ માર્ક જણાશે તો અધિકારી સ્કૂલમાં જઈને ચેક કરશે, પુરાવા માગશે.

શાળાઓને માર્ક અપલોડ કરવાનો કાલે છેલ્લો દિવસ
શાળાઓએ વિદ્યાર્થીઓનાં માર્ક તૈયાર કરીને શિક્ષણબોર્ડની વેબસાઈટ પર ઓનલાઇન અપલોડ કરવાનો કાલે એટલે કે 17મી જૂને છેલ્લો દિવસ છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓનું 2 ભાગમાં મૂલ્યાંકન થશે જેમાં ધોરણ-9ની સામયિક કસોટી અને ધોરણ-10ની એકમ કસોટીના આધારે 80 માર્કનું મૂલ્યાંકન અને શાળાના મૂલ્યાંકનના 20 માર્કમાંથી પરિણામ અપાશે. જૂન અંત સુધીમાં પરિણામ આવવાની સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...