સૂચના:ધોરણ 9થી 12માં વિદ્યાર્થીઓની સંખ્યા પૂરતી નહીં હોય તો વર્ગ ઓછા કરી દેવાશે

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યની શાળાઓમાં વર્ગ ઘટે તો અનેક શિક્ષકો નોકરી ગુમાવશે, શાળાઓને દરખાસ્ત કરવા DEOની સૂચના

ઉચ્ચતર માધ્યમિકની શાળાઓમાં ચાલુ વર્ષે જો વિદ્યાર્થીઓની સંખ્યા પૂરતી થઇ નહીં હોય તો શાળાઓમાં વર્ગ ઘટાડી દેવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે રાજકોટ સહિત રાજ્યભરની જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા શાળાઓને વર્ગ ઘટાડાની દરખાસ્ત કરવા માટે અરજી કરવા પણ સૂચના આપી દેવામાં આવી છે, પરંતુ બીજી બાજુ જેટલી શાળાઓમાં વર્ગ ઘટાડો કરવામાં આવશે તેટલા પ્રમાણમાં શિક્ષકો પણ નોકરી ગુમાવશે તેવી પણ ભીતિ સેવાઈ રહી છે. શિક્ષણ વિભાગ વર્ગ ઘટાડશે જેની સામે સરકારને ગ્રાન્ટ અને શિક્ષકોના પગારનો ખર્ચ ઓછો થશે તેવી પણ વાત સામે આવી છે.

અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના તાબા હેઠળની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ 9થી 12માં ચાલુ વર્ષે જે શાળાઓમાં વિદ્યાર્થી સંખ્યા નિયમાનુસાર જળવાતી ન હોય તેવી શાળાઓનો વર્ગ ઘટાડો કરવાની દરખાસ્ત કચેરી ખાતે પાંચ દિવસમાં કરવાની રહેશે.અગાઉ વર્ગ ઘટાડાની દરખાસ્તને લઈને રાજ્ય શાળા સંચાલક મંડળે શિક્ષણમંત્રીને પત્ર લખ્યો હતો. જેમાં વર્ગ ઘટાડાનું હિયરિંગ અટકાવવા માટે રજૂઆત કરી હતી. હિયરિંગ અટકાવવામાં નહીં આવે તો રાજ્યની શાળાઓના 1 હજાર જેટલા શિક્ષકો નોકરી વગરના થશે તેવી ભીતિ પણ વ્યક્ત કરાઈ હતી.

દર વર્ષે જૂન-જુલાઈમાં એડમિશન બાદ વર્ગ ઘટાડાની પ્રક્રિયા કરાય છે
દર વર્ષે શાળાઓમાં જૂન-જુલાઈમાં બાળકોના પ્રવેશ થઇ ગયા બાદ વર્ગમાં કુલ કેટલી સંખ્યા થાય છે તેને ધ્યાનમાં રાખીને વર્ગ ઘટાડાની પ્રક્રિયા કરવામાં આવે છે. સમગ્ર રાજ્યમાં 31 ઓગસ્ટ બાદ આ પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વર્ગની સંખ્યા પણ નક્કી કરેલી છે તેનાથી ઓછી સંખ્યા થાય તો વર્ગ ઘટાડો કરવો પડે જેથી ગ્રાન્ટ અને શિક્ષકના પગારમાં પણ ફરક પડે. - બી.એસ.કૈલા, જિલ્લા શિક્ષણાધિકારી, રાજકોટ

અન્ય સમાચારો પણ છે...