શહેરમાં દુષ્કર્મની વધુ એક ઘટના પ્રકાશમાં આવી હતી, જોકે આ મામલામાં મહિલાએ નરાધમના કૃત્યથી કંટાળી જાગૃતતા દાખવી આરોપી ઘરમાં ઘૂસ્યો ત્યારે પતિને ફોન કરીને બોલાવી લેતા નરાધમ નાસી ગયો હતો, પરિણીતાને ધમકી આપી ત્રણ વખત આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવની મળતી માહિતી અનુસાર રાજકોટ શહેરના મુંજકા વિસ્તારમાં રહેતી 22 વર્ષની પરિણીતાએ દુષ્કર્મ અંગે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં એ જ વિસ્તારમાં રહેતા દીપક રાજપૂતનું નામ આપ્યું હતું.
ધમકીઓ આપી શારિરીક સંબંધ બાંધવા દબાણ કર્યુ
પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે પોતાના પતિ અને અઢી વર્ષની પુત્રી સાથે રહે છે, દીપક રાજપૂત સાથે ચારેક મહિનાથી પરિચય થયો હતો અને બંને વચ્ચે મિત્રતા કેળવાતા ફોન પર અવારનવાર વાતચીત થતી હતી, દીપક શારિરીક સંબંધ બાંધવા દબાણ કરતો હતો અને ધમકી આપતો હતો કે આપણા સંબંધોના પુરાવા તારા પતિને બતાવી દઇશ, તું સંબંધ નહી રાખે તો તારી અઢી વર્ષની પુત્રીને જાનથી મારી નાખીશ.
અવારનવાર પરિણીતા પર દુષ્કર્મ આચર્યુ
પરિણીતાનો પતિ સવારે કામ પર જતો ત્યારે પાછળથી દીપક પરિણીતાના ઘરમાં ઘૂસી જતો અને ધમકી આપી પરિણીતા પર દુષ્કર્મ આચરતો હતો, પતિને કહી દેવાની અનેપુત્રીને મારી નાખવાની ધમકીને કારણે પરિણીતા કંઇ બોલી શકતી નહોતી અને ત્રણ વખત દીપકે દુષ્કર્મ આચર્યું હતું, પરંતુ દીપકના ત્રાસથી કંટાળેલી પરિણીતાએ ભાંડો ફોડી નાખવાનું નક્કી કર્યું હતું.
પોલીસ મથકે ફરિયાદ નોંધાવી
તારીખ 15ને શુક્રવારે સવારે પરિણીતાનો પતિ કામ પર ગયો તે સાથે જ દીપક ઘરમાં ઘુસ્યો હતો, દિપક ફરીથી દુષ્કર્મ આચરે તે પહેલા જ પરિણીતાએ ફોન કરીને પતિને બોલાવી લીધો હતો, પરિણીતાના પતિને જોતા જ દીપક રાજપૂત નાસી ગયો હતો, પરિણીતાએ તેના પતિને સમગ્ર આપવિતી કહેતા બંને પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા.
આરોપીની શોધખોળ શરૂ કરાઈ
પરિણીતાની ફરિયાદ પરથી પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી હતી. શુક્રવારે વહેલી સવારે આરોપી જ્યારે બદ ઇરાદે મહિલાના ઘરમાં ઘૂસ્યો પરંતુ આ વખતે મહિલા તેને તાબે થઇ ન હતી અને ચતુરાઇથી દિપકથી દૂર થઇ તેના પતિને ફોન કરી દઇ આરોપીના કરતૂતોનો પર્દાફાશ કર્યો હતો. વહેલી સવારે બનેલી આ ઘટનાથી લોકો એકઠા થઇ ગયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.