બેદરકાર તંત્ર:રાજકોટમાં છેતરપિંડીનો ભોગ બનનાર મહિલાને સાયબર ક્રાઇમના સ્ટાફે ચોકીએ મોકલ્યા તો પોલીસે કહ્યું, ‘કોને પકડવા, અમારી પાસે કોઇ સંસાધનો નથી’

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • રાજકોટના મોટાભાગના પોલીસમથકમાં ફરિયાદ લેવાતી જ નથી તેના વધુ બે કિસ્સા બહાર આવ્યા, કોર્ટના આદેશથી બે FIR નોંધવી પડી
  • ક્રાઇમરેટ નીચો બતાવવા ફરિયાદ નહીં નોંધવાની વિચિત્ર નીતિ સામે સરકાર કોઇ નક્કર પગલાં લેશે કે નહીં ? તે સવાલ ચર્ચાનો મુદ્દો બન્યો છે

રાજકોટમાં ગુનાખોરીનો આંક નીચો બતાવવા ગુનેગારોને કાબૂમાં લેવાને બદલે પોલીસે ફરિયાદ નોંધવાનું જ અટકાવી દીધું છે. માધાપરની મહિલા સાથે રૂ.29984ની વર્ષ પહેલા છેતરપિંડી થઇ હતી, મહિલા સાયબર ક્રાઇમ અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશને દોડાદોડી કરતા હતા પરંતુ ફરિયાદ નોંધી નહોતી અંતે કોર્ટના આદેશથી પોલીસે ગુનો નોંધવો પડ્યો હતો.

ગાંધીગ્રામ પોલીસે કોર્ટના આદેશ બાદ માધાપરમાં રહેતા અને છેતરપિંડીનો ભોગ બનેલા સમીનબેન અલીઅસગર ભારમલની ફરિયાદ નોંધી હતી. જેમાં કહ્યું હતું કે, 25 સપ્ટેમ્બર 2020ના તેમના પર ફોન આવ્યો અને બેંકમાંથી ફોન કરતા હોવાનું કહી ઓટીપી મેળવી રૂ.29984 ટ્રાન્સફર કરી લીધા હતા, છેતરપિંડી થયાની જાણ થતાં મહિલા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને દોડી ગયા હતા તો ત્યાંથી જવાબ મળ્યો હતો કે, રૂ.50 હજારથી ઓછી રકમની છેતરપિંડી થઇ હોવાથી તમારા વિસ્તારની પોલીસ ચોકીનો સ્ટાફ ગુનો નોંધશે.

બીજા દિવસે બજરંગવાડી પોલીસ ચોકીએ મહિલાને બોલાવી ત્યારે ફરજ પર રહેલા અધિકારીએ મહિલાને કહ્યું હતું કે, તમારી ફરિયાદમાં કોને પકડવા, કેવી રીતે તપાસ કરવી એવા કોઇ સંસાધનો અમારી પાસે નથી જે ફક્ત સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટ પાસે જ હોય છે, તેવો જવાબ આપી મહિલાને રવાના કરી દીધા હતા. ત્યારબાદ સમીનબેને અનેક વખત પોલીસ કમિશનર અને ડીજીપી સુધી રજૂઆત કરી હતી પરંતુ ફરિયાદ નોંધી નહોતી.

તા.12 ઓક્ટોબર 2020ના મહિલાને બજરંગવાડી ચોકીએ બોલાવવામાં આવ્યા હતા અને ત્યાં તેમની કાયદાકીય અજ્ઞાનતાનો લાભ ઉઠાવી પોલીસે એવું લખાવી લીધું હતું કે, આરોપીઓ મળશે ત્યારે એફઆઇઆર કરાવીશું હાલમાં આ અરજી ફાઇલ થઇ જાય તો વાંધો નથી આવું લખાણ મહિલા પાસે કરાવી લઇ પોલીસે અરજી ફાઇલ કરાવી નાખી હતી, અંતે મહિલાએ કોર્ટનું શરણું લીધું હતું અને કોર્ટના આદેશ બાદ ગાંધીગ્રામ પોલીસે ફરિયાદ નોંધી હતી. રાજકોટ શહેર પોલીસ ક્રાઇમરેટ નીચો બતાવવા માટે ગુના નહીં નોંધતી હોવાની વાત વધુ એક વખત સાબિત થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...