રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત શહેરી આરોગ્ય કેન્દ્રનો સમય અચાનક બદલાવી કાઢ્યો છે આ માટે અધિકારીઓ કે પદાધિકારીઓને જાણ પણ કરાઈ નથી જે મામલો બહાર આવતા આરોગ્ય અધિકારી ડો.જયેશ વંકાણીએ સરકારી આદેશને પગલે કાર્યવાહી કર્યાનું જણાવ્યું હતું જોકે તે સરકારી આદેશમાં પણ સમય અલગ છે!
ઓપીડીનો સમય સવારે 9થી 1 અને સાંજે 4થી 6 કરાયો છે અને તે માટે જે આદેશ કરાયો છે તેમાં આરોગ્ય કમિશનરના તા.5-10-2019ના પરિપત્રનો સંદર્ભ ટાંક્યો છે. આ પરિપત્રની તપાસ કરાતા તેમાં ઓપીડીનો સમય રાજ્યના તમામ આરોગ્ય કેન્દ્રોમાં સવારે 8થી 12 અને સાંજે 4થી 6 રાખવાનો તેમજ શિયાળામાં આ સમય 8.30થી 12.30 કરવા કહ્યું છે. તેથી જે પરિપત્રના આધારે આદેશ કરાયો તેમાં પણ સમય અલગ અલગ છે જે મામલે ડો. વંકાણીએ કહ્યું હતું કે શહેરી આરોગ્ય કેન્દ્ર છે એટલે એક કલાક મોડો સમય હોય છે જોકે તે અંગેનો પરિપત્ર જણાવ્યો ન હતો.
રાજકોટના મેયર ડો.પ્રદીપ ડવ, આરોગ્ય સમિતિના ચેરમેન ડો. રાજેશ્વરી ડોડિયા, મ્યુનિ. કમિશનર સહિતનના અધિકારી-પદાધિકારીઓને આ આદેશની નકલ સુધ્ધા મળી ન હતી અને તમામ સમય બદલવા મામલે અજાણ જોવા મળ્યા હતા તેથી શહેરીજનો માટે મહત્ત્વનો નિર્ણય લેતા પહેલા શા માટે પદાધિકારીઓને પૂછાયું નથી તે માટે પણ ખુલાસો માગવામાં આવી રહ્યો છે.
રાજકોટમાં આ પહેલા જ્યારે સવારે 9થી 1 અને સાંજે 4થી 6નો સમય હતો ત્યારે બપોરે 1થી 4 સુધી આરોગ્ય કેન્દ્રમાં તાળાં લટકતા હતા અને તેની ઘણી ફરિયાદો પણ મળી હતી. આરોગ્ય કર્મચારીઓને પણ આ સમય ફાવતો ન હતો તેથી સમય સવારે 9થી સાંજના 5 સળંગ કરાયો હતો. હવે ફરી આરોગ્ય કેન્દ્ર બંધ કરાશે તે પ્રશ્નમાં આરોગ્ય અધિકારીએ કહ્યું છે કે બપોરે આરોગ્ય કેન્દ્ર બંધ નહિ રહે કોઇને તાત્કાલિક સારવારની જરૂર પડે તો આપવામાં આવશે અને જો કેન્દ્ર બંધ હશે તો જે તે મેડિકલ ઓફિસર સામે કાર્યવાહી કરાશે!
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.