કોરોના મૃતકોને સહાય:જો કોઝ ઓફ ડેથમાં મોતનું કારણ ‘કોવિડ’ નહિ હોય તો મદદ માટે લોકોને સાત કોઠા વીંધવા જેવી સ્થિતિ થશે

રાજકોટ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • જન્મમરણ વિભાગ પછી જિલ્લા કક્ષાએ અરજી ચકાસ્યા બાદ જ ‘કોવિડ-19થી મૃત્યુનો સત્તાવાર દસ્તાવેજ’ અપાશે

કોવિડથી મોતની સહાય મેળવવા માટે MCCD એટલે કે મેડિકલ સર્ટિફિકેટ ઓફ કોઝ ઓફ ડેથ આપવાનું હોય છે. આ સર્ટિફિકેટ મોત બાદ જે તે હોસ્પિટલ કે તબીબ જન્મમરણ શાખામાં મોતના પ્રમાણપત્ર માટે મોકલે છે જેના આધારે મૃત્યુનો સમય અને તારીખ લખીને ડેથ સર્ટિફિકેટ નીકળે છે.

આ સર્ટિફિકેટ અત્યાર સુધી જન્મમરણ શાખાએ જાહેર કરવાનું ન હોય તેવી જોગવાઈ છે પણ સરકારના નવા નિયમથી હવે આ સર્ટિફિકેટ અપાશે. જન્મમરણ શાખા માત્ર આ સર્ટિફિકેટની નકલ આપી પોતાની ફરજ પૂરી કરશે. હવે જો આ સર્ટિફિકેટમાં મોતનું કારણ કોરોના ન હોય તો સહાય મળવા પાત્ર નથી મોત કોરોનાથી જ થયું છે તેવું સાબિત કરવા માટે હવે જે તે અરજદારે કોવિડ-19થી મૃત્યુનો સત્તાવાર દસ્તાવેજ મેળવવો પડશે જે સાત કોઠા વીંધવા જેટલું અઘરું રહેશે. કારણ કે, હોસ્પિટલે આપેલા સર્ટિફિકેટથી અસંતોષ હોય એટલે જિલ્લા કક્ષાએ જઈ કલેક્ટરને નિયત અરજી ફોર્મ ભરીને અરજી કરવાની રહેશે.

આ અરજી પહેલા જિલ્લા કક્ષાની સમિતિ જે તે જન્મમરણ શાખામાં મોકલી વેરિફિકેશન કરશે ત્યારબાદ સમિતિમાં સમાવિષ્ટ સરકારી તબીબોની પેનલ કે જે મોટાભાગે ડેથ ઓડિટ કમિટીમાં અગાઉ કામ કરી ચૂક્યા છે તેવા તબીબો હશે. આ તબીબો મૃતકના સારવારને લગતા દસ્તાવેજો ચકાસશે અને પછી નિર્ણય કરશે કે કોરોનાથી મોત છે કે નહીં. અહીં જ સૌથી મોટો વિવાદ છે કારણ કે, જો કોઇનું મોત સિવિલમાં થયું હોય તો તે માટે પહેલાથી જ ડેથ ઓડિટ કમિટીએ પોતાનો રિપોર્ટ આપી દીધો છે અને ફરીવાર તે જ રિપોર્ટને ચેલેન્જ કરાશે તો તે જ તબીબો પોતાના પહેલા લીધેલા નિર્ણયથી ફરશે કે નહિ તે કહી ન શકાય.

માત્ર એ જ નહિ ખાનગી હોસ્પિટલમાં મોત હશે અને ખાનગી તબીબે કારણમાં કોરોના નહિ લખ્યું હોય તો તેના અભ્યાસ માટે ખાનગી હોસ્પિટલની ફાઈલ તેમજ જે તે તબીબોને પણ તેડું આવી શકે છે જેના માટે હવે કોઇ ખાનગી તબીબ તૈયાર થાય તે શક્યતા ઓછી છે. આ બધી પ્રક્રિયા 30 દિવસમાં પૂરી કરવા માટે સૂચના છે.

પોઝિટિવ થયાના 30 દી’માં આપઘાત કરનારને પણ મળશે સહાય
કેન્દ્ર સરકારે કોવિડ ડેથ સહાય માટે જે ગાઈડલાઈન જાહેર કરી છે તેમાં એવો પણ ઉલ્લેખ છે કે, જો કોઇ વ્યક્તિ કે જેને કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેના 30 જ દિવસની અંદર આપઘાત કરી લીધો છે તો તેના પરિવારને 50,000 રૂપિયાની આર્થિક સહાય જે રીતે કોવિડ ડેથમાં અપાય છે તે જ રીતે અપાશે.