રાજકોટ વિધાનસભાની ચારેય બેઠક માટે 1 ડિસેમ્બરે મતદાન થવાનું છે ત્યારે કોણ જીતશે? અને કોણ હારશે? તે 8મી ડિસેમ્બરે બપોર સુધીમાં સ્પષ્ટ થઈ જશે. છેલ્લી ત્રણ ચૂંટણીમાં કેટલા ટકા મતદાન થયું અને ક્યા પક્ષનો ક્યો ઉમેદવાર કેટલી લીડથી જીત્યા તેના પરથી આ ચૂંટણીમાં કેટલું મતદાન થશે તો ક્યા પક્ષને ફાયદો અને કોને નુકસાન તે સ્પષ્ટ થશે. આ વખતે ચારેય બેઠક પર સરેરાશ 69 ટકાથી વધુ અને 48.23 ટકાથી નીચું મતદાન થાય તો પરિણામ વિપરિત આવી શકે તેમ છે.
વર્ષ 2007માં રાજકોટની ત્રણ બેઠક હતી જે પૈકી રાજકોટ-1 હાલની વિધાનસભા 68 બેઠક પર 52.70 ટકા મતદાન થયું હતું ત્યારે ભાજપના ઉમેદવાર ગોવિંદભાઇ પટેલનો 38643 મતની લીડથી જીત થઇ હતી, રાજકોટ-2માં 52.56 ટકા મતદાન થયું હતું અને ભાજપના ઉમેદવાર વજુભાઇ વાળાનો 9856 મતથી વિજય થયો હતો, અને રાજકોટ ગ્રામ્યમાં 48.23 ટકા મતદાન થયું હતું ત્યારે ભાનુબેન બાબરિયાની 41398 મતની લીડ સાથે જીત થઇ હતી. વર્ષ 2012માં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર હતી. 2007માં રાજકોટની ચારેય બેઠકનું સરેરાશ મતદાન 51.16 ટકા થયું હતું.
વર્ષ 2012માં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલે જીપીપીની રચના કરી હતી અને તેની આ પાર્ટીએ રાજ્યભરમાં ઉમેદવારી કરી હતી, વિધાનસભા-68માં 68.99 ટકા મતદાન થયું હતું, અને કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુની ભાજપના ઉમેદવાર કશ્યપ શુક્લને પરાસ્ત કરી 4272 મતની લીડથી જીત થઇ હતી, વિધાનસભા-69માં 63.58 ટકા મતદાન થયું હતું, જેમાં વજુભાઇ વાળા 24978ની લીડ સાથે જીત્યા હતા, વિધાનસભા-70માં 64.61 ટકા મતદાન થયું હતું અને ભાજપના ગોવિંદ પટેલની 28477ની લીડ સાથે જીત થઇ હતી, જ્યારે રાજકોટ-71માં 66.71 ટકા મતદાન થયું હતું.
ભાજપના ભાનુબેન બાબરિયાની 11466 મતની લીડ સાથે જીત થઇ હતી, ચાર પૈકી કોંગ્રેસની વિધાનસભા 68 બેઠક પર જીત થઇ હતી અને આ જીતમાં મતદાનની વધેલી ટકાવારી તેમજ જીપીપીના ઉમેદવાર પ્રવીણ આંબલિયાએ 20003 મત મેળવ્યા હતા જેણે ભાજપની બાજી બગાડી નાખી હતી, 2012માં રાજકોટની ચારેય બેઠકનું સરેરાશ મતદાન 65.97 ટકા થયું હતું.
વર્ષ 2017માં ભાજપે રાજકોટની ચારેય બેઠક પર જીત મેળવી હતી પરંતુ રાજકોટ ગ્રામ્યમાં પાતળી સરસાઇ મળી હતી, વિધાનસભા-68માં 67.26 ટકા મતદાન થયું હતું અને ભાજપના ઉમેદવાર અરવિંદ રૈયાણીની 22722 મતની લીડ સાથે જીત થઇ હતી, વિધાનસભા 69માં 68.48 ટકા મતદાન થયું હતું અને તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીની 53755 મતની જંગી સરસાઇથી જીત થઇ હતી.
વિધાનસભા-70માં 64.58 ટકા મતદાન થયું હતું, અને ભાજપના ગોવિંદ પટેલનો 47121 મતની લડીથી વિજય થયો હતો, જ્યારે વિધાનસભા-71માં 64.38 ટકા મતદાન થયું હતું, આ બેઠક પર કોંગ્રેસે ભારે ટક્કર આપી હતી, ભાજપના ઉમેદવાર લાખા સાગઠિયાની માત્ર 2179 મતની લીડથી જીત થઇ હતી.
2012માં પૂર્વ બેઠક પર 68.99% મતદાન થયું અને કોંગ્રેસ જીતી
2007થી 2012ની ત્રણ વિધાનસભાની ચૂંટણી યોજાઇ જેમાં રાજકોટની તમામ બેઠક પર ભાજપનો વિજય થયો હતો, પરંતુ 2012માં વિધાનસભા 68માં 68.99 ટકા મતદાન થયું અને ત્રિપાંખિયો જંગ ખેલાયો હોય આ બેઠક પર કોંગ્રેસની જીત થઇ હતી, રાજકોટના રાજકારણને પારખતા રાજકીય પંડિતોએ જણાવ્યું હતું કે, રાજકોટના ઇતિહાસમાં જ્યારે જ્યારે 69 ટકા કે તેથી વધુ અથવા તો 48.23 ટકાથી નીચું મતદાન થયું છે ત્યારે ત્યારે અપેક્ષા કરતા વિપરીત પરિણામો જોવા મળ્યા છે.
આ વખતની ચૂંટણીમાં પણ ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાવાનો છે ત્યારે ત્રણેય રાજકીય પક્ષ મતદાનનો આંક નક્કી કરીને બેઠી છે, કેટલું મતદાન તેના હિતમાં છે તે આંકડા સેટ કરવા કાર્યકરોને કામે લગાડવામાં આવી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.