તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તૈયારી શરૂ:મંજૂરી મળે તો શહેરમાં, અન્યથા મંદિર પરિસરમાં અષાઢી બીજે યાત્રા નીકળશે

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહંતે પોલીસ કમિશનરને રથયાત્રાની મંજૂરી આપવા લેખિત રજૂઆત કરી

સમગ્ર સૌરાષ્ટ્રમાં અષાઢી બીજના ધાર્મિક પર્વની વર્ષોથી શ્રદ્ધાપૂર્વક ઉજવણી થતી રહી છે. આ વર્ષે પણ કોરોના મહામારીની સ્થિતિ થોડી સુધરતા રથયાત્રાની તૈયારીઓ મંદિર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. શહેરમાં જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા કૈલાસ આશ્રમથી દર વર્ષે રથયાત્રા શરૂ થતી હોય છે. આ વર્ષે પણ આશ્રમના મહંત દ્વારા રથયાત્રાની તૈયારીઓ અંતર્ગત ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રના રથની સાફસફાઈ અને શણગાર કરવામાં આવી રહ્યા છે.

ત્રણેય ભગવાનની પ્રતિમાઓને પણ આકર્ષક શૃંગાર કરવામાં આવી રહ્યા છે. આશ્રમના મહંત ત્યાગી મનમોહન દાસે જણાવ્યું છે કે, રથયાત્રા યોજવા અંગે અમે રાજકોટ પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરી મંજૂરી આપવા માગણી કરી છે. જો સરકાર મંજૂરી આપશે તો રથયાત્રા યોજાશે અન્યથા મંદિર પરિસરમાં જ અષાઢી બીજનું શુકન સાચવવા રથયાત્રા યોજાશે.રાજકોટમાં છેલ્લા 13 વર્ષથી નાનામવા નજીક આવેલા કૈલાસધામ ખોડિયાર માતા મંદિરના ઉપક્રમે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો પૂજન - અર્ચન બાદ પ્રારંભ થાય છે.

જય જગન્નાથ અને માખણચોર - જય રણછોડ નાદ સાથે આ શોભાયાત્રાનો નાનામવા આશ્રમેથી પ્રારંભ થાય છે. પ્રથમ ભગવાન બલભદ્રજીનો રથ, બીજા ક્રમે બહેન સુભદ્રાજીનો રથ અને ત્રીજા રથમાં ભગવાન જગન્નાથજી બિરાજમાન હોય છે. બાઈકસવારો, ગાડીઓ ઉપરાંત સાધુ સંતો, રાસ મંડળીઓ અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભાવિકો આ રથયાત્રામાં સામેલ થતા હોય છે, પરંતુ આ વર્ષે કોરોનાને કારણે મંજૂરી મળશે કે કેમ તે હજુ નક્કી નથી ત્યારે આશ્રમના મહંતે કહ્યું છે કે મંજૂરી મળશે તો પણ કોરોનાની ગાઈડલાઈન સાથે રથયાત્રા યોજાશે.

જગન્નાથ મંદિરે રથયાત્રાની તૈયારીઓ કરવામાં આવી રહી છે પરંતુ હાલ માત્ર મુખ્ય ત્રણ રથને શણગાર કરવામાં આવી રહ્યો છે. સરકારમાંથી રથયાત્રા નીકળવા માટે જો મંજૂરી અપાશે તો વધારાના આકર્ષક ફ્લોટ્સ પણ રથયાત્રા સાથે જોડવામાં આવનાર હોવાનું મહંતે જણાવ્યું છે. દર વર્ષે રથયાત્રા સાથે સામાજિક, દેશભક્તિ અને રચનાત્મક જાગૃતિ કેળવતા આકર્ષક ફ્લોટ્સ પણ જોડવામાં આવે છે.

રૂટ પણ તૈયાર થઇ રહ્યો છે
મહંતે કહ્યું કે, રથયાત્રાના રૂટ ઉપર હજુ વિચારણા ચાલી રહી છે, હજુ રૂટ ફાઈનલ કરાયો નથી કારણ કે મંજૂરી મળશે તો ગયા વર્ષની જેમ જૂના રૂટ ઉપર જ રથયાત્રા નીકળશે. જો મંજૂરી નહીં મળે તો માત્ર મંદિર પરિસરમાં જ માત્ર અષાઢી બીજનું શુકન સાચવવા રથયાત્રા નીકળશે.

અન્ય સમાચારો પણ છે...