રાજકોટની દીકરીને અફસોસ:મારા પપ્પાએ વેક્સિન લીધી હોત તો આજે તે બચી ગયા હોત, 15 દિવસ સુધી પપ્પા કોરોના સામે ઝઝૂમ્યા હતા, આજે મેં વેક્સિન લીધી

રાજકોટ5 મહિનો પહેલાલેખક: જીગ્નેશ કોટેચા

આજે રાજકોટમાં 15થી 18 વર્ષનાં તરુણ અને તરુણીઓનું વેક્સિનેશન થઈ રહ્યું છે, જેમાંથી ઘણાં એવાં પણ બાળકો છે, જેમણે કોરોનાની ઘાતક લહેરમાં પોતાનાં માતા-પિતા અને સ્વજનોને ગુમાવ્યાં હતાં. તેમાંય જેમાં માતા-પિતાએ રસીનો એક ડોઝ પણ નહોતો લીધો અને કોરોના સામેનો જંગ તેઓ હારી ગયાં હતાં. આવો જ એક કિસ્સો રાજકોટમાં બન્યો છે, જ્યાં રસીનો પ્રથમ ડોઝ લેનાર પૂજા સોલંકીએ જણાવ્યું હતું કે મારા પપ્પાએ વેક્સિન લીધી હોત તો આજે તેઓ બચી ગયા હોત. મારા પપ્પા 15 દિવસ સુધી કોરોના સામે ઝઝૂમ્યા હતા. આજે મેં વેક્સિન લીધી છે.

વેક્સિનથી વંચિત પિતાને ગુમાવ્યાનું પુત્રીનું દુઃખ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે મે મહિનામાં મારા ફાધરે વેક્સિન લીધી ન હતી, જેનો મને આજે પણ અફસોસ છે અને વેક્સિન વગર તેઓ કોરોના સામેનો જંગ હારી ગયા હતા. 15 દિવસ સુધી તેમણે હોસ્પિટલમાં કોરોના સામે લડત આપી હતી, પરંતુ વેક્સિનનો એકપણ ડોઝ લીધો નહોતો. કદાચ વેક્સિનનો એક ડોઝ પણ લેવાઈ ગયો હોત તો આજે તેઓ મારી સાથે હોત.

રસીનો પ્રથમ ડોઝ લેનાર પૂજા સોલંકી.
રસીનો પ્રથમ ડોઝ લેનાર પૂજા સોલંકી.

દરેક લોકોએ વેક્સિન જરૂર લેવી જોઈએ
વધુમાં તેણે જણાવ્યું હતું કે આજે મેં વેક્સિનનો પ્રથમ ડોઝ લઈ લીધો છે. વેક્સિન કોરોના સામે રક્ષણ આપે છે અને મોતથી બચાવે છે, એવું અનેક કિસ્સામાં સામે આવ્યું છે અને એ પણ એક વાસ્તવિકતા છે. તેથી મારી અપીલ છે કે દરેક લોકોએ વેક્સિન જરૂર લેવી જોઈએ.

અન્ય કિસ્સામાં વિદ્યાર્થીનાં માતાનું કોરોનામાં અવસાન થયું હતું.
અન્ય કિસ્સામાં વિદ્યાર્થીનાં માતાનું કોરોનામાં અવસાન થયું હતું.

વેક્સિનથી વંચિત માતાને ગુમાવ્યાનું પુત્રનું દુઃખ
અન્ય કિસ્સાની વાત કરીએ તો રાજકોટની વિરાણી હાઈસ્કૂલમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ઉત્સવ પરમારે જણાવ્યું હતું કે દરેક લોકોએ વેક્સિન અચૂક લેવી જોઈએ. વેક્સિન એ આપણને કોરોના સામે રક્ષણ આપે છે અને એ આપણા સૌ માટે સુરક્ષાકવચ છે. મારાં માતાએ કોરોનાની વેક્સિન લીધી ન હતી અને તેમને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

ઉત્સવ પરમારે વેક્સિન મુકાવી એ સમયની તસવીર.
ઉત્સવ પરમારે વેક્સિન મુકાવી એ સમયની તસવીર.

10 દિવસની સારવાર બાદ તેમનું અવસાન થયું
વધુમાં ઉત્સવે જણાવ્યું હતું કે તેઓ કોરોનાની બીજી ઘાતક લહેર દરમિયાન સંક્રમિત થયાં હતાં અને 7 એપ્રિલના રોજ સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં અને તેઓ કોરોના સામે જંગ હારી ગયાં હતાં. 10 દિવસની સારવાર બાદ 17 એપ્રિલના રોજ તેમનું અવસાન થયું હતું, માટે તમામને હું અપીલ કરું છું કે જે પણ લોકોને વેક્સિન લેવાની બાકી હોય તેઓ અચૂક લઇ લે તથા પોતે તેમજ પોતાના પરિવાર, દેશને સુરક્ષિત બનાવે.

ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન કરાવી શકાશે
રાજકોટમાં બાળકોને વેક્સિન આપવા સરકાર દ્વારા સરકારી, ખાનગી, અર્ધસરકારી શાળા તથા આઇટીઆઇમાં કેમ્પ કરવામાં આવ્યા છે, જેમાં ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન કરાવી વેક્સિન આપવાની વ્યવસ્થા પણ કરાઈ છે. વધુ ને વધુ બાળકોને વેક્સિન મળી રહે એ માટે તંત્ર દ્વારા તૈયારી પુરજોશમાં કરવામાં આવી છે.

વિદ્યાર્થીઓએ વેક્સિન લેવા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કર્યું છે.
વિદ્યાર્થીઓએ વેક્સિન લેવા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કર્યું છે.

15થી 18 વર્ષના તરુણોને કોવેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો
આજે સવારે જુદી-જુદી સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં 15થી 18 વર્ષના તરુણોને કોવેક્સુિનનો પ્રથમ ડોઝ અપાયો છે. કોરોના સામેની નવી લડાઈ મજબૂત કરવા માટેના આ રસીકરણથી તરુણો પણ સુરક્ષિત બનશે. આમ તો તરુણ વર્ગ કે બાળકોમાં હજુ કોરોનાની ગંભીર અસરો નથી છતાં સરકારે સૌને રસીથી સુરક્ષિત કરવાનું આયોજન કરતાં આજે પ્રથમ ડોઝ લેતાં તરુણ અને તરુણીઓ નજરે પડે છે. નોંધણી ટેબલ પર સ્કૂલના છાત્રોની લાઈન પણ જોવા મળે છે. પ્રથમ ડોઝ લીધા બાદ વેક્સિનેશન સર્ટિફિકેટ સાથે ઉત્સાહી તરુણો જોવા મળે છે. આ સાથે કોરોના સામે લડવાનો જુસ્સો પણ જોવા મળ્યો હતો.

વિદ્યાર્થીઓમાં વેક્સિનેશનને લઈ ઉત્સાહ જરૂર જોવા મળી રહ્યો છે.
વિદ્યાર્થીઓમાં વેક્સિનેશનને લઈ ઉત્સાહ જરૂર જોવા મળી રહ્યો છે.

રસીકરણ પછી આ બધાં લક્ષણો સામાન્ય છે
નિષ્ણાતોના મત મુજબ રસી લીધા પછી બાળકોને તાવ, રસી લાગેલી છે એ હાથમાં દુખાવો અથવા સોજો આવવો સામાન્ય બાબત છે. મોટા ભાગના કિસ્સાઓમાં, તાવ એક દિવસમાં ઊતરી જાય છે. આ વિશે ચિંતા કરવાની જરૂર નથી. રસીકરણ પછી આ બધાં લક્ષણો સામાન્ય છે. આવું ઘણા લોકોને થાય છે. જોકે બાળકમાં એલર્જીના ગંભીર લક્ષણો દેખાઈ રહ્યાં છે અને સતત ઊચો તાવ રહે છે અથવા ચક્કર આવી રહ્યા હોય, તો આ સ્થિતિમાં ડૉક્ટરનો સંપર્ક કરો. જ્યારે પણ બાળકને રસી આપવામાં આવે ત્યારે ઓછામાં ઓછો અડધો કલાક રસીકરણ કેન્દ્રમાં જ રહો.

અન્ય સમાચારો પણ છે...