શહેરના યુનિવર્સિટી રોડ પરના સિલ્વર નેસ્ટ એપાર્ટમેન્ટમાં ચાલતા ક્રિકેટ સટ્ટા પર દરોડો પાડી ગાંધીનગરના સીઆઇ સેલે રાજકોટ પોલીસની આબરૂના ધજાગરા ઉડાવી દીધા હતા. નામચીન બુકી દીપક ચંદારાણા સંચાલિત સટ્ટા સ્થળેથી પાંચ શખ્સને ઝડપી લઇ રૂ.3.62 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. એકવર્ષથી શહેરમાં સટ્ટો રમાડતા હોવાની ઝડપાયેલા આરોપીઓએ કબૂલાત આપતાં શહેર પોલીસ શંકાના દાયરામાં આવી ગઇ હતી.
ગાંધીનગર સીઆઇડી ક્રાઇમના સીઆઇ સેલના પીઆઇ જે.એસ.કંડોરિયા સહિતની ટીમે શનિવારે સાંજે છ વાગ્યે સિલ્વર નેસ્ટ એપાર્ટમેન્ટમાં ખાબકી ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડી રહેલા કિશોર ગોકુલદાસ ચિતલિયા, જિગ્નેશ નાનુ વાજા, અર્જુન ઉર્ફે સની રાજેશ પોપટ, પ્રેમલ દિનેશ રાયચુરા અને હિરેન અરવિંદ સેજપાલને ઝડપી લીધા હતા.
ઝડપાયેલા પાંચ પૈકી કિશોર ચિતલિયા બુકી દીપકનો બનેવી થાય છે અને પ્રેમલ રાયચુરા તેનો ભાણેજ થાય છે. પીઆઇ કંડોરિયાએ જણાવ્યું હતું કે, કિશોર અને પ્રેમલે કેફિયત આપી હતી કે, રાજકોટ શહેરમાં છેલ્લા એકવર્ષથી અલગ અલગ સ્થળ પર બેસી સટ્ટો રમાડતા હતા. શહેરમાં એકવર્ષથી ક્રિકેટ મેચ પર નામચીન બુકી સટ્ટો રમાડતો હતો, છતાં શહેર પોલીસને તે વાત ધ્યાને ન આવતા પોલીસની નીતિ પર સવાલો લોકોમાં ઊઠી રહ્યા છે.
માસ્કનો દંડ વસૂલવામાં શહેર પોલીસે ભારે ચુસ્તી સ્ફૂર્તિ બતાવી હતી, વાહનચાલકના નાક પરથી સહેજ નીચે માસ્ક ઉતરે તો તેનો ઇ-મેમો જનરેટ કરી દેવામાં આવતો હતો અને આ રીતે કરોડો રૂપિયા શહેરીજનોના ખિસ્સામાંથી કાઢી લેનાર પોલીસ બુકી દીપક ચંદારાણાના કરતૂતો શા માટે શોધી શકી નહીં. શહેરમાં કોઇપણ સ્થળે દરોડો પાડીને દારૂ-જુગારના કેસ કરીને વાહવાહી લૂંટતી ક્રાઇમ બ્રાંચ અને એસઓજીના અધિકારીઓને ક્રિકેટ સટ્ટાની ગંધ શુદ્ધા પણ ન આવે તે વાત શંકાસ્પદ લાગી રહી છે, પોલીસની ઇચ્છા અને આશીર્વાદ સાથે સટ્ટો રમાડાતો હતો? તેવા સવાલો શહેરીજનોમાં ચર્ચાઇ રહ્યા છે.
શહેરમાં કોઇપણ ગુનાહિત પ્રવૃત્તિ થવા નહીં દેવાય અને ગુનેગારને ગુનો કરવો હશે તો રાજકોટ છોડવું પડશે તેવી અગાઉ વાતો કરનાર પોલીસ કમિશનરને બુકી દીપક ચંદારાણા અને અલ્લાઉદ્દીન દ્વારા ચલાવાતા ક્રિકેટ સટ્ટાની વાત એકપણ અધિકારીએ કહી નહીં હોય?, મસમોટા ક્રિકેટ સટ્ટા પર ગાંધીનગરથી આવેલી ટીમે પર્દાફાશ કરી શહેર પોલીસની આબરૂનું ધોવાણ કર્યું હતું, દરોડાને ત્રણ ત્રણ દિવસ વીતી જવા છતાં આ અંગે જવાબદારોને શોધીને કાર્યવાહી કરવાને બદલે પોલીસ કમિશનરે મૌન સેવી લેતા પોલીસ કમિશનર કોને અને શા માટે બચાવી રહ્યા છે તેવા સવાલો પ્રજામાં ચર્ચાઇ રહ્યા છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.