ગુજરાત રાજ્યમાં વર્ષ 2017ની ચૂંટણીની વાત કરવામાં આવે તો પરિણામ ખૂબ જ રસાકસીભર્યા સામે આવ્યા હતા. જેમાં ભાજપ 99 બેઠક પર જીત મેળવી બહુમતિથી સત્તા જાળવી રાખવામાં સફળ થયો હતો. જ્યારે કોંગ્રેસે 2012ની ચૂંટણી કરતા 13 બેઠક વધુ મેળવી કુલ 77 બેઠક પર જીત મેળવી હતી. ત્યારે આ વર્ષે ચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષોએ પ્રચાર-પ્રસાર શરૂ કરી ચૂંટણી માટેની અલગ અલગ રણનીતિઓ ઘડવાનું શરૂ કરી દીધું છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છની અંદર ભાજપના ગઢમાં પાછલી ચૂંટણીમાં કોંગ્રેસ સારો દેખાવ કરી ગાબડું પાડ્યું તેનું પુનરાવર્તન કરવા મહેનત કરી રહ્યું છે તો બીજી તરફ ભાજપ સૌરાષ્ટ્ર ભાજપનો ગઢ છે તે સાબિત કરવા પરિવર્તન સાથે આગળ વધી રહ્યો છે.
ભાજપે સૌરાષ્ટ્રને આપ્યા છ પ્રદેશ પ્રમુખ તો કોંગ્રેસના માત્ર એક
સૌરાષ્ટ્ર એ રાજનીતિની પાઠશાળા માનવામાં આવે છે, સૌરાષ્ટ્રના અનેક નેતાઓ રાજ્યમાં અને કેન્દ્રમાં જવાબદારી નિભાવી રહ્યા છે. જેમાં કોંગ્રેસ કરતા ભાજપ દ્વારા સૌરાષ્ટ્રમાં વધુ મહત્ત્વ આપવામાં આવતું હોય તેવું ચિત્ર સામે આવી રહ્યું છે. અત્યારસુધી રાજકારણમાં સૌરાષ્ટ્ર કોંગ્રેસમાંથી એક માત્ર અર્જુન મોઢવાડીયાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. એ પણ માત્ર પોણા બે વર્ષ માટે. જેમાં તેઓ 2 માર્ચ 2011થી 20 ડિસેમ્બર 2012 સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના 27માં પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી હતી. જેની સામે ભાજપે અત્યારસુધી પ્રથમ પ્રમુખ તરીકે સૌરાષ્ટ્રના કેશુભાઇ પટેલની નિમણૂક કરી હતી. ત્યારથી અત્યારસુધીમાં સૌરાષ્ટ્રમાંથી 6 પ્રમુખ બનાવવામાં આવ્યા છે. ઓક્ટોબર 2018 અને ત્યારબાદ જાન્યુઆરી 2020 થી 2022 સુધી ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ તરીકે ગાયત્રીબા વાઘેલા સતત બે ટર્મ સુધી પ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવી હતી.
2012 કરતા 2017માં કોંગ્રેસે બમણી બેઠક હાંસલ કરી
સૌરાષ્ટ્ર-કચ્છની કુલ 54 બેઠકો છે જે પૈકી 22 બેઠકો ઉપર પાટીદાર સમાજનું પ્રભુત્વ રહેલું છે. ગુજરાત વિધાનસભાની પાછલી બે ચૂંટણીમાં ભાજપના ગઢ સમાન સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ પકડ મજબૂત બનાવતી હોય તેમ વર્ષ 2012માં સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠકોમાંથી કોંગ્રેસે 16 તો ભાજપે 35 બેઠક પર જીત મેળવી હતી. જ્યારે વર્ષ 2017માં કોંગ્રેસે 32 તો ભાજપે 21 બેઠકો પર જીત મેળવી હતી.
10 બેઠક પર પક્ષપલટો થતા ભાજપનું સંખ્યાબળ વધ્યું
જોકે આ પૈકીની 10 બેઠકો પર પક્ષપલટો કરી દેતા કોંગ્રેસે બેઠક ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે આ વર્ષે ભાજપ 150નો લક્ષ્યાંક લઇ બેઠું છે. ત્યારે સૌરાષ્ટ્રમાં પોતાનો ગઢ ફરી કબ્જે કરવા ભાજપ પરિવર્તનની રાજનીતિ સાથે મેદાને ઉતર્યો છે. જેમાં ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાટીદારોને રીઝવવા મેદાને ઉતરી ગયા હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે કોંગ્રેસ પણ પાછલી ચૂંટણીની જેમ પુનરાવર્તન કરવા પોતાના કોઈપણ ચૂંટણી લક્ષી કેમ્પેઈનની શરૂઆત સૌરાષ્ટ્રમાંથી જ કરી રહી છે અને સૌરાષ્ટ્રમાં પોતાની પકડ મજબૂત બનાવવા કમર કસી રહી છે.
આ વખતે ત્રિ-પાંખિયા જંગમાં કોને થશે ફાયદો?
ઉલ્લેખનીય છે કે આ વર્ષે વિધાનસભાની ચૂંટણી માં ત્રિપાંખિયો જંગ જોવા મળશે જેમાં ભાજપ કોંગ્રેસની સાથે સાથે હવે આમ આદમી પાર્ટી પણ મેદાને ઉતરશે તેવામાં રાજકીય હિલચાલ જોવા જઇએ તો તાજેતરમાં ગુજરાતમાં યોજાયેલ મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી એ કોંગ્રેસના મત તોડી ભાજપને સીધી રીતે ફાયદો કરાવ્યો હોય તેવું જરૂર થી કહી શકાય છે એ જ રીતે વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસના મત કપાઇ તો તેનો સીધો ફાયદો ભાજપને થઇ શકે તેમ છે અને 150 નો લક્ષ્યાંક સુધી પહોંચવામાં ફાયદો થઇ શકે તેવું માનવામાં આવી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.