સૌરાષ્ટ્રમાં બેઠકે બેઠકે જૂથવાદ:બાવળિયા-બોઘરા બાખડે છે, રાદડિયા સામે 3 નેતા પડ્યા, રૂપાણી-મોકરિયાની અલગ લડાઈ તો ફતેપરા-મુંજપરાને ઊભા રહ્યે બનતું નથી!

રાજકોટએક મહિનો પહેલાલેખક: જીગ્નેશ કોટેચા

ભાજપ એટલે શિસ્ત અને સંગઠનની પાર્ટી. આવો રાગ વર્ષોથી આલાપવામાં આવી રહ્યો છે, પરંતુ ગુજરાતના રાજકારણમાં એપી સેન્ટર ગણાતા સૌરાષ્ટ્રમાં ચિત્ર કંઈક અલગ છે. અહીં કેટલીય બેઠકો અને મતવિસ્તારોમાં ભાજપની નેતાગીરીમાં શિસ્ત કે સંગઠનનું નામોનિશાન નથી. જસદણમાં કુંવરજી બાવળિયા અને ભરત બોઘરા બાખડે છે તો જયેશ રાદડિયા સામે જિલ્લા ભાજપના જ 3 નેતા પડ્યા છે. વિજય રૂપાણી અને રામ મોકરિયા વચ્ચે અલગ લડાઈ ચાલી રહી છે. સુરેન્દ્રનગરમાં તો દેવજી ફતેપરા મુંજપરાને ઊભા રહ્યે બનતું નથી. આમ, સૌરાષ્ટ્ર ભાજપમાં 15થી વધુ એવા નેતાઓ છે, જેને ચૂંટણીની તૈયારીમાં નહીં, પણ એકબીજાને પાડી દેવામાં જ રસ છે. વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે ડેમેજ કંટ્રોલ નહીં કરાય તો ભાજપે ભોગવવું પડશે એ નક્કી છે.

સૌરાષ્ટ્રમાં નેતાઓનું ટિકિટ માટે લોબિંગ શરૂ
સક્રિય રાજકારણમાં રહેવા સત્તા જરૂરી છે અને સત્તા માટે પ્રથમ ચૂંટણીમાં ટિકિટ જરૂરી છે. આ સુપેરે સમજતા ભાજપના મંત્રીમંડળમાંથી અને સંગઠનમાંથી પડતા મુકાયેલા નેતાઓ હવે ટિકિટ માટે લોબિંગ કરવા લાગ્યા છે. ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચતા સૌરાષ્ટ્રમાં ખેંચતાણ શરૂ થઈ છે. રાજકોટ પર દાયકાઓથી પકડ ધરાવતા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને કોર કમિટીના સભ્ય તો બનાવી દીધા, પણ તેમને આટલેથી સંતોષ નથી. તેમણે હવે ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. અન્ય નેતાઓએ ટિકિટ માટે લોબિંગ શરૂ કર્યાનું અને નજીકના ભવિષ્યમાં પક્ષમાં મોટી નવા-જૂનીનાં એંધાણ મળ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...