તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:હોમિયોપથીમાં નિયમ વિરુદ્ધ પ્રવેશ અપાશે તો યુનિવર્સિટી પરીક્ષા નહીં લે

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રવેશ માટે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજીમાં 50 ટકા ગુણ ફરજિયાત : યુનિવર્સિટીમાં બાંહેધરી પત્ર આપવું પડશે

ધોરણ 12 સાયન્સ બાદ હોમિયોપથીમાં પ્રવેશને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કડક વલણ અપનાવ્યું છે. ગયા વર્ષે રાજકોટની હોમિયોપથી કોલેજોમાં વિદ્યાર્થીઓને આડેધડ પ્રવેશ અપાયા બાદ યુનિવર્સિટીએ પરીક્ષા નહીં લેતા મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. પરંતુ આ વર્ષે શહેરની 8 જેટલી હોમિયોપથી કોલેજમાં વિદ્યાર્થીઓને ACPC (એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ)ના નિયમ મુજબ અને CCH (સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હોમિયોપથી)ના ધારાધોરણોને ધ્યાનમાં રાખીને પ્રવેશ આપવો ફરજિયાત કરાયું છે.

વિદ્યાર્થીએ હોમિયોપથીમાં પ્રવેશ લેવા માટે ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજીમાં ઓછામાં ઓછા 50 ટકા ગુણ મેળવવા ફરજિયાત છે. કોલેજો મેનેજમેન્ટ ક્વોટાની સીટો ભરવા નિયમ વિરુદ્ધ વિદ્યાર્થીઓને પ્રવેશ આપશે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તે વિદ્યાર્થીની પરીક્ષા નહીં લે તેવું સ્પષ્ટ જણાવાયું છે. આ ઉપરાંત હોમિયોપથીની કોલેજોએ વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યા બાદ પણ બાંહેધરી પત્ર આપવું પડશે કે નિયમ વિરુદ્ધ પ્રવેશ અપાયાનું ખૂલશે તો તેના માટે જે-તે કોલેજના પ્રિન્સિપાલ જવાબદાર ગણાશે.

ગયા વર્ષે 6 એડમિશન નિયમ વિરુદ્ધ થયા હતા
હોમિયોપથીમાં પ્રવેશ માટે દરેક વિદ્યાર્થીઓ માટે મુખ્ય ત્રણ વિષય ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજીમાં 50 ટકા માર્ક હોવા ફરજિયાત છે. પરંતુ કેટલીક ખાનગી કોલેજો સીટો ભરવા અને ફી ઉઘરાવવા 50 ટકાથી ઓછા ગુણ હોવા છતાં નિયમ વિરુદ્ધ પ્રવેશ આપી રહી છે. ગયા વર્ષે 6 વિદ્યાર્થીને ત્રણ વિષયમાં 50 ટકા ગુણ નહીં હોવા છતાં પ્રવેશ આપી દેવાયા હતા. બાદમાં યુનિવર્સિટીના ચેકિંગમાં ગેરરીતિ બહાર આવતા પરીક્ષા નહીં લેવાતા મામલો કોર્ટમાં પહોંચ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...