સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સોમવારે EDAC (એક્ઝામિનેશન ડિસિપ્લિનરી એક્શન કમિટી)ની બેઠક મળી હતી જેમાં અગાઉ લેવાયેલી પરીક્ષા દરમિયાન જુદી જુદી રીતે ચોરી કરતા કે ગેરરીતિ કરતા પકડાયેલા વિદ્યાર્થીઓનું હિયરિંગ કરી તેમને સજા ફટકારવામાં આવી હતી.
લીંબડીમાં એક વિદ્યાર્થીએ પોતાની જગ્યાએ બીજા ડમીને પરીક્ષા આપવા બેસાડ્યો હતો, જ્યારે એક વિદ્યાર્થિની પોતાના ડ્રેસમાં પરીક્ષા સંબંધિત લખાણ કરીને આવી હતી, બીજી વિદ્યાર્થિની સ્માર્ટ વોચમાંથી પરીક્ષામાં ચોરી કરતી હોવાનું બહાર આવતા તેમની સામે કોપીકેસ કરવામાં આવ્યો હતો. સોમવારે મળેલી ઈડીએસીની મિટિંગમાં કુલ ડમી બેસાડનારને ડીબાર્ટ કરાયો હતો જ્યારે બાકીના 52 વિદ્યાર્થીઓને 1+1 સેમેસ્ટરની સજા ફટકારવામાં આવી હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવાયેલી પરીક્ષામાં ગેરરીતિ કરતા પકડાયેલા કુલ 53 વિદ્યાર્થીમાંથી કોઈ કાપલી સાથે પકડાયા હતા, કોઈ પ્રશ્નસંપુટ પેજ સાથે, માઈક્રો ઝેરોક્સ કાપલીઓ, પરીક્ષાલક્ષી સાહિત્ય, હાથમાં વિષયનું લખાણ કરી આવેલા, સ્માર્ટ વોચમાંથી ચોરી કરતા, હોલટિકિટ પાછળ લખાણ કરેલું, રાઇટિંગ પેડમાં લખાણ, રૂમાલમાં વિષયનું લખાણ કર્યું, પગમાં વિષયનું લખાણ, ડ્રેસમાં વિષયનું લખાણ સહિત જુદી જુદી પ્રકારે ચોરી કરતા હતા.
એમ.એડ. સેમેસ્ટર-1માં રાજકોટની વિદ્યાર્થિની ભાવનાબેન પટેલ પોતાના ડ્રેસમાં વિષયનું લખાણ કરીને પરીક્ષા આપવા આવેલા, એમ.કોમ સેમેસ્ટર-1માં અમરેલીની સાવલિયા બંસરી જમણા પગમાં વિષયનું લખાણ કરીને આવેલા, બી.કોમ સેમેસ્ટર-1માં જામનગરનો વિદ્યાર્થી દાવડા નિશિત હોલટિકિટ પાછળ અને રૂમાલમાં લખાણ કરી આવેલો, બી.કોમ સેમેસ્ટર-1માં અમરેલીની વિદ્યાર્થિની ધારૈયા વિધિ સ્માર્ટવોચમાંથી ચોરી કરતી હતી. લીંબડીનો બીએ સેમેસ્ટર-5ના વિદ્યાર્થી બાવળિયા જયેશએ પોતાની જગ્યાએ ડમી બેસાડ્યો હતો જેને કાયમી ધોરણે ડીબાર્ટ કરાયો છે. આ વિદ્યાર્થી હવે પરીક્ષા આપી શકશે નહીં.
રાજકોટની વિદ્યાર્થિની ઉત્તરવહી ઘરે લઇ ગઇ
ડિસેમ્બર-2022માં લેવાયેલી બી.કોમ સેમેસ્ટર-1 (રેગ્યુલર/રિપીટર)ની રાજકોટની વિદ્યાર્થિની વાણિયા વિશ્રુતિ વિનુભાઈ પરીક્ષા દરમિયાન ઉત્તરવહી ઘેર લઇને જતી રહી હતી. ત્યારબાદ પરીક્ષા તંત્રએ તેની ઉત્તરવહી પરત મગાવી હતી. સોમવારે ઈડીએસીની બેઠકમાં આ વિદ્યાર્થિનીને 1+6 સેમેસ્ટરની સજા ફટકારવામાં આવી હતી.
અમરેલીનો વિદ્યાર્થી ચોરીમાં પકડાતા કાપલી ખાઈ ગયો!
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બીએ સેમેસ્ટર-1ની ડિસેમ્બર-2022માં લેવાયેલી પરીક્ષામાં અમરેલીનો વિદ્યાર્થી મકવાણા કરણ કાબાભાઇ પરીક્ષા દરમિયાન કાપલીમાંથી ચોરી કરતા પકડાયો હતો. પેપર દરમિયાન કાપલી સાથે ચોરી કરતા પકડાયા બાદ આ વિદ્યાર્થી કાપલી મોંમાં નાખી ચાવી ગયો હતો. સોમવારે ઈડીએસીની બેઠકમાં આ વિદ્યાર્થીને 1+1 સેમેસ્ટરની સજા ફટકારી હતી. અમરેલીના આ વિદ્યાર્થીને બીએની પરીક્ષા દરમિયાન કાપલીમાંથી ચોરી કરતો સંચાલકે પકડ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.