સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ચાલી રહેલી આંતર કોલેજ સ્પર્ધામાં આગામી તારીખ 19મી નવેમ્બરે વુડબોલ સ્પર્ધાનું આયોજન કરાયું છે જેમાં ભાગ લેવા માટે વિદ્યાર્થીઓ 17મી સુધી એન્ટ્રી મોકલી શકશે, પરંતુ આ સ્પર્ધાઓમાં સૌથી મહત્ત્વની બાબત એ સામે આવી છે કે, સ્પર્ધામાં ભાગ લેવા માટે વિદ્યાર્થીઓ પાસેથી છ-છ ડોક્યુમેન્ટ લેવાય છે, એન્ટ્રી ફી અને રેફરી ફી સહિત એક મેચની રૂ. 400 ફી વસૂલાય છે.
ખેલાડીએ રહેવા અને જમવાની વ્યવસ્થા પણ પોતે કે કોલેજે જાતે જ કરવાની હોય છે અને ખેલાડીને સ્પર્ધા દરમિયાન કોઈપણ પ્રકારનો અકસ્માત થાય તો તેમાં આયોજક કે યુનિવર્સિટી જવાબદાર નહીં હોવાનો પરિપત્ર કરીને સ્પર્ધાના આયોજકો અને યુનિવર્સિટીએ જવાબદારી ખંખેરી લીધી છે. જેની સામે ખેલાડીઓમાં પણ ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ક્રિકેટના મેદાનમાં આગામી તારીખ 19 નવેમ્બરને સવારે 7.30 કલાકથી વુડબોલ સ્પર્ધા યોજાવાની છે. સામાન્ય રીતે આંતર કોલેજ જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મેદાનોમાં કરવામાં આવે છે, પરંતુ જે-તે સ્પર્ધાનું સંચાલન કરવાની જવાબદારી જુદી જુદી ખાનગી કોલેજોને સોંપવામાં આવે છે, કોલેજો જે-તે સ્પર્ધાના આયોજન પેટે વિદ્યાર્થીઓ પાસેથી ફી ઉઘરાવે છે.
પરંતુ સ્પર્ધા દરમિયાન ખેલાડીઓને જરૂરી પ્રાથમિક સુવિધાઓ આપવામાં ફેલ નીવડ્યું હોય એમ ખેલાડીઓને ન રહેવા કે જમવાની સુવિધા આપવામાં આવી રહી છે, ન સ્પર્ધા દરમિયાન સુરક્ષાની ખાતરી આપવામાં આવી રહી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી ખેલાડીઓ રાજકોટ યુનિવર્સિટીમાં રમવા આવતા હોય છે.
ત્યારે સ્પર્ધાના ખેલાડીઓને સ્પર્ધા દરમિયાન કોઈ અકસ્માત થાય તો આયોજક કે યુનિવર્સિટી જવાબદાર નહીં હોવાનો પરિપત્ર કરતા રોષ ફેલાયો છે. યુનિવર્સિટીની આંતર કોલેજ જુદી-જુદી સ્પર્ધાઓમાં અગાઉ પણ ખેલાડીઓને એન્ટ્રી ફી ઉપરાંત દરેક મેચમાં રેફરી ફી ચુકવવાને લઇને વિવાદ થયો હતો. નિયમ મુજબ એન્ટ્રી અને રેફરી ફી એક જ વખત વસૂલાય છે. હવે ખેલાડીની સુરક્ષાને લઇને પણ આયોજકોએ જવાબદારી ખંખેરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.