• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • If 10 Thousand Liters Of Fake Milk Is Made Daily And Sold For 1 Month, One And A Half Crore Is Earned, If Adulteration Is Caught, Only A Fine Of 5 Lakh !!

કામગીરી:રોજનું 10 હજાર લિટર નકલી દૂધ બનાવીને 1 માસ વેચાય તો દોઢ કરોડની કમાણી થાય, ભેળસેળ પકડાય તો માત્ર 5 લાખનો દંડ!!

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારી તંત્રએ કરવાની કામગીરી દિવ્ય ભાસ્કરે પ્રજાહિતમાં કરી આખું ષડયંત્ર બહાર પાડ્યું પરંતુ IAS અને IPS કક્ષાના અધિકારી પોલીસ ફરિયાદ કરતા નથી
  • મહિલા કોર્પોરેટરે જનરલ બોર્ડમાં કહ્યું, ભેળસેળવાળા દૂધની સૌથી વધુ અસર મહિલા અને બાળકોને થાય છે તો તેના સોર્સ સુધી ફૂડ શાખાએ જવું જોઈએ

રાજકોટ મહાનગરપાલિકા વર્ષે 800થી વધુ સેમ્પલ લ્યે છે જેમાંથી 20થી 25 દૂધના સેમ્પલ લેવાય છે પણ અત્યાર સુધી આ દૂધ ક્યાંથી આવે છે ત્યાં સુધી હજુ કોઇ તંત્ર પહોંચ્યું ન હતું. દિવ્ય ભાસ્કરે સતત 15 દિવસ સુધી તપાસ અને રેકી કરીને 1000 લિટર દૂધ ભરેલું મિનિ ટેન્કર પકડી પાડ્યું હતું જેનું દૂધ ભેળસેળયુક્ત અને હલકી ગુણવત્તાના તેલ નાંખીને બનાવેલું હોય તેવું રિપોર્ટમાં પણ સાબિત થઈ ગયું છે. આ દૂધ ઉપલેટાના ઢાંક ગામેથી આવ્યું હતું અને આવું 10,000 લિટર દૂધ દરરોજ રાજકોટમાં ઠલવાતું હતું જે લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં હતા.

દૂધ પકડાયા બાદ આ મામલે ફરિયાદ દાખલ કરીને ભેળસેળિયા તત્ત્વોને ઝેર કરવાની વાત પોલીસ અને મનપા બંને કરી રહ્યા હતા પણ જ્યારે રિપોર્ટ આવ્યો તો ફરિયાદી કોણ બને તે મુદ્દે મામલો અટક્યો છે. પોલીસ મનપાને ફરિયાદ કરવા કહે છે જ્યારે મનપાના જણાવ્યા મુજબ દૂધમાં ભેળસેળ હોવાથી અધિક કલેક્ટરની કોર્ટમાં કેસ ચાલે અને જેમાં 5 લાખ સુધીના દંડની જોગવાઈ છે. આ ગણતરીએ જોઈએ તો 50 રૂપિયા લિટરના ભાવે દૈનિક 10,000 લિટર ભેળસેળિયું દૂધ માત્ર એક મહિનો વેચાય તો પણ 1.5 કરોડની આવક ગણાય અને આ ભેળસેળ સાબિત થઈ જાય તો પણ મહત્તમ પાંચ લાખનો દંડ ભરી છૂટી જવાય છે.

જેથી ફરીથી આ ધંધો શરૂ થઈ જાય છે આવી જ ઢીલી કાર્યપદ્ધતિને કારણે ભેળસેળ અટકતી નથી. ભેળસેળવાળા દૂધનો મુદ્દો મનપાની જનરલ બોર્ડમાં પણ ખૂબ ચગ્યો હતો. નગરસેવકોએ ફૂડશાખાને ભેળસેળ મામલે આડે હાથ લીધી હતી. કોર્પોરેટર ડો. દર્શનાબેન પંડ્યાએ બોર્ડમાં જણાવ્યું હતું કે, દૂધનો સૌથી વધુ ઉપયોગ મહિલાઓ અને બાળકો કરે છે તેમાં આવા ભેળસેળના દૂધ અપાય તે આરોગ્ય સાથે ગંભીર ચેડાં છે, ત્યારે અધિકારીઓ ફક્ત એક વખત દૂધ પકડીને નજીવો દંડ કરે તે યોગ્ય નથી.

આ દૂધ ક્યાંથી આવે છે તેના મૂળ સુધી જઈને ભેળસેળ અટકાવવી જોઈએ. આ વાતને તમામ સાથી કોર્પોરેટરે બિરદાવી હતી. ભૂતકાળમાં આવા મામલાઓમાં ફરિયાદ થઈ છે પણ અધિકારીઓ આવી આંટીઘૂંટીમાં ન પડવાનું કારણ ધરી ફરિયાદ કરતા નથી અને તેનાથી જ ભેળસેળિયા તત્ત્વોને વધારે બળ મળે છે અને વધુમાં વધુ 5 લાખનો દંડ થાય તો ભરી દઇશું તેવી ગણતરીએ કરોડો રૂપિયા કમાઈને ગોરખધંધો ચાલુ જ રાખે છે.

અન્ય સમાચારો પણ છે...