રહસ્યમય મોત:રાજકોટમાં આજી ડેમ-2 માંથી યુવકનો મૃતદેહ મળ્યો, ખિસ્સામાંથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું આઈડી કાર્ડ મળી આવ્યું, હત્યા કે આત્મહત્યા?

રાજકોટ3 મહિનો પહેલા
  • ફાયરબ્રિગેડની મદદથી મૃતદેહ બહાર કાઢયો

રાજકોટમાં આજે આજી ડેમ-2 ડેમ માંથી યુવાનની રહસ્યમય હાલતમાં લાશ મળી આવી હતી. આ અંગેની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને ફાયરબ્રિગેડની મદદથી મૃતદેહ બહાર કાઢયો હતો. ઉલ્લેખનીય છે કે મૃતકના ખિસ્સામાંથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું આઈડી કાર્ડ મળી આવ્યું હતું. આ બનાવમાં યુવકનું અકસ્માતે મૃત્યુ થયું છે કે પછી તેની હત્યા કરવામાં આવી છે. એ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો
પ્રાપ્ત વિગત મુજબ આજે બપોરના 2.45 વાગ્યે મળેલ કોલ આધારે ફાયર વિભાગ દ્વારા આજી 2 ડેમ ખાતે પહોંચી યુવાનની લાશ બહાર કાઢવામાં આવી હતી. યુવાનની લાશ બહાર કાઢી તપાસ કરતા યુવાન પાસેથી સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કેમેસ્ટ્રી વિભાગના આદિત્ય રાવલનું આઈકાર્ડ મળી આવ્યું હતું. તેમજ રહેણાંક એરપોર્ટ રોડ દર્શાવ્યુ હતું. જે બાદ ફાયર વિભાગે પોલીસને જાણ કરતા ગાંધીગ્રામ પોલીસ કાફલો ઘટના સ્થળ પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બે મહિના પહેલા ભાદર નદીમાં પણ મૃતદેહ મળ્યો હતો
ઉલ્લેખનીય છે કે આજથી બે મહિના પહેલા રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે ભાદર નદીમાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ મળ્યાની જાણ થતાં સ્થળ પર લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસને જાણ કરતાની સાથે જ પોલીસ સ્થળ પર પહોંચી મહિલાના મૃતદેહને ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.