ક્રાઇમ:‘છરી મારી આંતરડા બહાર કાઢી નાંખીશ’, કહી વકીલને માર માર્યો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પત્નીએ કેસ કર્યાનો ખાર રાખી આરોપીએ વકીલને ધમકી દીધી

શહેરમાં ઘણા સમયથી વકીલને ધમકી કે માર મારવાના બનાવો વધી રહ્યાં છે. વધુ એક બનાવમાં કાલાવડ રોડ, હરિહર સોસાયટી-3માં રહેતા એડવોકેટ રાજેશભાઇ મુલચંદભાઇ કોટકે લક્ષ્મીવાડીમાં રહેતા અનવર વજીદ પઠાણ નામના શખ્સ સામે માર મારી ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. એડવોકેટની ફરિયાદ મુજબ, કોર્ટની કામગીરીમાં તેમની સાથે સોમનાથ-3માં રહેતા રફિકભાઇ અલીમહમદ બુખારી મદદરૂપ થાય છે. દરમિયાન શુક્રવારે સાંજે પાંચ વાગ્યે પોતે રફિકભાઇને મૂકવા તેમના ઘરે ગયા હતો. રફિકભાઇની પુત્રી સકીનાને તેના પતિ અનવર પઠાણ સાથે મનમેળ નહીં થતા તે રિસામણે આવી હોય અને અનવર સામે ઘરેલુ હિંસા અંતર્ગત ફરિયાદ કરી છે.

ત્યારે અનવર અને તેની સાથે એક અજાણ્યો શખ્સ ટુ વ્હિલમાં ધસી આવ્યો હતો અને તને શું તકલીફ છે તેમ કહી ગાળો દેવા લાગ્યો હતો. ગાળો દેવાની ના પાડતા તે વધુ ઉશ્કેરાય જઇ પોતાને તમાચા ઝીંકી દીધા હતા. અનવર સાથે આવેલો શખ્સ તેને સમજાવવા છતાં તે માન્યો ન હતો. બાદમાં અનવરે આજે તો એકલો જ આવ્યો છું, હજુ બીજા પાંચ લોકોને લઇને આવીશ અને પેટમાં છરી મારી આંતરડા બહાર કાઢી નાંખીશની ધમકી આપી હતી. મામલો વધુ ન વણસે તે માટે પોતે ત્યાંથી નીકળી ગયા હતા અને યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. શહેરના વધુ એક વકીલને માર મારવાની અને ધમકી આપ્યાની ઘટના બનતા વકીલોમાં રોષની લાગણી ફેલાઇ છે અને આરોપી તરફે કોઇએ કેસ નહીં લડવા માટેની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...