અખિલ ભારતીય કોળી સમાજ ન્યુ દિલ્હીના પ્રમુખ પદને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. જેને પગલે રવિવારે સુરતના કામરેજ ખાતે મળેલી જનરલ સભામાં માજી મંત્રી કુંવરજી બાવળિયાને બરતરફ કરવાનો નિર્ણય લેવાયો હતો. આ અંગે કુંવરજી બાવળિયાએ આજે રાજકોટમાં સર્કિટ હાઉસ ખાતે મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, સમાજનો પ્રમુખ તો હું જ રહીશ, અજીત પટેલે ભૂલ સ્વીકારી લીધી છે.
ગત રાત્રીએ સમાધાન થઇ ગયું હોવાનો દાવો
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જે વિવાદ ચાલી રહ્યો છે તેનો અંત આવી ગયો છે. મારી અને અજીતભાઇ વચ્ચે જે ગેરસમજ હતી તે હવે દૂર થઇ ગઇ છે. આગામી દિવસોમાં જ્યારે કોર્ટ મુદ્દત આવશે ત્યારે આ કેસ અજીત પટેલ દ્રારા પરત ખેંચી લેવામાં આવશે અને ત્યારબાદ સમાજ જે નક્કી કરશે તે પ્રમાણે ઇલેકશન અથવા તો સિલેકશન થશે.ઉલ્લેખનીય છે કે કુંવરજી બાવળિયા દ્વારા આ વિવાદ મામલે ગત રાત્રીએ સમાધાન થઇ ગયું હોવાનો અને સામાજિક વિવાદ હવે પૂરો થઇ ગયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
શું હતો વિવાદ
કુંવરજી બાવળિયા સામે કોળી સમાજના આગ્રણી અને નવા પ્રમુખ અજીત પટેલે આક્ષેપ કર્યા હતા કે,'કુંવરજી બાવળિયા ત્રણ ટર્મ સુધી સમાજના પ્રમુખ રહ્યા બાદ 10 જૂન 2020ના રોજ તેમનો કાર્યકાર પૂર્ણ થતો હોવા છતાં એક વર્ષ માટે કાર્યકાર લંબાવ્યા બાદ 10 જૂન 2021ના રોજ કાર્યકાર પૂર્ણ થયા બાદ પ્રમુખ ન હોવા છતાં પોતાને પ્રમુખ માની મનસ્વી રીતે સંગઠનની ખોટી રીતે કામગીરી કરતાં આવ્યા છે.'
બાવળિયા સતત સમાજ વિરોધી પ્રવૃત્તિ કરતા હતા.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અજમેર ખાતે જનરલ સભા બોલાવવાનો વિરોધ કરી સદર સભા દિલ્હી ખાતે બોલાવવાની ખોટી જીદ કર્યા બાદ તેઓ સતત સમાજ વિરોધી પ્રવૃત્તિ કરતા હતા. સાથે જ મનસ્વી રીતે દિલ્હી ખાતે બેઠક બોલાવી કેટલાક માનીતા લોકોને હાજર રાખી પ્રમુખ તરીકે ચૂંટાઈ આવેલાનું ખોટું ચલાવતા હતા. આટલું જ નહીં અખિલ ભારતીય કોળી સમાજ ન્યુ દિલ્હીના સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવણી કાર્યક્ર્મનો પણ તેમણે વિરોધ કર્યો હતો. ત્યારે આ બાબતને અખિલ ભારતીય કોળી સમાજ ન્યુ દિલ્હીના હોદ્દેદારો સાથે સમાજના આગેવાનોએ ખુબ જ ગંભીરતાથી લીધી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.