જાતીય સતામણી:‘તું મને બહુ ગમે છે,હાલ મેડી ઉપર' કહી રાજકોટના રૈયાધારમાં યુવાને બાળકીની છેડતી કરી, પોલીસે કાયદાનું ભાન કરાવ્યું

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપી મહેશ મનસુખભાઇ રાઠોડ - Divya Bhaskar
આરોપી મહેશ મનસુખભાઇ રાઠોડ
  • યુનિવર્સિટી પોલીસે બાળકીના માતાની ફરિયાદ પરથી પોક્‍સો હેઠળ ગુનો દાખલ કર્યો

રાજકોટના રૈયાધાર વિસ્‍તારમાં સગાની ઘરે ગવરીદળથી આવેલા એક યુવાને બાઇક પર બેઠેલી 11 વર્ષની બાળકીને ‘તુ મને બહુ ગમે છે, હાલ મારી સાથે મેડી ઉપર' તેમ કહી છેડતી કરતાં બાળકીના માતા અને રહેવાસીઓએ એ યુવાનને પકડી લઇ પોલીસને સોંપતા પોલીસે કડક કાર્યવાહી કરી હતી.રાજકોટ યુનિવર્સિટી પોલીસે બાળકીના માતાની ફરિયાદ પરથી મુળ ગવરીદળના અને રૈયાધાર વિસ્‍તારમાં સગાને ત્‍યાં આવેલા મહેશ મનસુખભાઇ રાઠોડ (ઉ.વ.28) નામના શખ્‍સ વિરૂધ્‍ધ આઇપીસી 354 (ક) તથા પોક્‍સો હેઠળ ગુનો નોંધી તેને સકંજામાં લીધો છે.

હું ગભરાઇ ગઇ હતી
બાળકીની માતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્‍યું હતું કે, મારા પતિ કારખાનામાં કામ કરે છે અને બે સંતાન છે. જેમાં દિકરીની ઉમર 11 વર્ષ અને 11 મહિના છે. તે ધોરણ-6માં અભ્‍યાસ કરે છે. સાંજે સાઠા આઠેક વાગ્‍યે હું રસોઇ બનાવતી હતી અને પતિ કારખાને કામે ગયા હતાં ત્‍યારે દિકરી અમારા મોટર સાઇકલને પાર્ક કર્યુ હોઇ ત્‍યાં રમવા ગઇ હતી. તે અચાનક દોડીને મારી પાસે આવી હતી અને રડવા લાગી હતી. મેં તેને શું થયું? એમ પુછતાં તેણે કહેલું કે, હું નીચે આપણા વાહન પર બેઠી હતી ત્‍યારે એક અજાણ્‍યા શખ્‍સે આવીને કહેલું કે ‘તું મને બહુ ગમે છે, ચાલ મારી સાથે મેડી ઉપર'. આથી હું ગભરાઇ ગઇ હતી.

મારી ભુલ થઇ ગઇ છે
મહિલાએ વધુમાં ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારી દિકરી રડતી હોઇ એ શખ્‍સ કોણ છે તેની તપાસ કરવા હું તથા બીજા રહેવાસીઓ બહાર નીકળ્‍યા હતાં. ત્‍યાં જ કેશુબેન સીંગલના ઘરેથી એક શખ્‍સ બહાર નીકળતા મારી દિકરી તેને ઓળખી ગઇ હતી અને એ શખ્‍સે જ છેડતી કરી હોવાનું કહ્યું હતું. આથી અમે તથા વિસ્‍તારના પડોશી કંચનબેન મારૂ સહિતનાએ એ શખ્‍સને પકડીને પુછતાં યુવકે કહેલું કે ‘મારી ભુલ થઇ ગઇ છે, હવે હું આવુ નહિ કરું અને ક્‍યારેય આ બાજુ આવીશ નહિ' તેમ કહી માફામાફી ચાલુ કરી હતી.

પડોશીએ પોલીસને જાણ કરી
વધુમાં ફરિયાદમાં જણાવ્યું હતું કે, અમારે આ શખ્‍સ સાથે ઝઘડો થતાં પડોશી ભાવનાબા બલવંતસિંહ રાઠોડે પોલીસને જાણ કરી હતી. એ દરમિયાન પોલીસની ગાડી આવી હતી અને અમે ફરિયાદ કરવા પહોંચ્‍યા હતાં. પોલીસે ગુનો નોંધી આરોપી મહેશ મનસુખભાઇ રાઠોડને સકંજામાં લઇ આકરી પુછતાછ કરી હતી.

હું પણ પારકા કામે બહાર જતી હોવાથી પુત્રીને કહ્યું હતું કે, ખરાબ ઘટના બને તો ત્યાં હાજર લોકોને જાણ કરવી : બાળકીની માતા
11 વર્ષની માસૂમ બાળકીની છેડતીની ઘટનાએ શહેરમાં ચકચાર જગાવી હતી, શહેરમાં આવા કિસ્સાઓ સતત વધી રહ્યા છે ત્યારે નરાધમ મહેશના સકંજામાંથી છૂટીને ભાગવામાં સફળ થયેલી બાળકીએ દાખવેલી જાગૃતતાએ ગંભીર ઘટના બનતા અટકાવી હતી. બાળકીની માતાએ ‘દિવ્ય ભાસ્કર’ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, તેમના પતિ કારખાનામાં કામ કરે છે, અને પોતે પણ પારકા કામ કરીને પતિને આર્થિક મદદરૂપ થાય છે, દરરોજ કામ સબબ બહાર જવાનું હોવાથી બાળકો ઘરે એકલા હોય છે.

પ્રવર્તમાન સંજોગોમાં બનતી ઘટનાનો પોતાના સંતાનો શિકાર બને નહીં તે માટે પોતે અગાઉથી જ તેની પુત્રીને હંમેશા કહેતી હતી કે, ક્યારેય કોઇ વ્યક્તિ ખરાબ વર્તન કરે કે તે વ્યક્તિનો ઇરાદો સારો લાગે નહીં તો જેતે સમયે જ દેકારો કરવો અથવા ત્યાં હાજર અન્ય વ્યક્તિને જાણ કરવી, આવી તાલીમ અગાઉથી જ આપેલી હોવાથી મહેશ પરમારે છેડતી કરી તે સાથે જ બાળકી સજાગ થઇ ગઇ હતી અને તેના સકંજામાંથી છૂટીને ઘરે આવીને આપવીતી વર્ણવી દીધી હતી.