શહેરમાં મારામારીના બનાવો વચ્ચે પારિવારિક ઝઘડાઓ પણ છેલ્લા કેટલાક સમયથી વધી રહ્યા છે. ત્યારે પ્રથમ બનાવમાં પતિએ પત્ની, સાળા પર અને બીજા બનાવમાં દિયરે ભાભી પર હુમલો કરતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. પ્રથમ બનાવની કુલસુમ નામની પરિણીતાએ તેના પતિ આશિફ ઉર્ફે આશકી રસુલભાઇ મકવાણા સામે ફરિયાદ નોંધાવી છે.
મૂળ વાંકાનેરની અને હાલ પોપટપરા, કૃષ્ણનગર-6માં રહીને કેટરર્સનું કામ કરતી કુલસુમબેનની ફરિયાદ મુજબ, રવિવારે બપોરે તે રેસકોર્સ ફનવર્લ્ડના ગેટ પાસે હતી. ત્યારે પતિ આશિફ ઉર્ફે આશકી ત્યાં આવી ઝઘડો કરી પોતાને માર માર્યો હતો. જેથી ભાઇને જાણ કરતા તે પણ દોડી આવ્યો હતો. ત્યારે પતિ આશિફે નેફામાંથી છરી કાઢી હુમલો કરી નાસી ગયો હતો.
હુમલામાં બંનેને ઇજા થતા હોસ્પિટલ ખસેડાયા હતા. પતિ સાથે મનદુ:ખ ચાલતું હોવાથી હુમલો કર્યાનુ જણાવતા પોલીસે ગુનો નોંધી આશકીની ધરપકડ કરી છે. બીજા બનાવમાં રૈયા ચોકડી, કિસ્મતનગર-7માં રહેતી હીના કાનાભાઇ ટોયટા નામની પરિણીતાને તેના દિયર ગોપાલ રમેશ ટોયટાએ પાઇપથી હુમલો કરી ઇજા પહોંચાડતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ છે.
રવિવારે સાંજે પતિના મોબાઇલમાં એક મહિલાનો ફોન આવ્યો હોય પતિએ રોંગ નંબર કહી ફોન કટ કરી નાંખ્યો હતો. ત્યાર બાદ પતિનો મોબાઇલ લઇ જે નંબર પર ફોન કર્યો હતો. ફોન રિસીવ નહિ થતા અનેક વખત રિંગ વગાડી હતી. થોડા સમય બાદ પતિના મોબાઇલ પર દિયર ગોપાલનો ફોન આવ્યો હતો. અને કહ્યું કે તે જે રોંગ નંબરમાં ફોન કર્યા હતા તે મારી બહેન છે. તું ઘરે રહેજે હું આવું છું કહી ફોન કાપી નાંખ્યો હતો. થોડી વાર બાદ ગોપાલ પાઇપ સાથે ધસી આવી હુમલો કર્યો હતો.
જેમાં માથામાં, હાથે, પગે ઇજા પહોંચાડી ફરિયાદ કરીશ તો મારી નાંખવાની ધમકી આપી નાસી ગયો હતો. જ્યારે કોઠારિયા રોડ પરના મેહુલનગરમાં રહેતા પ્રવિણભાઇ નામના 65 વર્ષના પ્રૌઢે રવિવારે રાત્રે પોતાના ઘરની અગાશી પર જઇ જાતે જ પેટમાં છરીનો ઘા ઝીંકી દીધો હતો, ઘરમાં પ્રૌઢ જોવા નહી મળતા પરિવારજનોએ શોધખોળ કરતાં અંતે મકાનની અગાશી પરથી જ પ્રૌઢ લોહીયાળ હાલતમાં મળી આવતા તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરિવારજનોએ પોલીસ સમક્ષ કહ્યું હતું કે, પ્રવિણભાઇ કેટલાક સમયથી માનસિક બિમારીમાં સપડાયા હતા અને બિમારીને કારણે તેમણે પગલું ભર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.