ઉત્તરપ્રદેશમાં રહેતા એક દંપતીને ઝઘડો થતા પતિ પોતાનું ઘર છોડીને રાજકોટ આવી ગયા હતા. અહીં આવીને એક કારખાનામાં કામ કરીને એકલા રહેવા લાગ્યા. ઝઘડો થયાના એક મહિના બાદ મહિલાને ખબર પડી કે તેનો પતિ રાજકોટના ઔદ્યોગિક એકમમાં કામ કરે છે. આથી તે ટ્રેનમાં બેસીને રાજકોટ આવી ગઈ હતી. આ અંગેની જાણ 181 ટીમને થતા તેને પતિ-પત્નીનું મિલન કરાવ્યું હતું.
આ અંગેની વધુ માહિતી આપતા 181ના કાઉન્સેલર તૃપ્તિબેન પટેલે જણાવ્યું હતું કે, મેટોડામાં એક મહિલા ક્યારની એકલી બેઠી છે એવો એક જાગૃત નાગરિકનો ફોન આવ્યો હતો. આ ફોન આવતા 181ની ટીમ જણાવેલા સ્થળ પર પહોંચી હતી. જ્યાં તેની સાથે વાતચીત કરતા મહિલાએ જણાવ્યું હતું કે, તે મૂળ ઉત્તરપ્રદેશની છે. તેના લગ્નજીવનને બે વર્ષનો સમય થઇ ગયો છે. તેના પતિ કોઈ વ્યક્તિની ચડામણીથી તેના ચારિત્રને લઇને શંકા કરતા હોય બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડો થયા બાદ તેના પતિ રાજકોટ આવી ગયા હતા.
ટેલિફોનિક વાતચીતમાં જાણવા મળ્યું કે, તેના પતિ રાજકોટની કોઇ એક કંપનીમાં કામ કરે છે. આથી,તેઓ ઉત્તરપ્રદેશથી ટ્રેનમાં બેસીને રાજકોટ આવી ગયા હતા, પરંતુ તેની પાસે પૂરું સરનામું હતું નહિ. એટલે તે ભૂલા પડી ગયા હતા.
મહિલાની વાત સાંભળીને 181ની ટીમે મહિલા પાસેથી તેના પતિના નંબર લીધા અને તેની સાથે ટેલિફોનિક વાતચીત કરીને તેની પાસેથી કંપનીનું એડ્રેસ માગી લીધું. મહિલા મેટોડાના ઔદ્યોગિક એકમમાં પોતાના પતિની શોધખોળ કરતી હતી, પરંતુ તેના પતિ શાપર નજીક આવેલા પારડી ગામે આવેલી એક કંપનીમાં કામ કરતા હતા. એડ્રેસ લીધા બાદ 181ની ટીમ મહિલા સાથે પારડી પહોંચી હતી. જ્યાં પતિ-પત્નીનું કાઉન્સેલિંગ કરીને બન્નેનુું પુનર્મિલન કરાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.