રાજકોટ ક્રાઇમ ન્યુઝ:મારવાડી યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી, ડિપ્રેશનની આશંકા

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મારવાડી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી, ડિપ્રેશનની આશંકા

રાજકોટમાં વધુ એક યુવાને આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. શહેરના મોરબી રોડ પર બેડી ગામ નજીક આવેલ મારવાડી યુનિવર્સીટી ખાતે કોલેજના જ વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેની જાણ થતા કુવાડવા પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મૃતક યુવાનનું નામ પાર્થ પંડ્યા હોવાનું સામે આવ્યું હતું અને યુવાને ડિપ્રેશનમાં આવી આપઘાત કર્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી વિદ્યાર્થીના આપઘાત અંગે ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

પત્નીએ ઘરેલુ હિંસાની ફરિયાદ કરતા પતિએ તેના વકીલને ઢોરમાર માર્યો
​​​​​​​શહેરના કાલાવડ રોડ પર હરિહર સોસાયટી-3 માં રહેતાં અને વકિલાત કરતાં રાજેશભાઇ મુલચંદભાઇ કોટક (ઉ.વ.52)ની ફરિયાદ પરથી લક્ષ્મીવાડીમાં રહેતાં અનવર વજીદભાઇ પઠાણ વિરૂધ્‍ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એડવોકેટ રાજેશભાઇ કોટકે ફરિયાદમાં જણાવ્‍યું છે કે, ગત તા. 2 સપ્ટેમ્બરના રોજ સાંજે 5 વાગ્યા આસપાસ હું રફિકભાઇને તેના ઘરે મુકવા મારા એક્‍ટીવા પર તેને બેસાડીને ગયો હતો. તે ઘરે જમીને બહાર આવી ડેલીએ તાળુ મારતાં હતાં ત્‍યારે હું નજીકમાં જ ઉભો હોઇ રફિકભાઇના જમાઇ અનવર વજીદભાઇ પઠાણ તથા તેનો ભાઇ મારી પાસે આવ્‍યા હતાં અને કહ્યું હતું કે-શું તકલીફ છે? તેમ કહી મને ગાળો દીધી હતી. મેં ગાળો બોલવાની ના પાડતાં મને આડેધડ ઝાપટો મારી દીધી હતી. અનવરને તેનો ભાઇ માથાકુટ ન કરવા સમજાવતો હતો છતાં તે ઝઘડો કરતો હતો અને મને વધુ તમાચા મારતાં મારા ચશ્‍મા પડી ગયા હતાં.

તને પેટમાં છરી મારી દઈશ
એ પછી તેણે મને ધમકી આપી હતી કે હજી બીજા પાંચ જણા લઇને આવીશ અને તને પેટમાં છરી મારી આંતરડા બહાર કાઢી જીવતો મારી નાંખીશ. ત્‍યારબાદ હું અને રફિકભાઇ ત્‍યાંથી નીકળી ગયા હતાં અને ફરિયાદ કરવા પહોંચ્‍યા હતાં. આ ઝગડાનું કારણ એ છે કે અનવર પઠાણની પત્‍નિ શકીનાબેન.. તેણીના પિતા રફિકભાઇના ઘરે રિસામણે છે અને તેણીએ કોર્ટમાં ડોમેસ્‍ટિક વાયોલન્‍સની ફરિયાદ કરી હોઇ જેના વકિલ તરીકે હું રોકાયો હોઇ તેના કારણે અનવરે મારા પર ખાર રાખી હુમલો કર્યો હતો. હાલ યુનિવર્સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

'તે કરેલો કેસ પાછો ખેંચી લે' કહી પતિનો પરિણીતા પર હુમલો
રાજકોટ નજીક રામડિયામાં સીમ વિસ્તારમાં રહેતી પરિણીતા તેના પતિ દેવરાજભાઈ રત્નભાઈ કનૈયાથી ચાર વર્ષથી અલગ બે સંતાનો સાથે રહે છે. અને પરિણીતાએ તેના પતિ વિરૂદ્ધ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવેલ હોય જે મામલે તેનો પતિ અને દેર વજુભાઇ ગઇકાલે વાડીએ આવ્યા હતાં અને તે કરેલો કેસ પાછો ખેંચી લે તેવું કહી ઝપાઝપી કરી હતી. જેમાં વચ્ચે પડેલી સાત વર્ષની બાળકીને તેના કાકાએ ધક્કો મારતાં શરીરે ઇજા પહોંચતા સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાઇ હતી. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભાડલા પોલીસને જાણ કરી હતી.

ડમ્પર ચાલકે બાઇકને અડફેટે લેતા યુવકનું મોત
રાજકોટ શહેરના દૂધસાગર રોડ પર મેમણ કોલીનીમાં રહેતો મૂળ યુપીનો રવિ મુન્નાભાઈ ગુપ્તા (ઉ.વ.22) પોતાનું બાઇક લઈ કુવાડવા રોડ પર પટેલ વિહાર રેસ્ટોરન્ટ પાસે જતો હતો. ત્યારે પાછળથી ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લઈ ગંભીર ઇજા પહોંચાડી હતી જે બાદ તેને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જો કે ચાલુ સારવાર દરમિયાન દમ તોડી દેતા તેનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી પરિવારને જાણ કરી હતી. મૃતક યુવાન 2 બહેનનો એકનો એક ભાઈ હતો જેનું મોત નિપજતા પરિવારમાં શોક છવાયો છે. ઉલ્લેખનીય છે કે 1 મહિના પહેલા જ યુવકની સગાઈ થઈ હતી.

ઉઘરાણી મામલે ઝઘડો થતા યુવકે ફિનાઇલ પીધૂ
રાજકોટના કોઠારીયા સોલવન્‍ટ નજીક મહમદી બાગમાં રહેતાં અને વિમા એજન્‍ટ તરીકે કામ કરતાં યુવાને સાંજે હાથીખાના આંબલી ચોકમાં ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે એ-ડિવીઝનમાં જાણ કરી હતી. યુવાને જણાવ્‍યું હતું કે, મુળ વતન ઉપલેટાના વતની સંજય બોદર મારફત પોતાના પરિચીત કચ્‍છ ભુજના ગુલામ મીરને અમુક રકમ અપાવી હતી. આ રકમ હવે ગુલામ ચુકવતો ન હોઇ સંજય તેની ઉઘરાણી પોતાની પાસે કરી હેરાન કરતો હોઇ પોતે એકાદ મહિનાથી ઘરે પણ જતો નથી અને રખડતો રહે છે. ગઇકાલે કંટાળીને પોતે ફિનાઇલ પી ગયો હતો. પોતાને એકાદ મહિના પહેલા પણ ઉઘરાણી માટે મારકુટ થયાનો તેણે આક્ષેપ કરતાં પોલીસે આક્ષેપ અંગે નિવેદન નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

PSI ભરતી પરીક્ષામાં નાપાસ થતા યુવતીએ ગળાફાંસો ખાધો
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના હડાળા ગામે રહેતી યુવતીએ ગઈકાલે રાત્રે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા પરિવારજનો જોઈ જતા બચાવી સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અંજુના લગ્ન બે મહિના પહેલા થયા હતા તેમનું માવતર વીંછીયાના હાથસણીમાં આવેલું છે. યુવતી તેમજ તેમનો પતિ હાલ કોલેજમાં અભ્યાસ કરે છે. પરિવારજનોએ જણાવ્યું હતું કે, યુવતી PSI ભરતી પરીક્ષામાં નાપાસ થઈ હતી બાદમાં તલાટીની પરીક્ષાની તૈયારી કરી રહી હતી. તે પરીક્ષા પાછળ ઠેલાતા તેમાં નાપાસ થવાના ડરથી પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું હતું. જોકે સાયલા પોલીસે નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...