સજા:ખાધાખોરાકી ચૂકવવાની ના પાડતા પતિને 10 મહિનાની સજા

રાજકોટ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધ્રોલ પંથકના પ્રૌઢે દોઢ વર્ષથી રકમ પત્નીને ચૂકવી ન હતી

રાજકોટની ફેમિલી કોર્ટે ભરણપોષણના કેસમાં ધ્રોલના નવા ખીજડિયા ગામે રહેતા લક્ષ્મણભાઇ કમાભાઇ ડાંગરને 10 મહિનાની સજા ફટકારતો હુકમ કર્યો છે. રૈયાધાર પાણીના ટાંકા સામે મફતિયાપરામાં રહેતા શોભનાબેનને પતિ લક્ષ્મણ સાથે મનમેળ નહિ થતા સાસરેથી રાજકોટ પુત્ર સાથે આવી ગયા હતા. બાદમાં પોતાનું તેમજ પુત્રનું ગુજરાન ચલાવવા માટે રાજકોટની ફેમિલી કોર્ટમાં પતિ લક્ષ્મણ પાસેથી ખાધાખોરાકીની રકમ મેળવવા અરજી કરી હતી.

જેને પગલે ફેમિલી કોર્ટે પરિણીતાની અરજીને ધ્યાને લઇ દોઢ વર્ષ પહેલા નવા ખીજડિયા રહેતા પતિ લક્ષ્મણને પત્ની અને પુત્રને નક્કી કરેલી રકમ દર મહિને ચૂકવવાનો હુકમ કર્યો હતો. પત્ની અને પુત્રને દર મહિને ખાધાખોરાકી ચૂકવવાનો કોર્ટે હુકમ કરવા છતાં લક્ષ્મણભાઇએ દોઢ વર્ષ સુધી કોઇ રકમ જમા કરાવી ન હતી. દોઢ વર્ષથી પતિએ ખાધાખોરાકીની રકમ નહિ ચૂકવતા પરિણીતા શોભનાબેને ચડત રકમ મેળવવા માટે ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી.

પરિણીતાની વધુ એક અરજી બાદ અદાલતે લક્ષ્મણભાઇ વિરુદ્ધ કોર્ટમાં હાજર થવા માટે સમન્સ ઇશ્યૂ કર્યું હતું. સમન્સને પગલે કોર્ટમાં હાજર થયેલા લક્ષ્મણભાઇને તેની પત્ની અને પુત્રને ભરણપોષણની રકમ ચૂકવવાની વાત કરતા લક્ષ્મણભાઇએ ખાધાખોરાકીની રકમ ચૂકવવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. ફેમિલી કોર્ટે આકરું વલણ અપનાવી લક્ષ્મણભાઇને 10 મહિનાની સજા ફટકારતો હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...