ખેડૂતો ફરિયાદ નોંધાવી:ભાજપ આગેવાન, તબીબ અને મહિલા PSIના પતિએ કરી ઠગાઇ

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જમીનના સોદાના 6 કરોડ આપવાના હતા, આપ્યા માત્ર દોઢ કરોડ
  • હરિપળ પાળના ખેડૂતે નોંધાવી લોધિકા પોલીસમાં ફરિયાદ

ગોંડલ તાલુકાના રાજકારણમાં મહત્ત્વનો હોદ્દો ભોગવી ચૂકેલા મોવિયાના કિશોર આંદિપરા અને તેના સાથીદારોએ હરિપર પાળના ખેડૂત પાસેથી રૂ.6 કરોડમાં જમીનનો સોદો કરી ખેડૂતને રૂ.1.50 કરોડ ચૂકવી દસ્તાવેજ કરાવી લીધા હતા અને બાકીની રકમ નહીં ચૂકવી છેતરપિંડી આચરી હતી, પોલીસે ખેડૂતની ફરિયાદ પરથી છેતરપિંડીનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

લોધિકાના હરપિર પાળ ગામના ખેડૂત પાલાભાઇ મેઘાભાઇ (ઉ.વ.40)એ લોધિકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજકોટમાં કેન્દ્રીય વિદ્યાલય પાછળ રહેતા ફાઇનાન્સર છગન દામજી બુસા, નામાંકિત ડોક્ટર અને આઇએમએ રાજકોટના પૂર્વ પ્રમુખ ડો.દિલીપ કાનજી પટેલ, મોવિયાના વતની અને ગોંડલ તાલુકાના ભાજપના આગેવાન કિશોર છગન આંદિપરા, રાજકોટના ભાજપના પૂર્વ કોર્પોરેટર જયસિંહ (ચિનુ) રાઠોડના પુત્ર કુલદીપસિંહ રાઠોડ, મહિલા પીએસઆઇના પતિ મુંજકામાં રહેતા પ્રવીણ પ્રભાત હુંબલ, પ્રિન્સ પેલેસમાં રહેતા કારખાનેદાર દીપક લાલજી પટેલ, પાટીદડના હિતેષ લક્ષ્મણ રાંક અને તેના પિતરાઇ સંદીપ વલ્લભ રાંકના નામ આપ્યા હતા.

પાલાભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હરિપર પાળ ગામે તેમની ખેતીની જમીન આવેલી છે, માતાની બીમારી સમયે નાણાંની જરૂરિયાત ઊભી થતાં 2012માં જમીન વેચવા માટે મૂકતા ભાજપ આગેવાના કિશોર આંદિપરાએ સંપર્ક કર્યો હતો અને રાજકોટમાં છગન બુસા તથા ડો.દિલીપ પટેલની ઓફિસે લઇ ગયા હતા અને ત્યાં રૂ.6 કરોડમાં જમીનનો સોદો નક્કી કર્યો હતો, વધુ સ્ટેમ્પ ડ્યૂટી ભરવી પડે નહીં તે માટે રૂ.38.63 લાખનો દસ્તાવેજ કરવાનો અને બાકીની રકમ રોકડથી આપી દેવાનું નક્કી થયું હતું,

અને તા.2 જૂન 2012ના છગન બુસા અને ડો.દિલીપ પટેલના નામે દસ્તાવેજ કરી આપવાનું નક્કી થયું હતું, દસ્તાવેજ કર્યા ત્યારે આરોપીઓએ ખોટું લખાણ કરાવ્યું હતું અને તેમાં જમીનનો કબજો પાલાભાઇ પાસે હોવા છતાં જમીનનો કબજો છગન બુસા અને ડો.દિલીપ પટેલ પાસે હોવાનું દર્શાવી ખોટો દસ્તાવેજ ઊભો કર્યો હતો.

જમીનનો કબજો તેમની પાસે હોવાનું દર્શાવ્યું
ત્યારબાદ છગન બુસા અને ડો.દિલીપ પટેલે રાષ્ટ્રીય શાળા કમ્પાઉન્ડમાં રહેતા પૂર્વ કોર્પોરેટર ચિનુ રાઠોડના પુત્ર કુલદીપસિંહ રાઠોડના નામે બોગસ દસ્તાવેજ કરી દીધો હતો અને તેમાં પણ જમીનનો કબજો તેમની પાસે હોવાનું ખોટું દર્શાવ્યું હતું. બાદમાં કુલદીપસિંહ રાઠોડે વધુએક બોગસ દસ્તાવેજ ઊભો કર્યો હતો અને તે હિતેષ અને સંદીપ રાંકના નામે કર્યો હતો અને તેમાં પણ જમીનનો કબજો તેમની પાસે હોવાનું દર્શાવ્યું હતું.

પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધ્યો ​​​​​​​
ત્યારબાદ રાંક બંધુએ મહિલા પીએસઆઇના પતિ પ્રવીણ હુંબલના નામે ખોટું કુલમુખત્યારનામું કરી આપ્યું હતું, પાલાભાઇએ પોતાની બાકી લેણી રકમ રૂ.4.50 કરોડ અંગે ઉઘરાણી કરતાં કિશોર આંદિપરા અને કારખાનેદાર દીપક પટેલ સહિતનાઓએ શરૂઆતમાં બહાના કાઢ્યા હતા અને અંતે હાથ ઉંચા કરી દેતા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે.

છેતરપિંડીનો મુખ્ય સૂત્રધાર ભાજપ અગ્રણી આંદિપરા
ખેડૂત સાથે રૂ.4.50 કરોડની છેતરપિંડી આચરવાના મામલામાં ગુનો નોંધાયો છે, ફરિયાદી પાલાભાઇએ જણાવ્યું હતું કે, પોતે જમીન વેચવા માટે મૂકી ત્યારે સૌ પ્રથમ કિશોર આંદિપરાએ જ તેમનો સંપર્ક કર્યો હતો અને તેના ભાગીદારો સાથે બેઠક કરાવી હતી અને કાવાદાવા શરૂ કર્યા હતા, અન્ય આરોપીઓમાં પણ ગણગણાટ શરૂ થયો હતો કે, ખેડૂતને ચૂકવવાની રકમ કિશોર આંદિપરા જમી ગયો હતો, અને કિશોરને કારણે તમામ લોકો ફસાયા હતા.