રાજકોટ શહેરના ઉપલાકાંઠા વિસ્તારમાં રહેતી અને GPSCની તૈયારી કરતી પરિણીતા ગત તા.13ના ઘરેથી નીકળ્યા બાદ શાપરમાં એસિડ પીધેલી હાલતમાં મળી આવી હતી અને તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, શુક્રવારે પરિણીતાની લૌકિક ક્રિયા પૂરી થયા બાદ શનિવારે તેનો પતિ પોતાના ઘરેથી નીકળીને લાપતા થઇ ગયો હતો. 2 દિવસ બાદ આજે ભેદી સંજોગોમાં રાંદરડા તળાવમાંથી તેના પતિની લાશ મળતા ચકચાર મચી જવા પામ્યો છે. હાલ થોરાળા પોલીસે મૃતકના પરિવારજનોને જાણ કરીને તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.
શીતલ પતિ સાથે GPSCની તૈયારી કરતી હતી
પ્રાપ્ત વિગતો અનુસાર દૂધસાગર રોડ પરના હાઉસિંગ બોર્ડ પાસેના અમરનગરમાં રહેતી પરિણીતા શીતલ મહેશભાઇ ચનિયારા (ઉ.વ.25) અને તેનો પતિ મહેશભાઇ GPSC પરીક્ષાની તૈયારી કરતા હતા, શીતલ દરરોજ બપોરે પોતાના ઘરેથી નીકળી માલવિયાનગર ચોકમાં આવેલી લાઇબ્રેરીમાં વાંચવા જતી હતી, ગત તા.13ના બપોરે ઘરેથી લાઇબ્રેરી જવાનું કહીને નીકળ્યા બાદ લાપતા થઇ ગઇ હતી અને તા.14ના શાપરમાંથી બેભાન હાલતમાં મળી આવતા તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જેનું તા.17ના સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
મહેશે પોતાનો મોબાઇલ અને પર્સ પણ ઘરે જ છોડી દીધા હતા
શીતલનું એસિડને કારણે મૃત્યુ થયાનું ખુલ્યું હતું, જોકે શીતલને એસિડ પીવડાવી કોઇએ હત્યા કર્યાનો તેના પિયર પક્ષે આક્ષેપ કર્યો હતો, પોલીસે આ મામલે હજુ પૂરી તપાસ કરી નથી ત્યાં આ ઘટનામાં નવો જ વળાંક આવ્યો હતો. મૃતક શીતલનો પતિ મહેશ ચનિયારા (ઉ.વ.27) શનિવારે સવારે પોતાના ઘરેથી નીકળી ગયો હતો અને આજે ભેદી સંજોગોમાં રાંદરડા તળાવમાંથી તેની લાશ મળી હતી, મહેશે પોતાનો મોબાઇલ અને પર્સ પણ ઘરે જ છોડી દીધા હતા.
શીતલના મૃત્યુ બાદ મહેશ સતત ગુમસુમ રહેતો હતો
પરિવારજનોને અનેક સ્થળે તપાસ કરવા છતાં તેની મહેશની ભાળ નહીં મળતા મહેશના ગુમ થવા અંગે થોરાળા પોલીસમાં જાણ કરવામાં આવી હતી. ચનિયારા પરિવારે કહ્યું હતું કે, શુક્રવારે શીતલની ધાર્મિક વિધિ પૂરી કરવામાં આવી હતી. શીતલના મૃત્યુ બાદ તે સતત ગુમસુમ રહેતો હતો અને લાપતા થઇ ગયો હતો. હાલ પતિ સાથે શું થયું, તેણે તળાવમાં કૂદીને આપઘાત કર્યો કે ? તેનું મોત કયા કારણસર થયું? એ જાણવા થોરાળા પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.