ધોરાજીમાં પાણીના ટાંકા પાસે સિદ્ધાર્થનગરમાં રહેતા તૃષાબેન સુરેશભાઇ ડાંગરે સાસરિયાં વિરુદ્ધ અસહ્ય ત્રાસની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે, જેમાં રાજકોટનાં કોઠારિયા ગામે સોમનાથ સોસાયટીમાં રહેતા પતિ સુરેશ રવજી ડાંગર, સસરા રવજી ચના અને થોરાળાના ચૂનારાવાડ પાસે રહેતા દિલીપ ઉર્ફે ડાયા ચનાભાઈ ડાંગરનું નામ આપ્યું છે. તમામ સામે મારકૂટ અને ત્રાસ અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, પતિ સુરેશ દારૂ પીને માર મારતો હતો તેમજ રાજકોટ રહેતા કાકાજી સસરાએ સુરેશને કહ્યું હતું કે તું નમાલો છો, તેને મારી નાખ, અમે પૈસા વાપરીને તને છોડાવી લઈશું.
ફઇના દીકરા સુરેશ સાથે પ્રેમસંબંધ બંધાયો હતો
તૃષાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે હું મારા ઘરે રહું છું અને ઘરકામ કરું છું. મારે કુટુંબી ફઇના દીકરા સુરેશ સાથે પ્રેમસંબંધ થઇ જતાં અમે બંને એક નાતના હોવાથી વડીલોની સંમતિથી ત્રણ વર્ષ પહેલાં જ્ઞાતિના રીત-રીવાજ મુજબ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ હું મારા પતિ અને સાસુ જયોત્સ્નાબેન, સસરા રવજીભાઇ સાથે સંયુકત કુટુંબમાં રહેતી હતી. લગ્ન બાદ મને છ મહિના સારી રીતે રાખી હતી. બાદમાં મારા પતિ કંઇ કામધંધો કરતા નહીં અને રખડું જીવન જીવતા હતા, દારુ પી મારી સાથે ઝઘડો કરીને મારકૂટ કરતા હતા. મારા પપ્પાને ફોન કરીને કહેતા કે તમારી દીકરીને તેડી જાઓ, અમારે જોઈતી નથી અને છૂટું કરી નાખવું છે.
સસરા નાતના રિવાજ મુજબ કરિયાવર લાવી ન હોવાનું કહેતા
આ બાબતે હું મારા સસરા રવજીભાઇ અને કાકાજી સસરા દિલીપભાઇને વાત કરતી તો તેઓ કહેતા કે સુરેશ મોજીલો માણસ છે, તેને રોકતી નહીં, નહીંતર તારી હાલત બગાડી નાખશે, એવી ધમકીઓ આપી પતિનું ઉપરાણું લેતા હતા. મારા સસરા અને કાકાજી સસરા બંને મને કહેતા કે તું આપણી નાતના રિવાજ મુજબ કરિયાવર લાવી નથી, તારા બાપે કંઇ આપ્યું નથી, તું અમને ગમતી નથી, પરાણે આવી છો, એમ કહી મને માનસિક ટોર્ચર કરતા હતા. મારા પતિ, સસરા અને કાકાજી સસરાના ત્રાસથી હું મારા માવતરે ચારથી પાંચ વખત રિસામણે આવી હતી. બાદમાં નાતના આગેવાનો મારફત સમાધાન કરીને મારા પિતા મને તેડવા આવતા, મારે મારો સંસાર ચલાવવો હોવાથી હું મારા સાસરે જતી રહેતી હતી.
સસરા અને કાકાજી સસરા મન ફાવે એમ ગાળો ભાંડતા
ચાર મહિના પહેલાં મારા પતિ રાત્રિના દારુ પી આવીને મારી સાથે ઝઘડો કરીને મને ઢીકાપાટુનો માર મારતાં મેં રાડો નાખતાં મારા સસરાએ મારા કાકાજી સસરાને અમારા ઘરે બોલાવી લીધા હતા. મારા સસરા અને કાકાજી સસરા મને જેમ ફાવે તેમ ગાળો આપીને મારા પતિને કહેવા લાગ્યા કે તું નમાલો છો, આને મારી નાખ, અમે પૈસા વાપરીને તને છોડાવી લઈશું. આવું કહેતાં મારા પતિ મને જેમ ફાવે તેમ ગાળો આપીને કહ્યું હતું કે મારે તને રાખવી નથી, તું તારા માવતરે જતી રહે, નહીંતર અમે તને જાનથી મારી નાખીશુ. ત્યાર બાદ હું માવતરે આવી જતાં કોઈ તેડવા આવ્યું નહોતું. આ અંગે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.