આપઘાત:રાજકોટમાં ભીમ અગીયારસ કરવા પત્ની પિયરે જતા પતિએ વખ ઘોળ્યું, સારવારમાં દમ તોડ્યો

રાજકોટ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • રેલનગરના યુવાને વ્યાજખોરોના ત્રાસથી ફિનાઈલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો
  • પોપટપરામાં બે સંતાનની સ્‍કૂલ ફી ભરવાની ચિંતામાં પરિણીતાએ ઝેરી દવા પી જિંદગી ટૂંકાવવાનો પ્રયાસ કર્યો

રાજકોટ શહેરના ભગવતીપરામાં પોલીસ ચોકી પાછળ રહેતાં મહેન્દ્ર પ્રવિણભાઇ ગોહેલ (ઉ.વ.22) નામના યુવાને રાતે ઝેર પી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. હજુ એક મહિના પહેલા જ આ યુવાનના લગ્ન થયા હતાં.

પોલીસે કારણ જાણવા તપાસ યથાવત રાખી
ભગવતીપરામાં રહેતો મહેન્દ્ર ગોહેલ રાતે ઝેર પી જતાં તેના કાકા શૈલેષભાઇએ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. મહેન્દ્રના પિતા હયાત નથી. તે ગાડી ઉતારવાની મજૂરી કરતો હતો. અત્યાર સુધી કાકા સાથે જ રહેતો હતો. એક મહિના પહેલા તેના ભગવતીપરાની યુવતિ સાથે લગ્ન થયા બાદ અલગ રૂમ રાખી હતી. રાતે કાકા આટો મારવા આવ્યા ત્યારે દરવાજો બંધ હોઇ ટાકા પર ચડીને જોતાં તે અંદર બેભાન જેવો લાગતાં તેને હોસ્પિટલે ખસેડ્યો હતો. રસ્તામાં થોડો ભાનમાં આવતાં પોતે ઝેર પી ગયાનું કહ્યું હતું. જો કે તેણે કારણ જણાવ્યું ન હતું. તે ત્રણ ભાઇ અને બે બહેનમાં વચેટ હતો. તેની પત્નિ બે દિવસ પહેલા જ ભીમ અગીયારસ કરવા માવતરે ગઇ હતી. પોલીસે કારણ જાણવા તપાસ યથાવત રાખી છે.

રેલનગરના યુવાને આપઘાતનો પ્રયાસ કર્યો
રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં મહર્ષિ દયાનંદ ટાઉનશીપમાં રહેતાં મિતેષ નરેન્દ્રભાઇ સોમમાણેક (ઉ.વ.35) નામના કપડાના વેપારી યુવાને રાતે શારદાબાગ નજીક આઇસીઆઇસીઆઇ બેંક પાસે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરી હતી.

રેલનગરના યુવાને આપઘાતનો પ્રયાસ કર્યો
રેલનગરના યુવાને આપઘાતનો પ્રયાસ કર્યો

દૂકાન વેંચીને અમુક રકમ ચુકવી હતી
જ્યાં પોલીસ ફરિયાદમાં મિતેષે જણાવ્યું હતું કે તેને સંતાનમાં એક પુત્ર છે. તેણે લાખાજીરાજ રોડ પર ઓમ સાઇ નામે રેડીમેઇડ કપડાની દૂકાન ચાલુ કરી હતી. ધંધાના વિકાસ માટે પૈસાની જરૃર હોઇ લાખાજીરાજ રોડ પર આવતાં જતાં શખ્સો સાથે ઓળખ થતાં અલગ અલગ પાંચ શખ્સો પાસેથી ત્રણ લાખથી માંડી ચાર લાખ જેવી રકમ દસ દસ ટકા વ્યાજેથી લીધી હતી. આ બધાને પચાસ ટકા જેવી રકમ આપી દીધી હતી અને વ્યાજ પણ ચુકવ્યું હતું. પરંતુ ધંધામાં મંદી આવતાં અમુક વ્યાજ ન ચુકવી શકતાં ઘરે આવી તેમજ દૂકાને આવી ઉઘરાણી કરવાનું ધમકી આપવાનું ચાલુ કર્યુ હતું. આથી દૂકાન વેંચીને અમુક રકમ ચુકવી હતી. એ પછી પોતે ગામ છોડીને મુંબઇ જતો રહ્યો હતો અને ગઇકાલે જ પાછો આવ્યા બાદ ફિનાઇલ પી ગયો હતો. તેણે પાર્થ, ધમભા, ટીકુભાઇ, ભાવેશ, રાજભા પાસેથી વ્યાજે નાણા લીધાનું જણાવ્યું હતું. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

પોપટપરામાં પરિણીતાએ ઝેરી દવા પી જિંદગી ટૂંકાવવાનો પ્રયાસ કર્યો
ખાનગી સ્‍કૂલોની કમ્‍મરતોડ ફી સામાન્‍ય પરિવારના બજેટ ખોરવી નાંખતી હોય છે. આમ છતાં ગમે તેમ કરીને ગરીબ, મધ્‍યમવર્ગીય લોકો પોતાના સંતાનોને સારી સ્‍કૂલોમાં ભણાવવા પ્રયાસ કરતાં હોય છે. પોપટપરાના હંસરાજનગરમાં રહેતી એક મહિલાએ પોતાના બે સંતાનની સ્‍કૂલ ફી ભરવાની ચિંતાને કારણે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવી હતી.

બે સંતાનની સ્‍કૂલ ફી ભરવાની ચિંતા સતાવતી હતી
રાજકોટના હંસરાજનગર-1 માં રહેતી સુમિતાબેન વિજયભાઇ ભુરીયા (ઉ.વ.38)એ રાતે સાડા બારેક વાગ્‍યે ઝેરી ટીકડી પી લેતાં સારવાર માટે ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ પ્રધ્યુમનનગર પોલીસ સ્‍ટેશનમાં જાણ કરી હતી. સુમિતાબેન ખાનગી શાળામાં શિક્ષીકા તરીકે નોકરી કરે છે. તેને સંતાનમાં બે પુત્ર છે. આ બંને ખાનગી શાળામાં અભ્‍યાસ કરે છે. તેણીના પતિ વિજયભાઇ કડીયા કામ કરે છે. બંને બાળકોની રૂ. 70,000 જેવી ફી ભરવાની હોઇ આ રકમની વ્‍યવસ્‍થા કઇ રીતે કરવી? તેની ચિંતામાં કેટલાક દિવસથી સુમિતાબેન રહેતાં હતાં. આ કારણે રાતે ઝેરી દવા પી લીધાનું તેમના પરિવારજને કહ્યું હતું. આ પરિવાર મુળ દાહોદ તરફનો વતની છે.