આત્મહત્યા:આરોગ્ય શાખાની નિવૃત્ત મહિલાએ ઘરેલુ હિંસાનો કેસ કરતા પતિનો આપઘાત

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • શહેરમાં આપઘાત અને આપઘાતની કોશિશના ત્રણ બનાવ
  • શ્યામપાર્કમાં એકાઉન્ટન્ટ યુવાને અગમ્ય કારણોસર ફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી

શહેરમાં વધુ બે આપઘાતના બનાવ પ્રકાશમાં આવ્યા છે. જેમાં આધેડે ઝેરી દવા પીને અને એકાઉન્ટન્ટ યુવાને ફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લીધી છે. દૂધસાગર રોડ, ગુલશનપાર્ક-1માં રહેતા ડાયમનભાઇ સમસુદ્દીનભાઇ ગીલાણી નામના આધેડે ગત તા.21ની બપોરે તેમના ઘરે ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ત્રણ દિવસની સારવાર કારગત નહીં નિવડતા આધેડે દમ તોડ્યો હતો. થોરાળા પોલીસની તપાસમાં આધેડ જ્યુબિલીમાં મોબાઇલની દુકાન ધરાવતા હતા. જ્યારે પત્ની મહાનગરપાલિકાના આરોગ્ય શાખામાં નોકરી કરી નિવૃત્ત થયા હતા. નિવૃત્તિ બાદ પત્નીને મળેલી રકમમાંથી ડાયમનભાઇએ થોડી રકમ માગી હતી, પરંતુ પત્નીએ ના પાડતા બંને વચ્ચે માથાકૂટ થઇ હતી. જેથી પત્ની પુત્રીને લઇ અમદાવાદ પિયર ચાલી ગઇ હતી અને ત્યાં પત્નીએ ઘરેલુ હિંસા અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પત્નીએ ફરિયાદ નોંધાવ્યાની ખબર પડતા ડાયમનભાઇને લાગી આવતા પગલું ભર્યાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.

અન્ય બનાવ કોઠારિયા રોડ, રણુજા મંદિર પાછળ શ્યામપાર્ક-2માં બન્યો છે. અહીં રહેતા કિશન રસિકભાઇ દેસાઇ નામના 22 વર્ષના અપરિણીત યુવાને બુધવારે વહેલી સવારે ઘરે પ્લાસ્ટિકની દોરીથી ફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. પરિવારને આર્થિક મદદરૂપ થવા માટે કિશન પેઢીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતો હતો. કિશને ક્યા કારણોસર આત્મઘાતી પગલું ભર્યું તેનાથી પરિવાર અજાણ હોવાનું પોલીસને જણાવ્યું હતું. 

લોકડાઉન પછી પતિને કામ નહીં મળતા પરિણીતાએ આપઘાતનો પ્રયાસ કર્યો
પોપટપરા સરકારી ગોડાઉન પાસે રહેતી નીમુ સીધાભાઇ કુનતિયા નામની પરિણીતાએ ગત રાતે તેના ઘરે ચૂંદડીથી ગળાફાંસો ખાઇ લીધો હતો. પત્નીએ ફાંસો ખાધાની પતિ સીધાભાઇને ખબર પડતા તુરંત રૂમમાં દોડી જઇ નીચે ઉતારી સારવાર માટે હોસ્પિટલ ખસેડાતા જીવ બચી ગયો હતો. પોલીસ તપાસમાં પરિણીતાને બે સંતાન છે. પતિ કડિયાકામ કરી ગુજરાન ચલાવે છે. લોકડાઉન પછી પતિને કામ મળતું ન હતું. જેને કારણે આર્થિક ભીંસ અનુભવતા હોવાથી કંટાળીને પગલું ભર્યાનું પરિણીતાએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...